<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા રામભાઇની રજૂઆત

રાજકોટ, તા. ર૯ : હાલના કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલ ભારે નુકશાની સબબ તુરત જ રાહત પેકેજ જાહેર કરવા મુખ્‍ય મંત્રીને  રાજ્‍ય સભાના સભ્‍ય  રામભાઈ મોકરીયાએ રજુઆત કરી છે.

છેલ્લા થોડા સમયથી સમગ્ર ગુજરાતમાં પડી રહેલ કમોસમી ભારે વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખરીફ પાક તૈયાર થઈને ખેડૂતો પાક લેવાની તૈયારી માં હતા ત્‍યારે માવઠા રૂપે  કુદરતી આફત વરસતા, સમગ્ર સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના મુખ્‍ય પાકો જેવાકે, મગફળી, કપાસ, સોયાબીન, વિગેરે પાકો ને અતિ ભારે નુકશાન થયેલ છે. ખેતરમાં પડેલ મગફળીના પાથરાઓ તથા તૈયાર મગફળી પણ પાણી સાથે તણાઈ ગયેલ હોઇ, મગફળી અને કપાસ સહીત  મોટાભાગના પાકો નિષ્‍ફળ ગયેલ છે. તૈયાર પાકો ખેડૂતો લઇ શકેલ નથી. અને ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ ઝુટવાઈ ગયેલ છે,

તેમની આખા વર્ષની મહેનત, મજુરી તેમજ મોંઘાભાવના બિયારણ, ખાતર, દવા વિગેર પાછળ કરેલ ખર્ચ નું મોટું નુકશાન થયેલ છે. આ પરીસ્‍થીતિ માથી તેમણે ઉગારવા માટે તેમજ તેમનાં  જીવન નિર્વાહ માટે  રાહત આપવી અતિ જરૂરી છે. હાલમાં ગુજરાતના તમામ મંત્રીશ્રીઓ તથા સરકારી તંત્ર દિવસ રાત જોયા વિના ખેડૂતોની સહાય માટે લાગી ગયેલ છે. અને ખેતીને થયેલ પાક  નુકશાની તથા જમીન ધોવાણ અંગેની નુકશાનીના  સર્વેની કામગીરી શરુ કરી દીધેલ છે. જે સરકારશ્રીની ખેડૂતો પ્રત્‍યેની સંવેદનશીલતા દર્શાવે છે. જે ખરેખર અભિનંદન ને પાત્ર છે. આ બાબતે ખેડૂતોને ખરેખર થયેલ પાક નુકશાની તથા જમીન ધોવાણ અંગેની નુકશાની માટે રાહત પેકેજ તુરત જ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત  મુખ્‍ય મંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને રાજ્‍ય સભાના સભ્‍ય શ્રી રામભાઈ મોકરીયાએ કરેલ છે.  

(3:45 PM IST)