<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

તમારા ૧૫ લાખ અમારી કંપનીમાં જમા છે, થોડી રકમ ભરો તો ૭૨ લાખ મળશે કહી કારખાનેદાર સાથે ૧૩.૨૮ લાખની ઠગાઇ

૨૦૧૮માં ભારતીય એએક્‍સએ લાઇફ ઇન્‍સ્‍યુરન્‍સના નામે એક શખ્‍સે ફોન કરી ૭ લાખની સ્‍કીમ સમજાવી ૨.૪૦ લાખ પડાવ્‍યા પછી ફોન બંધ કરી દીધોઃ ૨૦૨૪માં ફરી આ જ કંપનીના નામે યુવતિએ ફોન કરી બીજી વખત છેતર્યા કોઠારીયા આદર્શ વાટીકામાં રહેતાં કિશોરભાઇ ગમઢાએ દિક્ષીતા શાહના નામે વાત કરનાર યુવતિના કહેવા મુજબ અલગ અલગ ટ્રાન્‍જેક્‍શન કરી રકમ ભરપાઇ કરીઃ છેલ્લે ઠગાઇની ખબર પડતાં સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરીઃ યુવતિનું સાચું નામ કુસુમ હોવાનું ખુલ્‍યું

રાજકોટ તા. ૩૧: સાયબર ફ્રોડના વધુ એક બનાવમાં શહેરના એક કારખાનેદાર સાથે રૂા. ૧૩,૨૮,૧૫૦ની ઠગાઇ થઇ છે. વર્ષ ૨૦૧૮માં એક વ્‍યક્‍તિએ તેમને ફોન કરી ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીની સ્‍કીમમાં દર વર્ષે ૮૦ હજાર લેખે ચાર વર્ષ રોકાણ કરવાથી સાત વર્ષે ૭ લાખ મળશે તેમ કહી ૨,૪૦,૦૦૦ મેળવી લીધા બાદ ફોન બંધ કરી દીધો હતો.  સાત વર્ષ પછી ફરીથી એ જ કંપનીના નામે એક યુવતિએ ફોન કરી અગાઉ જેણે તમારી સાથે વાત કરી હતી એ ફ્રોડ હતો, તમારા રૂા. ૧૫ લાખ અમારી ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીમાં જમા છે, હજુ તમે થોડી રકમ ભરશો તો તમને ૭૨ લાખ મળશે તેમ કહી પંચોતેર અલગ અલગ ટ્રાન્‍જેક્‍શન કરાવી રૂા. ૧૩,૨૮,૧૫૦ મેળવી લઇ ઠગાઇ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.  દિક્ષીતાના નામે વાત કરનારા યુવતિનું સાચુ નામ કુસુમ હોવાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે  કોઠારીયા સાઇબાબા સર્કલ પાસે આદર્શ વાટીકા બ્‍લોક નં. ૩૧, લીલાવતી હોલ સામેની શેરીમાં રહેતાં અને પટેલનગર-૩માં ઘડીયાળના કાચ બનાવવાનું કામ કરતાં કિશોરભાઇ લાભુભાઇ ગમઢા (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી બે અલગ અલગ મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર કુસુમ ગણપતસિંહ રાજપૂત અને તપાસમાં ખુલે તેની સામે ૧૩,૨૮,૧૫૦ની ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

કિશોરભાઇ ગમઢાએ જણાવ્‍યું છે કે મને વર્ષ ૨૦૧૮માં અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ભારતીય એએક્‍સએ લાઇફ ઇન્‍સયોરન્‍સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે-અત્‍યારે અમારી કંપનીમાં સ્‍કીમ ચાલે છે, જેમાં દર વર્ષે ૮૦ હજારનું ૪ વર્ષ સુધી પ્રીમીયમ ભરવાનું છે. ૭ વર્ષે પાકતી મુદ્દતે ૭,૦૦,૦૦૦નો ઇન્‍સ્‍યોરન્‍સ તમને મળશે. જો ૭ વર્ષ દરમિયાન કોઇપણ રીતે મૃત્‍યુ થાય તો તમને ૭ લાખ મળશે. મને આ સ્‍કીમમાં રસ પડતાં મેં હા પાડી હતી અને ફોન કરનારે આપેલા બેંક એકાઉન્‍ટમાં હું ૮૦-૮૦ હજાર ભરતો હતો. આ રીતે ત્રણ વર્ષ સુધી મેં ૨,૪૦,૦૦૦ ભર્યા હતાં.

