News of Thursday, 30th October 2025
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી 2,35,492 હેકટરમાં નુકશાન થયું :સર્વેના ડેટા કૃષિ પ્રગતિ એપ પર કરાશે અપલોડ
એક ગ્રામ સેવક દ્વારા 10 જેટલા ગામડાઓના ખેતરે જઈને સર્વે કરવામાં આવશે:કાલથી સર્વેની કામગીરી શરૂ કરાશે

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ સામે આવ્યો છે. જિલ્લામાં ખેતી પાકોમાં નુકસાનીને લઈને અધિક કલેકટર એ.કે ગૌતમે કહ્યું કે, રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ ખેતીવાડી અધિકારીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 71 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. જિલ્લામાં 5,21,999 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જિલ્લામાં કમોસમી વરસાદના કારણે 2,35,492 હેકટરમાં નુકશાન થયું છે. એક ગ્રામ સેવક દ્વારા 10 જેટલા ગામડાઓના ખેતરે જઈને સર્વે કરવામાં આવશે. આવતીકાલથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને દસ દિવસ દરમિયાન પૂરી કરવામાં આવશે. જે સર્વે કરવામાં આવશે તેનો ડેટા કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરવામાં આવશે. જિલ્લાના ગામડાઓમાં અધિકારીઓ દ્વારા અને ગ્રામ સેવકો દ્વારા ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે.
(8:27 PM IST)










