<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

જો દરેક લોકો સ્‍વયંમભૂ જાગૃત બને તો ૩૦ ટકા ગુન્‍હાઓ બને જ નહિ

શુ તમે જાણો છો? માનવ સર્જીત ભુલ, જેમકે લોભ, લાલચ, ઉતાવળ, કે બેદરકારીને કારણે ૩૦ ટકા ગુન્‍હાઓ બને છે!! : લોભ લાલચથી સાયબર ફ્રોડમાં લોકો પોતાની મરણમુડી તેમજ ઝડપી વાહન ચલાવી અકસ્‍માતમાં મહામુલી જીંદગી ગુમાવે છે!! : ગુજરાત સહિત દેશભરમાં આ પ્રકારના ગુન્‍હાઓનું પ્રમાણ ૩૦ ટકા જેટલુ હશે : સ્‍કુટર- બાઇકને હેન્‍ડલલોક ન કરી તેમજ બેંકને બદલે મોટી રોકડ રકમ તેમજ દાગીના ઘરમાં રાખતા ચોરાઇ જતા આર્થિક નુકસાની ભોગવે છે

 

રાજકોટઃ ગુજરાત સહિત દેશભરમાં હમણા-હમણા નેશનલ ક્રાઇમ બ્‍યુરોના અહેવાલની આકડા પરથી જ બહાર આવ્‍યુ છે કે સાઇબર ફ્રોડ અને વાહન અકસ્‍માતના ગુન્‍હાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. અનેક લોકોએ સાઇબર ફ્રોડમાં પોતાની મરણમુડી તેમજ વાહન અકસ્‍માતના બનાવમાં હજારો લોકોએ જુંદગી ગુમાવી છે.

આ બંને પ્રકારના ગુન્‍હામાં સાઇબર ફ્રોડમાં લોકોની લોભ તેમજ  લાલચ (ઝડપી પૈસા મેળવવાની વૃતિ) ને કારણે તેમજ બેદરકારી થી ઝડપી વાહન ચલાવી  અકસ્‍માત સર્જી પોતાની અથવા સામે વાળાની જીંદગીનો અંત (મૃત્‍યુ) નિપજવાની ગુનામાં વાહન ચાલકોની બેદરકારીથી બનવા પામે છે. તેમાથી દેશ લેવલે હજારો લોકોએ જીંદગી ગુમાવવાની નેશનલ ક્રાઇમ બ્‍યુરોના રીપોર્ટમાં જ જણાવાયું છે.

આવીજ રીતે અન્‍ય બે પ્રકારની બેદરકારી પણ લોકો સમયાંતરે કરતા રહે છે. તેમાની એક  છે બાઇકને હેન્‍ડલલોક નહિ કરવાની ગુજરાતમાં અનેક બાઇક ચોરીના ગુન્‍હાઓ બને છે. અને પોલીસની ધનિષ્‍ઠ તપાસ સીસીટીવી કેમેરાની મદદથી બાઇક ચોર ગુન્‍હેગારો પકડાય છે. ત્‍યારે પોલીસ સમક્ષના નિવેદનમાં સ્‍પષ્‍ટ કહે છે કે, અમો ‘હેન્‍ડલ લોક' ન કર્યુ હોય તેવી જ બાઇક ઉઠાવીએ છે. આથી જો લોકો જાગૃત બની ‘હેન્‍ડલ લોક' કરવાની ટેવ પાડે તો બાઇક ચોરીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે.

હવે આવી જ બેદકારીનો છેલ્લો મુદ્‌્‌ો છે. લોકો વાર તહેવાર પર બહારગામ જતા હોય ત્‍યારે ઘરના કબાટ-લોકરમાં મોટી રકમની રોકડ રકમ (કેટલાક કિસ્‍સામાં રૂા. ૧૦ કે ર૦ લાખ પણ હોઇ શકે છે) તેમજ સોના-ચાંદીના દાગીના ઘરમાં રાખીને જતા ચોરી થવાના કિસ્‍સા બનતા હોય છે જે અખબારી અહેવાલો પરથી સ્‍પષ્‍ટ થતું હોય છે.

લોકોએ સ્‍વયંમ જાગૃત બની બહારજવાના સમયે ઘરમાં રોકડ રકમ (વધુ) ન રાખવી જોઇએ અને સોના-ચાંદીના દાગીના પણ ઘરમાં રાખવાને બદલે બેંકમાં લોકરોમં રાખવા જોઇએ. તેમજ લાંબો સમય બહારગામ જવું હોય તો નજીકના વિશ્વાસુ સગાને રાત્રે સુવા માટે કહેવું જોઇએ તેમજ નજીકના પોલીસ સ્‍ટેશનને પણ જાણ કરવી જોઇએ જેથી ઘરમાં રોકડ-રકમ કે દાગીના ચોરીના બીજા ગુન્‍હાઓ બનતા અટકી શકે જરૂર છે. માત્ર માત્ર ને માત્ર લોકોને સ્‍વયંમ શિસ્‍ત સમજાવી જાગૃત થવાની. ᅠ

ગુજરાતામાં ઓવરસ્‍પીડના કારણે ૧૪૭૧૦ અકસ્‍માતમાં ૭ર૭૮ લોકોએ જીવ ગુમાવ્‍યા!!

ગુજરાતમાં ૪ વર્ષમાં સાયબર ક્રાઇમ કેસોમાં અધધધ ૯૦૦ ટકા કેસો વધ્‍યા!!

