<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

‘પરીયા ગેંગ'ના ૭ની એસઓજીએ હવા કાઢી નાંખી

મંગળા રોડ પર સાતેયની પુછતાછ : મંગળા રોડ પર થયેલી ગેંગવોરમાં પોલીસની આકરી કાર્યવાહી : બે પિસ્‍તોલ કબ્‍જે : સાતેયના રિમાન્‍ડ મેળવવા તજવીજઃ જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગા અને તેની ગેંગના શખ્‍સોની શોધખોળ યથાવતઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અનુસાર પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કાર્યવાહી

પરેશ ઉર્ફ પરીયો ગઢવી અને સમીર ઉર્ફ મુરગોની ગેંગ વચ્‍ચે લાંબા સમયથી ચાલી રહેલી માથાકુટ અંતર્ગત પરમ દિવસે વહેલી સવારે ફરીથી આ બંને ગેંગના સાગ્રીતો સામ સામે આવી ગયા હતાં અને મંગળા રોડ પર અંધાધૂંધ ગોળીબાર એક બીજા ઉપર કરી ભય ફેલાવી દીધો હતો. એ-ડિવીઝનમાં ગુનો દાખલ થયા બાદ એસઓજીએ પરેશ ઉર્ફ પરીયો ગઢવી ગેંગના બે મુખ્‍ય સુત્રધાર ભયલો ગઢવી અને મેટીયો ઝાલા સહિત સાતને ઝડપી લઇ વિશીષ્‍ટ ઢબે પુછપરછ કરતાં ઓય માડી ઓય બાપાના અવાજો ચાલુ થઇ ગયા હતાં. આ સાત શખ્‍સો પૈકીના બે સુત્રધાર પાસેથી બે પિસ્‍તોલ પણ કબ્‍જે લેવામાં આવી છે. સાતેય શખ્‍સોને આજે મંગળા રોડ પર લઇ જઇ રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવાયુેં હતું. આ કામગીરી જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્‍વીરોમાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા અને એસઓજીનો સ્‍ટાફ સાતેય આરોપીઓને મંગળા રોડ પર લાવ્‍યો અને કાર્યવાહી કરી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

રાજકોટ તા. ૩૧: શહેરના મંગળા રોડ પર શહેરના નામચીન પરેશ ઉર્ફ પરીયો ગઢવી ગેંગના મેટીયો ઝાલા, ભયલુ ગઢવી સહિત ચારે પરમ દિવસે વહેલી પરોઢે નંબર વગરની આઇ-૨૦ કારમાં આવી પ્રગતિ હોસ્‍પિટલ બહાર બેઠેલા જંગલેશ્વરના નામચીન સમીર ઉર્ફ મુરગો, તેના મિત્ર શાહનવાઝ, શાહનવાઝના પિતા અબ્‍દુલ્લા ઉર્ફ દુલીયો ધાડા, સોહિલ ચાનીયા, સોહિલ દિવાન, અમન પીપરવાડીયા સહિતના ઉપર કારમાં આવી આડેધડ ફાયરીંગ કરતાં અને બાદમાં કારમાં ભાગતાં નજીકની શેરીમાં જ અબ્‍દુલ્લાનો સાળો સંજય ઉર્ફ સંજલો જાવેદભાઇ જુણેજા ફોર્ચ્‍યુનર કાર લઇ ઉભો હોઇ તેને જાણ થતાં તેણે આઇ-૨૦ને આંતરી તેના પર વળતા ફાયરીંગ કર્યા હતાં. ગેંગવોરની આ સમગ્ર બંને ગેંગના ૧૧ જણાને ઓળખી કાઢી હત્‍યાની  ફાયરીંગ, હત્‍યાની કોશિષ, રાયોટીંગનો ગુનો દાખલ કરી એસઓજીએ પરેશ ઉર્ફ પરીયાની ગેંગના ૭ને દબોચી લઇ તેની હવા કાઢી નાંખી છે. આ ગેંગ પાસેથી બે પિસ્‍તોલ કબ્‍જે કરી મિરાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. તમામને ઘટના સ્‍થળે મંગળા રોડ પર લઇ જઇ પુછતાછ કરવામાં આવતાં પોલીસની આ કાર્યવાહી જોવા લોકો એકઠા થઇ ગયા હતાં.

એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ  પીએસઆઇ સત્‍યજીતસિંહ મહેન્‍દ્રસિંહ રાણાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરાયો હતો. આગળની તપાસ એસઓજીની ટીમે સંભાળી હતી. એસઓજીએ પરેશ ઉર્ફ પરીયા ગઢવી ગેંગના બે મુખ્‍ય સુત્રધાર હર્ષદિપસિંહ ઉર્ફ મેટીયો સાત્‍યકીસિંહ કરણસિંહ ઝાલા (ઉ.વ.૨૩-રહે. મનસુખ છાપીયા ટાઉનશીપ પાંચમો માળ, ૫૦૭, મટુકી સામે વાવડી), જીજ્ઞેશ ઉર્ફ ભયલો દિનેશભાઇ હરસુરભાઇ રાબા (ઉ.વ.૨૫-રહે. રવેચી કૃપા, આશાપુરાનગર-૧૧ હુડકો ક્‍વાર્ટર) તથા તેના સાગ્રીતો હિમતદાન ઉર્ફ કાળુ અમુદાન લાંગા (ઉ.વ.૪૦-રહે. આશાપુરાનગર મેઇન રોડ શ્રીરામ ફરસાણ પાસે), જૈવીક ઉર્ફ મોન્‍ટુ દિલીપભાઇ રોજાસરા (ઉ.વ.૩૦-રહે. હુડકો ક્‍વાર્ટર, કોઠારીયા રોડ, આશાપુરાનગર-૩), લક્કીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.૨૨-રહે. આશાપુરાનગર-૯), પરીમલ ઉર્ફ પરીયો ત્રિભોવનભાઇ સોલંકી (ઉ.વ.૨૩-રહે. અવધનો ઢાળ, આંબેડકરનગર આવાસ ક્‍વાર્ટર એ-૩૦૮) અને મનિષદાન નવલનાદ બાદાણી (ઉ.વ.૩૮-રહે. અવધ રેસીડેન્‍સી, એ-૨૦૨, માધાપર ચોકડી)ને પકડી લીધા છે.