મેં જે રકમ જમા કરાવી તેની પહોંચ ફોન કરનાર પાસે વારંવાર માંગી હતી પરંતુ તેણે ૪ વર્ષે પ્રિમીયમ પુરૂ થાય પછી પોલીસી અને તમે ભરેલી રકમની રિસીપ્‍ટ મળી જશે. આ વ્‍યક્‍તિ ફોનથી કોન્‍ટેક્‍ટમાં  હતી. એ પછી તેનો ફોન બંધ થઇ ગયો હતો. જે તે વખતે મેં કોઇ અરજી ફરિયાદ કરી નહોતી. બાદમાં નવેમ્‍બર-૨૦૨૪માં મને ફરી એક નંબર ઉપરથી ફોન આવ્‍યો હતો અને તેમાં એક લેડીઝ વાત કરતાં હતાં. તેણે પોતાનું નામ દિક્ષિતા શાહ હોવાનું અને ભારતીય એએક્‍સએ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના કર્મચારી હોવાનું તેમજ દિલ્‍હી નોઇડા ખાતેથી વાત કરતાં હોવાનું કહ્યું હતું. તેમજ તેણીએ કહ્યું હતું કે અમારી કંપનીમાં તમારા નામે ઇન્‍સ્‍યોરન્‍સના  રૂા. ૧૫ લાખ જમા પડયા છે. તમે અમારી કંપનીમાં છ મહિના સુધી બીજા રૂપિયા જમા કરાવશો તો તમને રૂા. ૭૨,૦૦,૦૦૦ મળશે.

જેથી મેં ૨૦૧૮માં આ કંપનીમાં રૂા. ૨,૪૦,૦૦૦ જમા કરાવ્‍યા હોઇ તે રૂપિયા પાછા મળતાં ન હોવાનું કહેતાં દિક્ષીતા શાહે કહેલુ કે અગાઉ જે વ્‍યક્‍તિએ તમારી સાથે વાત કરી હતી તે વ્‍યક્‍તિ ફ્રોડ હતી, કંપનીએ એ વ્‍યક્‍તિ સામે કેસ કર્યો છે. આ પછી છ માહિના બાદ દિક્ષીતાએ કંપની તરફથી મળવા પાત્ર રૂા. ૭૨ લાખ અંગે ફરી વાત કરી હતી. આ રકમ મેળવવા માટે મેં દિક્ષીતાએ જેમ કહ્યું એમ રૂપિયા ટ્રાન્‍સફર કર્યા હતાં. આ રીતે અત્‍યાર સુધી મેં અલગ અલગ ટ્રાન્‍જેક્‍શનથી બેંક ઓફ ઇન્‍ડિયાના એકાઉન્‍ટમાં અલગ અલગ તારીખે ૨૦૨૪થી લઇ છેલ્લે ૨/૯/૨૦૨૫ સુધીમાં લગભગ ૭૫ જેટલા અલગ અલગ રકમના ટ્રાન્‍જેક્‍શન કરી કુલ રૂા. ૧૩,૨૮,૧૫૦ દિક્ષીતાએ કહ્યા મુજબ મોકલી દીધા હતાં.

આમ છતાં દિક્ષીતા નામે વાત કરનાર મહિલા મારી પાસેથી હજુ પણ વધુ રૂપિયા માંગતી હતી. આથી મેં તેની પાસે ઇન્‍સ્‍યોરન્‍સ પોલીસીના કાગળો માંગતા અથવા મને મારી રકમ પાછી આપવાનું કહેતાં તેણે ખોટા વાયદા આપ્‍યા હતાં. આખરે મને ખબર પડી હતી કે મારી સાથે ફ્રોડ થયું છે. આથી મેં સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. જેના આધારે જે રકમ બેંક એકાઉન્‍ટમાં ગઇ તે ફ્રીઝ થઇ ગયું હતું. બાદમાં મને સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન ખાતે બોલાવાયો હતો. પોલીસે તપાસ કરતાં મને જે નંબર પરથી દિક્ષીતા નામની મહિલા ફોન કરતી હતી તેનું સાચુ નામ કુસુમ ગણપતસિંહ સોલંકી હોવાનું જાણવા મળ્‍યું હતું. તેણીએ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના નામે ઓળખ આપી મારા ૧૫ લાખ જમા પડયા છે, વધુ રકમ ભરવાથી ૭૨ લાખ મળશે તેમ કહી મારી પાસેથી કુલ ૧૩,૨૮,૧૫૦ મેળવી લઇ ઠગાઇ કરી હતી. તેમ વધુમાં કિશોરભાઇએ કહેતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્‍સ. સુધીરભાઇ સુતરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:45 PM IST)