રાજકોટઃ ગુજરાતમાં પ્રાપ્ત વિગત મુજબ એક વર્ષમાં કુલ ૧૬૩૪૯ રોડ અકસ્‍માતમાં કુલ ૭૮૫૪ વ્‍યકિતના મૃત્‍યુ થયા છે આવા અકસ્‍માતોમાં ૯૦ ટકા કેસમાં વાહનની ઓવરસ્‍પીડ હોવાને કારણે અકસ્‍માત થયાનુ બહાર આવેલ છે. આમ ઓવરસ્‍પીડને કારણે ૧૪૭૧૦ એકસીડન્‍ટના બનાવોમાં કુલ ૭૨૭૮ લોકોના મૃત્‍યુ થયા છે. ઓવરસ્‍પીડના કારણે અકસ્‍માત થતા હોય અને તેમાં લોકોના મૃત્‍યુ થતા હોય તેવા કિસ્‍સામાં ગુજરાત દેશમાં સાતમાં સ્‍થાને આવે છે.

સાયબર ક્રાઇમમાં પણ ચિંતાજનક વધારો

ગુજરાત સાયબર ક્રાઇમમાં પણ ચિંતાજનક વધારા સાથે કેસોની સંખ્‍યામાં છેલ્લા ચાર વર્ષમાં ૯૦૦ ટકા કેસોનો વધારો થયો છે અને સમગ્ર દેશમાં આવા કેસોમાં પાંચ ગણો વધારો થયો છે. જયારે નવાઇ પમાડે તેવી વાત છે કે મહારાષ્‍ટ્ર અને યુપીમાં આવા કેસો ૩-૩ લાખને પાર થયા છે તેમ અહેવાલો જણાવે છે.

સસ્‍તી લોન - સરકારી નોકરી કે વધુ નફાની લાલચ આપતા ફોન કોલ્‍સને ફોલો ન કરવા

આવા ફોન કોલ્‍સને ફોલો કરતા પહેલા સાઇબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦નો સંપર્ક કરો

નવા વર્ષથી કરો સંકલ્‍પ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ગુજરાત સહીત દેશભરમાં સાયબર ક્રાઇમ ફ્રોડના કેસનો રાફડો ફાટયો છે. તાજેતરમાં સીઆઇડી ક્રાઇમે આવા ફ્રોડના ગુન્‍હાના આંકડા જાહેર કર્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. અહીં ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના લોકો પણ આવી છેતરપીંડીનો ભોગ બની મરણમૂડી સમાન નાણા ગુમાવવામાં પાછળ નથી. ગુજરાતમાં લગભગ જાન્‍યુઆરીથી સપ્‍ટેમ્‍બર - ૨૫ સુધીમાં ૭૨૫૪૪ ફરીયાદો થવા પામી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક નાના ગામોનો પણ સમાવેશ થયેલ છે.

આવા સાયબર ફ્રોડના બનાવો બનવા પાછળ એક માત્રને માત્ર માનવીય ભુલ ઉપરાંત લોભ-લાલચ ઝડપથી પૈસા કમાવવાની વૃતિ હોય છે. આવી માનસિકતાને કારણે જ લોકો વગર વિચાર્યે સાહજીક ભુલ કરી બેસે છે અને પોતાની જીવનભરની મરણમુડી ગુમાવે છે. આ પ્રકારના સાયબર ફ્રોડના ગુન્‍હાના સમાચાર દરરોજ ગુજરાતના માતબર અખબારોમાં લોક જાગૃતિ માટે પ્રસિધ્‍ધ થતા રહે છે.

હજુ સમય છે દરેક લોકોએ જાગૃત થવાનો આપના મોબાઇલ પર કોઇપણ વ્‍યકિત આપને સસ્‍તી લોન આપવાની, શેરબજારમાં સારો નફો આપવાની, સરકારી નોકરી કે આવાસ અપાવી દેવાની તમારા આધારકાર્ડનો ઉપયોગ કરી કોઇએ મોટી લોન (તમારા નામે મેળવી છે) કોઇ અધિકારીના નામે તમે કૌભાંડ કર્યુ છે માટે તમને ડીઝીટલ એરેસ્‍ટ કરવામાં આવે છે? આવા પ્રકારના ફોન આવે તો જરાપણ ગભરાયા વગર તેને ફોલો કરવા નહિ અને સાઇબર ક્રાઇમની હેલ્‍પલાઇન નં.૧૯૩૦ ઉપર જાણ કરવાનો સંકલ્‍પ કરવો.

આટલું પણ યાદ રાખો કે જો તમે આવા ફોનની લાલચમાં સપડાય ગયા, તમારા બેંક એકાઉન્‍ટમાંથી પૈસા જતા રહયા હોય અથવા ડીઝીટલ એરેસ્‍ટની વાત કરે તો ફકત ૩૦ મીનીટ સુધીમાં પણ તમે સાઇબર ક્રાઇમની હેલ્‍પલાઇન પર જાણ કરશો. તમારા ગુમાવેલા પૈસા અન્‍ય કોઇ જગ્‍યાએ ટ્રાન્‍સફર થતા અટકી જશે. તમને ફ્રોડ કરનારના બેંક એકાઉન્‍ટમાંજ જમા રહેશે અને તમામ ગુમાવેલી રકમ તમને ઝડપથી પરત મળવાના સંજોગો ઉભા રહેશે. તમો જાગૃત બનો અને તમારા પરિવાર નજીકના સગા - સંબંધીઓને પણ જાગૃત બનાવો.

: સંકલનઃ
કે. ઍન. કારીયા

(3:45 PM IST)