<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

સંબંધના નાતે એક્‍ટીવા, મોબાઇલ, ૮ લાખ આપ્‍યા'તા એ પાછા માંગતા યુવાન પર હુમલો, ઘરમાં તોડફોડ

આજી વસાહતમાં બનાવઃ યુવાનની ગેરહાજરીમાં તેના પત્‍નિની છેડતી પણ કરીઃ ફરિયાદ પરથી તેના જ સગા મહેશ, મહિષ, સંજય, કેશુભાઇ, અભય વિરૂધ્‍ધ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: આજી વસાહત વિસ્‍તારમાં રહેતાં યુવાને પોતાના જ સગાને સંબંધના નામે એક્‍ટીવા, મોબાઇલ ફોન વાપરવા આપ્‍યા હોઇ તેમજ કટકે કટકે ૮ લાખ રૂપિયાની મદદ કરી હોઇ હવે આ બધુ પાછુ માંગતા આ લોકોએ તું આ બધુ ભુલી જા, હવે ઉઘરાણી કરતો નહિ કહી ગાળો દઇ પાઇપથી માર મારી તેમજ તેના ઘરમાં તોડફોડ કરી તેની ગેરહાજરીમાં તેની પત્‍નિની છેડતી કરતાં અને છકડાથી અકસ્‍માત કરી એક્‍ટીવાને પણ નુકસાન કરી આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં થોરાળા પોલીસે આજી વસાહત પાસે આંબેડકરનગરમાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી મહેશ, તેના પુત્ર મનિષ, સંજય, કેશુ, અભય વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. યુવાન છુટક મજૂરી કામ કરે છે. તેણે જણાવ્‍યું છે કે મેં બે વર્ષ પહેલા મારુ નવુ એક્‍ટીવા મારા સગા મહેશ અને મનિષને સંબંધના દાવે વાપરવા આપ્‍યું હતું. તેણે બાદમાં એક્‍ટીવા પાછુ આપી દેશે તેવી ખાત્રી આપી હતી. એ પછી સંજય મારો મોબાઇલ ફોન પણ સંબંધના દાવે વાપરવા લઇ ગયો હતો. આ ફોન પણ તે પાછો આપતો નહોતો.  આ ઉપરાંત કેશુભાઇ, મહેશ, મનિષને નાણાકીય જરૂરીયાત ઉભી થતાં તે મારી પાસેથી કટકે કટકે ૮ લાખ રૂપિયા પણ લઇ ગયેલ.

આ રકમ તે મને થોડા સમયમાં પરત આપી દેશે તેવી ખાત્રી આપી હતી. મેં આ લોકોને મદદ કરવા હોમક્રેડીટ ફાયનાન્‍સમાંથી બે લાખની લોન, મોબક્‍વીક એપમાંથી સાંઇઠ હજારની લોન, પત્‍નિના ઘરેણા ગીરવે મુકી ૧૧૭૦૦૦ની લોન લીધી હતી અને મારા નાના પાસેથી એક લાખ ઉછીના લઇને આપ્‍યા હતાં.

આ ઉપરાંત મારી કમાણીની બચના ૧,૩૯,૬૦૦ આપ્‍યા હતાં. મહેશભાઇને કેન્‍સરની બિમારી હોઇ જેથી તેને એક લાખ હાથ ઉછીના આપ્‍યા હતાં. હવે મારે પૈસાની જરૂર ઉભી થતાં મેં આ રકમ પાછી માંગતા આ બધાએ ભેગા મળી કહેલું કે હવે તારો મોબાઇલ અને પૈસા ભુલી જાજે, પાછા માંગીશ તો મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આથી મેં આ અંગે આ લોકો વિરૂધ્‍ધ થોરાળા પોલીસમાં અરજી આપી હતી. દરમિયાન હું એક્‍ટીવા લઇને અમુલ સર્કલ પાસે એંસી ફુટ રોડ પર રીલાયન્‍સ પંપ પાસે વિશ્વાસ પાન સેન્‍ટર નામની દુકાને ફાકી ખાવા ગયો ત્‍યારે સંજયે લોખંડના પાઇપથી એકટીવામાં તોડફોડ કરી ૧૫ હજારનું નુકસાન કર્યુ હતું. તેમજ મોબાઇલમાં પાઇપ ફટકારી ડીસ્‍પલે ભાંગી નાંખી તેમાં પણ ૧૫ હજારની નુકસાની કરી હતી. આ બનાવ અંગે ૧૧૨માં પોલીસને જાણ કરી હતી. તેમજ મને ઇજા થઇ હોઇ ૧૦૮ પણ બોલાવી સારવાર લીધી હતી.

હું હોસ્‍પિટલે હતો ત્‍યાં મને ઘરેથી ફોન આવ્‍યો હતો કે દારૂના નશામાં સંજય, અભય ઘરે આવી ધોકાથી હુમલો કર્યો છે અને ઘરમાં ઘરવખરીમાં તોડફોડ કરી તમારા પત્‍નિની છેડતી કરી ગાળો દઇ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા છે. તેમજ જતાં જતાં એવી ધમકી પણ આપી છે કે પોલીસને જાણ કરશતો ગાડી માથે ચડાવી દઇશું, આખા પરિવારને મારી નાખશું. આ ઉપરાંત દારૂના નશામાં છકડો રિક્ષા મારા એક્‍ટીવામાં અથડાવી તેમાં પણ નુકસાની કરી હતી. મેં મારા સગા એવા મહેશ, મનિષ સહિતને સંબંધના નાતે એક્‍ટીવા, મોબાઇલ વાપરવા આપ્‍યા હોઇ તેમજ કટકે કટકે આઠ લાખ રૂપિયાની મદદ કરી હોઇ આ બધુ પાછુ માંગતા તેણે હવે આ બધુ ભુલી જાજે કહી ઝઘડો કરી હુમલો કરી ઘરે તોડફોડ કરી હતી અને ધમકી આપી હતી. જેથી મારે ફરિયાદ કરવી પડી હતી. તેમજ વધુમાં યુવાને જણાવતાં પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એ. પી. રતને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:18 PM IST)