<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ગઢકા પાસે બે બાઇક અથડાતાં રાજકોટ ડેરોઇ ગામના વિનોદભાઇ બેડવાનું મોત

૩૮ વર્ષનો યુવાન રાજકોટ મજુરી કામ પુરૂ કરી ઘરે જતો હતો ત્‍યારે બનાવઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમાઃ સામેના બાઇકચાલકનો બચાવ

રાજકોટ તા. ૩૧: જીવલેણ વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં એક પરિવારરે આધારસ્‍તંભ ગુમાવી દીધો છે. રાજકોટના સરધાર નજીકના ગઢકા ગામ પાસે સાંજે બે બાઇક સામ-સામે અથડાતાં ડેરોઇ ગામના ૩૮ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ ડરોઇ ગામે રહેતો વિનોદભાઇ અર્જુનભાઇ બેડવા (ઉ.વ.૩૮) સાંજે સાતેક વાગ્‍યે રાજકોટથી પોતાના ઘરે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે ગઢકા નજીક સામેથી બીજુ બાઇક તેના બાઇક સાથે અથડાતાં પોતે બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. સામેના બાઇક ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. વિનોદભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વિનોદભાઇ ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. વિનોદભાઇ રાજકોટમાં છુટક મજૂરી કરતાં હતાં. સાંજે મજૂરી કામ પુરૂ કરી પરત પોતાના ઘરે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. આજીડેમ પોલીસે સામેના બાઇક ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

(3:40 PM IST)