<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

બે ડઝન સોસાયટી વિસ્‍તારો ઝપટે : ૭ મહિનામાં રાજકોટમાં ૧૧ાા કરોડની વીજચોરી ઝડપાઇ

રાજકોટમાં વીજ ચોરી પર તુટી પડતું વિજતંત્રઃ ર દિવસમાં પ૦ લાખની વીજચોરી ઝડપાઇઃ ૪૦ ટીમો દ્વારા દરોડા આજે પણ દરોડાનો દોરઃ રાજકોટ વીજ સર્કલ દ્વારા આકરી કાર્યવાહી

રાજકોટઃ તા.૩૧,છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્‍છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્‍યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્‍ત અને સાતત્‍યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્‍વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્‍યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર દરોડા પાડી ર દિવસમાં લાખોની વીજચોરી ઝડપી લેવાઇ છે.

આવી જ ઇન્‍સ્‍ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ  શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-૩ વિભાગીય કચેરી હેઠળની વાવડી, મવડી રોડ, નાનામવા રોડ અને ખોખડદળ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્‍તારો જેમકે, શિવનગર, સીતારામ સોસાયટી, મચ્‍ચ્‍છોનગર, સુભમ સોસાયટી, હુસૈની ચોક, નારાયણ નગર, વિનાયક નગર, શ્રીનાથજી સોસાયટી, ઉદયનગર શેરી નં. ૧ થી ૨, રાજદીપ સોસાયટી, ગ્રીન પાર્ક સોસાયટી, કોઠારીયા ગામ, ખોડલધામ-૨,  પ્રણામી પાર્ક સોસાયટી, પ્રિયદર્શની સોસાયટી, મારુતિપાર્ક સોસાયટી, ગીરનાર સોસાયટી, ધરમનગર સોસાયટી, રાજદીપ સોસાયટી, પ્રજાપતિ સોસાયટી વગેરે માં એસ.આર.પી. સ્‍ટાફ તથા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ ઈજનેરોની કુલ ૪૦ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજિયક વગેરે મળીને કુલ ૯૩૮ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્‍યાં હતા, જે પૈકી ૯૭ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.રપ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યાં હતા.

નોંધનીય છે કે એપ્રિલ-૨૫ થી તા. ૩૦.૧૦.૨૫ ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ ૩૩૪૯૭ વીજજોડાણો ચકાસવામાં આવ્‍યાં છે, જેમાંથી કુલ ૩૦૨૦ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૧૧૪૯.૧૬ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્‍યાં છે

(3:34 PM IST)