એસઓજીએ બે સુત્રધાર જીજ્ઞેશ ઉર્ફ ભયલો ગઢવી અને હર્ષદિપસિંહ ઉર્ફ મેટીયો ઝાલા પાસેથી બે ગેરકાયદે પિસ્‍તોલ કબ્‍જે કરી છે. ઝડપાયેલા સાતેયની એસઓજીએ ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બરાબરની પુછતાછ કરી હવા કાઢી નાંખી હતી. પરેશ ઉર્ફ પરીયો ગઢવી હાલ જેલમાં હોઇ તેની ગેરહાજરીમાં જીજ્ઞેશ અને મેટીયો ગેંગના આગેવાન તરીકે કામ કરે છે. સાતેય આરોપીઓને એસઓજીની ટીમ મંગળા રોડ પર ઘટના સ્‍થળે લઇ ગઇ હતી અને રિકન્‍સ્‍ટ્રક્‍શન કરાવી કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના માર્ગદર્શન હેઠળ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ગઢવી અને તેમની ટીમો વધુ તપાસ કરી રહી છે. જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગા અને તેની ગેંગને ઝડપી લેવા તજવીજ થઇ રહી છે. 

ઉલ્લેખનિય છે કે એ-ડિવીઝન પોલીસમાં બંને ગેંગના શખ્‍સો કોઠારીયા રોડ હુડકો ચોકડીએ રહેતાં ભયલો ગઢવી, ૧૫૦ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતાં મેટીયો ઝાલા, રાજકોટના મોન્‍ટુ કોળી, હિમત ઉર્ફ કાળુ લાંગા-ગઢવી, જંગલેશ્વરના સમીર ઉર્ફ સંજલો જાવીદભાઇ જુણેજા, નિલકંઠ પાર્ક નજીક નિલમ પાર્ક સોસાયટી ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ પાસે રહેતાં અબ્‍દુલ્લા ઉર્ફ દુલીયો ભીખુભાઇ ધાડા, શાહનવાઝનો મિત્ર સમીર ઉર્ફ મુરગો, સોહિલ સિકંદર ચાનીયા, સોહિલ દિવાન ફકીર અને અમન અલ્‍તાફ પીપરવાડીયા તથા તપાસમાં ખુલે તે તમામ સામે બીએનએસની કલમ ૧૦૯  (૧), ૧૨૫, ૧૩૧, ૧૩૬, ૧૮૯, ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૪ (૨), ૩૨૪ (૪) અને આર્મ્‍સ એક્‍ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

ભયલો ગઢવી, મેટીયો ઝાલા, મોન્‍ટુ કોળી અને હિમત ઉર્ફ કાળુ લાંગાએ અગાઉના ઝઘડાનો ખાર રાખી મંગળા રોડ પર નંબર પ્‍લેટ વગરની આઇ-૨૦ કારમાં આવ્‍યા હતાં. બાદમાં ભયલો અને મેટીયાએ પોતાની પાસેના હથીયારથી ફાયરીંગ કર્યા હતાં. તેમજ સામા જુથના જંગલેશ્વરના સમીર ઉર્ફ સંજલો જુણેજાએ ફોર્ચ્‍યુનર કારમાં આવી ભયલા ગઢવીની આઇ-૨૦ કાર ઉપર ફાયરીંગ કર્યા હતાં. બાકીનાએ ગેરકાયદે મંળી રચી એક બીજાને જાનથી મારી નાખવાના ઇરાદે આડેધડ ફાયરીંગ કરી હત્‍યાની કોશિષ કરી જાહેરમાં મારામારી કરી શાંતિનો ભંગ કરી બખેડો કર્યાનો ગુનો દાખલ થયો હતો.

આગામી સમયમાં આ ગેંગના શખ્‍સો સામે વધુ આકરા પગલા લેવામાં આવે તેવા અણસાર છે. ઝડપાયેલા શખ્‍સોની આકરી પુછતાછ કરી તે હથીયાર ક્‍યાંથી લાવ્‍યા? તે સહિતની તપાસ હવે પછી કરવામાં આવશે. ઝડપાયેલા પરીયા ગેંગના ૭ શખ્‍સોને ઘટના સ્‍થળે લઇ જઇ કાર્યવાહી કરવામાં આવતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. ઉલ્લેખનીય છે કે પરેશ ઉર્ફ પરીયો ગઢવી મુળ પેંડા ગેંગનો સાગ્રીત હતો. કસ્‍ટોડીયલ ડેથમાં પેંડાનું મૃત્‍યુ થયા બાદ પરીયો જ આખી ગેંગ સંભાળે છે. (૧૪.૯)

(2:56 PM IST)