તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
૧લી નવેમ્બરે તુલસી વિવાહઃ કુંડા સાથે ૧૦ હજાર તુલસી રોપાનું વિનામૂલ્યે વિતરણ કરશે ઉદય કાનગડ
દરેક ઘરમાં તુલસી, દરેક હદયમાં સંસ્કારના સંદેશાને જીવંત બનાવી પર્યાવરણ સેવા અને જનસેવાના શુભ આશયથી : રાજકોટ વોર્ડ નં-૩,૪,૫,૬,૧૫ અને ૧૬મા ૧૭થી વધુ સ્થળોએ વિનામૂલ્યે તુલસીના રોપા વિતરણ કરાશેઃ ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયાનું માર્ગદર્શનઃ વોર્ડવાઈઝ ઈન્ચાર્જને જવાબદારી સુપ્રત કરાઈ : ઉદયભાઈ કાનગડ જનસેવા કાર્યાલય, પેડક રોડ, પાણીના ઘોડા પાસે સહિતના ૧૭ સ્થળોએ સવારે ૯:૩૦ કલાકે વિનામૂલ્યે તુલસીના રોપા વિતરણ શહેરીજનોને લાભ લેવા અપીલ

રાજકોટઃ રાજકોટ-૬૮ના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ, ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રીકૃષ્ણના રૂપ સાથે થયા છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પુજા થાય છે તે ઘરમાં કયારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. તેમજ તુલસી એક એવો છોડ છે જે સામાન્ય રીતે દરેકના ઘરોમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય રીતે ઘણું મહત્વ ધરાવે છે. ઘણા સમયથી આર્યુવેદિક દવાઓ બનાવવામાં એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહયો છે. જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી અનેકવિધ ગુણોથી ભરપુર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયક હોય છે.
કારતક માસની એકાદશીએ આવતા તુલસી વિવાહનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીને વિષ્ણુપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષોથી દેવઉઠી અગીયારસના દિવસે ઘર-મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિતના તમામ દેવગણ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી બહાર આવે છે.
મહાત્મય માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનો અંત થાય છે. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહામ્ય છે. તુલસીના પાનનો ઉપયોગ દરેક શુભ, મંગલ કાર્યોમાં કરવામાં આવે છે. કારતક માસમાં તુલસીની વિશેષ પૂજા કરવામા આવે છે. કારતક માસના શુકલ પક્ષની એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. આ દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખની પૂજાથી પણ વિશેષ લાભ મળે છે તેમજ તુલસીની પરિક્રમા આ દિવસે શુભ મનાય છે. ખાસ કરીને આ દિવસે રંગોળી કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
તુલસી વિવાહ એ દેવોત્થાન એકાદશી પછી ઉજવાતો એવો ઉત્સવ છે, જે દેવ પરંપરાનો પ્રારંભ માનવામાં આવે છે. તુલસી માતાનું વિષ્ણુ સાથેનું પવિત્ર વિવાહ જીવનમાં સુખ, સમૃધ્ધિ અને પવિત્રતાનું પ્રતિક છે. ત્યારે આ પાવન પર્વને જનસહભાગિતાના માધ્યમથી ઉજવવાનો સંકલ્પ ધાર્મિક સંસ્કારોને જીવંત રાખે છે. તુલસી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ઔષધીય અને પર્યાવરણમિત્ર છોડ પણ છે. તેની વાવણી અને સંભાળ ધ્વારા શુધ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણનું સંવર્ધન પણ થાય છે.
ત્યારે દરેક ઘરમાં તુલસી, દરેક હદવમાં સંસ્કારના સંદેશાને જીવંત બનાવી પર્યાવરણ સેવા અને જનસેવાના શુભ આશયથી ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ ધ્વારા સતત ત્રીજા વર્ષે દેવદિવાળી(તુલસી વિવાહ)ના પાવન પર્વ અંતર્ગત તા. ૧ નવેમ્બરના શનીવારે પેડક રોડ, પાણીના ઘોડા પાસે, વિધાનસભા-૬૮ (રાજકોટ પૂર્વ) જનસેવા કાર્યાલય સહિત કુલ ૧૭ સ્થળો ખાતે સવારે ૯:૩૦ કલાકે વિનામુલ્યે ૧૦ હજારથી વધુ તુલસીના રોપા (કુંડા સાથે) વિતરણ કરવામાં આવશે.
જેમાં વોર્ડવાઈઝ વિવિધ સ્થળોએ તુલસીના રોપા(કુંડા સાથે) વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ તેમજ શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિન મોલિયાની રાહબરી હેઠળ તુલસી રોપા (કુંડા સાથે) વિનામુલ્યે વિતરણની સમગ્ર કામગીરીને સફળ બનાવવા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સર્વ શ્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, મનસુખભાઈ પીપળીયા અને વિધાનસભા-૬૮માં સમાવિષ્ટ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ વોટ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તુલસીના રોપા (કુડા સાથે) વિના મુલ્યે વિતરણનો લાભ લેવા શ્રી ઉદય કાનગડ, શ્રી અશ્વિન મોલીયા, શ્રી વલ્લભભાઈ દુધાત્રાએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

(2:26 PM IST)










