<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

કર્મચારી સુનિલે જ ત્રણ મિત્રો વિજય, હિરેન, સાગર સાથે મળી ૧૦ કિલો ચાંદી ચોરી'તી

કુવાડવા રોડ શિવપરામાં કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યો : બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકી, હેડકોન્‍સ. ક્રિપાલસિંહ ઝાલાની ટીમની કામગીરીઃ લોધીકા રહેતાં સુનિલની ધરપકડઃ અન્‍ય ત્રણની શોધખોળ : હેડકોન્‍સ. નરેશભાઇ ચાવડા અને કોન્‍સ. વિશ્વજીતસિંહ ઝાલાની સફળ બાતમી

હિરેનના હાથમાં મોરપીચ્‍છનું ટેટૂ હોઇ સીસીટીવીમાં દેખાયું'તું

રાજકોટ તા. ૩૦: શહેરના કુવાડવા રોડ પર શિવપરા-૨માં આવેલા ચાંદીકામના કારખાનામાં બારી તોડી હાથમાં લાંબો સળીયો નાંખી તેનાથી ચાંદી ભરેલો થેલો ચોરી લેવાયો હતો. રૂા. ૧૦ લાખની પોણા દસ કિલો ચાંદીની ચોરીનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી આ કારખાના જ કર્મચારી એવા સુનિલ અને તેના ત્રણ મિત્રોને પકડી લઇ ચાંદી કબ્‍જે કરી છે. દિવાળીના તહેવારમાં મોજશોખ કરવા રૂપિયાની જરૂર હોઇ સુનિલ મિત્રો સાથે પ્‍લાન ઘડી આ ઘટનાને અંજામ આપ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શીવપરામાં આવેલા કારખાનામાંથી ૧૦ લાખની ચાંદી ચોરાઇ જતાં કારખાનેદાર વેલનાથપરાના યોગેશભાઇ મનસુખભાઇ બહાપીયાએ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી કેમેરા ચેક કરતાં બારીમાંથી એક હાથ આવતો અને સળીયાની મદદથી ચાંદી ભરેલો થેલો ખેંચી જતો દેખાયો હતો. આ હાથ ઉપર મોરપીચ્‍છનું ટેટૂ ચીતરાવેલુ જોવા મળ્‍યું હતું. આ ગુનો ઉકેલવા બી-ડિવીઝન ડી. સ્‍ટાફની ટીમ કામે લાગી હતી. દરમિયાન હેડકોન્‍સ. નરેશભાઇ ચાવડા અને કોન્‍સ. વિશ્વજીતસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી તેના આધારે કારખાનામાં જ કામ કરતાં લોધીકાના મેંગણીના રસ્‍તે રહેતાં સુનિલ સુરેશભાઇ સુમલખાણીયા (ઉ.વ.૨૧)ને ઉઠાવી લીધો હતો.

સુનિલની આ ચોરીમાં સંડોવણી હોવાની પાક્કી માહિતી મળી હોઇ તેની પુછતાછ કરતાં પહેલા તો પોતે અજાણ હોવાનું રટણ કર્યુ હતું. બાદમાં ચોરી કબુલી હતી અને કહ્યું હતું કે તેણે પોતાના ત્રણ મિત્રો લોધીકાના સાગર મંગાભાઇ ખુદડીયા, હિરેન બાવાજી અને વિજય સુખાભાઇ સાથે મળી આ ચાંદીની ચોરી કરી હતી. સુનિલ પાસેથી પોલીસે રૂા. ૪,૮૫,૦૦૦ના ૫.૪૩૧ કિલો વજનના ચાંદીના બે ઢાળીયા કબ્‍જે કર્યા છે. અન્‍ય આરોપીઓ પકડાયા બાદ વધુ ચાંદી જપ્‍ત થવાની આશા છે. સુનિલે રટણ કર્યુ હતું કે શેઠ કારખાનામાં ચાંદી ક્‍યાં રાખે છે તેનાથી પોતે વાકેફ હતો. વળી ચાંદી ભરેલો થેલો જ્‍યાં રખાય છે ત્‍યાં સુધી બારીમાંથી સળીયો લાંબો કરી સરળતાથી પહોંચી શકાય છે. દિવાળીના તહેવારોમાં મોજશોખ કરવા અને બીજા કામ માટે પૈસાની જરૂર હોઇ સુનિલે ચોરીનો પ્‍લાન ઘડી પોતાના મિત્રો સાગર, હિરેન, વિજયને ચોરીમાં જે મળે તેમાંથી ભાગ આપવાની લાલચ દઇ સામેલ કર્યા હતાં.

બાદમાં ચારેય કારખાના પાસે રાત્રીના સમયે પહોંચ્‍યા હતાં. બારી તોડી હિરેને પોતાના હાથથી સળીયો લંબાવી ચાંદી ભરેલો થેલો ઉઠાવી લીધો હતો. સુનિલ પાસેથી ચોરાયેલી પૈકી અડધી ચાંદી કબ્‍જે થઇ છે. બાકીના આરોપી પકડાયે વધુ ચાંદી કબ્‍જે થશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકી, હેડકોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, કોન્‍સ. વિશ્વજીતસિંહ ઝાલા, જગમાલભાઇ જાદવ અને હાર્દિકભાઇ ગાજીપરાએ આ કામગીરી કરી હતી.

(3:23 PM IST)