તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
તેરા તુજકો અર્પણઃ ઓક્ટોબરમાં સાયબર ફ્રોડથી નાણા ગુમાવનારા લોકોને ૩૭.૯૧ લાખ પરત અપાવાયા
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ એમ. જે. ઝણકાત, પીઆઇ બી. બી. જાડેજા, પીઆઇ એસ. ડી. ગીલવા, પીઆઇ પી. આર. ડોબરીયા, પીઆઇ સી. વાય. મહાલે અને ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧: શહેરના અલગ અલગ રહેવાસીઓએ જુદી જુદી રીતે થયેલા ઓનલાઇન સાયબર ફ્રોડમાં નાણા ગુમાવી દીધા હોઇ સાયબર કઇમ પોલીસે રૂ. ૩૭,૯૧,૩૯૬ની રકમ પરત અપાવી છે. ઓક્ટોબર મહિનામાં સાયબર ક્રાઇમ પોલીસને મળેલી અરજી, ફરિયાદ અંતર્ગત આ કાર્યવાહી ‘તેરા તુજકો અર્પણ' હેઠળ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ સાયબર ક્રાઇમ મારફત જે લોકો ફ્રોડનો શિકાર બન્યા હતાં તેણે ગત ઓક્ટોબર મહિનામાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી. આ પૈકીની અરજીઓ, ફરિયાદોની તપાસ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસને સોંપાતા ભોગ બનેલા આવા લોકોને રૂા. ૩૭,૯૧,૩૯૬ પરત અપાયા છે.
નાગરિકો લોભ, લાલચ કે ડરને કારણે અથવા ટેક્નોલોજીની જાણકારીના અભાવને કારણે સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. સાયબર ગઠીયાઓ મોબાઇલ ફોન પર ખોટા ક્રેડીટ ટ્રાન્જેકશનના મેસેજ મોકલી ભુલથી મારા પૈસા તમારા ખાતામાં આવી ગયા છે તેમ કહી વિશ્વાસમાં લઇને, તેમજ ટેલીગ્રામ મારફત અલગ અલગ ટાસ્ક આપી શરૂઆતમાં થોડી રકમનો નફો કરાવી બાદમાં ઠગાઇ કરતાં હોય છે. આ ઉપરાંત ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ પર શેર બજારની ટીપ્સ આપી રોકાણ કરવાના નામે એપ ડાઉનલોડ કરાવડાવી ફ્રોડ કરતાં હોય છે. તેમજ લોન કરાવી આપવાના નામે અને વ્હો્ટસએપ વિડીયો કોલ કરી ડિજીટલ એરેસ્ટ કરીને ડરાવીને રૂપિયા પડાવતાં હોય છે.
આવા ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સતત જાગૃતિના કાર્યક્રમો યોજાતા રહે છે. સાયબર ફ્રોડથી બચવા લોકોએ શું ધ્યાન રાખવું તે અંગે જણાવાયું છે કે અજાણી લિંક પર ક્લીક કરવું નહિ, ફેક એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહિ, ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર સર્ચ કરતી વખતે ઓથેન્ટીક વેબસાઇટ પર કસ્ટમર કેર સાચો છે કે કેમ તેની ચકાસણી કરવી, એમઆધાર એપ્લીકેશન દ્વારા આધારકાર્ડ બાયોમેટ્રીક લોક રાખવા, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર હમેંશા ટુ ફેકટર ઓન્ટીકેશન ચાલુ રાખવું, ફ્રોડ વેબસાઇટ ઉપરથી ઓનલાઇન વસ્તુ ખરીદવાથી, ઘરે બેઠા કમાણી કરો તેવા મેસેજથી, ઓનલાઇન ઇન્સ્ટન્ટ લોન લેવાથી દુર રહેવું. એમ-કવચ-૨ એપ્લીકેશન ડાઉનલોડ કરી મોબાઇલ ડિવાસને સુરક્ષીત રાખો. ગૂગલ પ્લે સ્ટોરમાં પ્લે પ્રોટેકશન ઓન રાખવું, સાયબર ગઠીયાઓ દ્વારા કેવાયસી, સીમ કાર્ડ કે અન્ય ફ્રોડ મેસેજ કોલ્સ આવતા હોય છે તેની જાણ સંચાર સાથી એપ્લીકેશન પર કરવી. સાયબર ફ્રોડ કરનારા એપીકે ફાઇલ મોકલીને મોબાઇલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી નાણા લઇ લેવાતા હોય છે. આવી ફાઇલ ઓ તો ખાસ ધ્યાન રાખવું. ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તો તુરત ૧૯૩૦ હેલ્પલાઇન પર સંપર્ક કરવો.
તેરા તુજકો અર્પણ હેઠળ નાણા પરત કરવાની કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ એમ. એ. ઝણકાત, પીઆઇ બી. બી. જાડેજા, એસ. ડી. ગીલવા, પી.આર. ડોબરીયા, સી. વાય. મહાલે તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમોએ કરી હતી.
(2:31 PM IST)










