<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

જિલ્લા પંચાયતમાં શિક્ષકોની ખાલી જગ્‍યાઓ ફટાફટ ભરાવા લાગીઃ આજે વધુ ર૬ વિદ્યા સહાયકોની નિમણૂક

પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ સ્‍થળ પસંદગી પ્રક્રિયા

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ અને નાયબ શિક્ષણાધિકારી શ્રી અશોક વાણવીના હસ્‍તે નવા વિદ્યા સહાયકોને સ્‍થળ પસંદગી બાદ નિમણુંક પત્ર અપાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા., ૨૯ : રાજય સરકારે  પ્રાથમિક શાળાઓ માટે વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા પુર્ણ કરી જિલ્લાઓને નિર્ધારીત સંખ્‍યા ફાળવેલ છે. રાજકોટ જિલ્લા માટે જિલ્લા પંચાયત હસ્‍તકની શાળાઓમાં ફરજ બજાવવા ર૮ વિદ્યા સહાયકો ફાળવવામાં આવ્‍યા છે. તેમના માટે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ અલ્‍પાબેન તોગડિયાની હાજરીમાં પંચાયત ખાતે મેરીટ આધારિત સ્‍થળ પસંદગી પ્રક્રિયા થઇ હતી.

રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રની શાળાઓમાં ધો.૬ થી ૮માં ફરજ બજાવવા ર૮ શિક્ષકો પસંદ થયેલ. તેમને આજે સ્‍થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ. તે પૈકી હાજર થયેલ ર૬ શિક્ષકોને મેરીટના આધારે પસંદગીની શાળા ફાળવવામાં આવી હતી. નવા વિદ્યા સહાયકો સરકારી નિયમ મુજબ પાંચ વર્ષ ફિકસ પગારથી અને ત્‍યારબાદ રેગ્‍યુલર પગારથી નોકરી કરવા પાત્ર છે.

રાજકોટ જિલ્લામાં અગાઉ ધોરણ ૧ થી પ માટે કરાર આધારિત ૩૫૦ જ્ઞાન સહાયકો ફાળવવામાં આવેલ. આજે ધો. ૬ થી ૮ માટે ર૬ વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. હવે જિલ્લા પંચાયત હસ્‍તકની ૮પ૦ જેટલી શાળાઓમાં ખાલી જગ્‍યાઓની સંખ્‍યા એકદમ ઓછી થઇ ગઇ છે. શિક્ષકોની જગ્‍યાઓ ફટાફટ ભરાવા લાગતા શિક્ષણની ગુણવતા વધુ સુધરવાની આશા છે. (૪.૧૨)

(4:12 PM IST)