<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

‘મુરગા ગેંગ'ના ત્રણ શખ્‍સો ‘ઢીલાઢફ': હાથ જોડયા

મંગળા રોડ પર ગેંગવોરમાં ફાયરીંગ કરનાર પરીયા ગેંગના ૭ શખ્‍સો રિમાન્‍ડ પરઃ વિરોધી ગેંગના ત્રણ પકડાયા : એસઓજીએ અગાઉ પકડેલા સાતની હવા કાઢી નાંખ્‍યા બાદ સામેની ગેંગના ત્રણ આરોપીઓને પણ શોધી કાઢી કાયદાનું બરાબરનું ભાન કરાવ્‍યું: જેના કારણે માથાકુટનો સિલસિલો ચાલુ થયો છે એ રાધુની પણ થશે પુછપરછઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ઝાલા, પીએસઆઇ ધ્રાંગુ અને ટીમની કાર્યવાહી

ગેંગવોરમાં સામેલ પરીયા ગેંગના સાત શખ્‍સોને પકડી એસઓજીએ આકરી કાર્યવાહી કર્યા બાદ સામેની મુરગા ગેંગના પણ ત્રણ શખ્‍સોને દબોચી લઇ તેની હવા કાઢી નાખી છે. આ ત્રણ શખ્‍સોને પણ મંગળા રોડ પર ઘટના સ્‍થળે લઇ જવાયા હતાં. આ વખતે ત્રણેય જણાએ જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી. આ ત્રણેયની એવી પુછપરછ થઇ હતી કે તે ઢીલાઢફ નજરે પડયા હતાં. આ કાર્યવાહીના દ્રશ્‍યો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

રાજકોટ તા. ૧: શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્‍પિટલ નજીક બે ગેંગ વચ્‍ચેની માથાકુટમાં સામ-સામે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવતાં ચકચાર મચી ગઇ હતી. આ બારામાં એ-ડિવીઝન પોલીસમાં બંને ગેંગના શખ્‍સો સામે ગુનો દાખલ થયા બાદ  એસઓજીને તપાસ સોંપાતા પરિયા ગઢવી ગેંગના ૭ શખ્‍સોને ઉઠાવી લઇ બે પિસ્‍તોલ, કાર્ટીસ કબ્‍જે કરાયા હતાં. આ સાતેયની પોલીસે આગવી ઢબે પુછપરછ કરી હવા કાઢી નાંખી હતી. ઘટના સ્‍થળે તમામને લઇ જઇ રીકન્‍સ્‍ટ્રક્‍શન પંચનામુ કરાયું હતું. દરમિયાન બીજી ગેંગ એટલે કે જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગાની ગેંગના પણ ત્રણ શખ્‍સોને ઝડપી લેવાયા હતાં. આ ત્રણેયની પણ એસઓજીએ વિશીષ્‍ટ ઢબે પુછતાછ કરી ખાખીનો રંગ બતાવ્‍યો હતો. આ ત્રણેયને પણ મંગળા રોડ પર ઘટના સ્‍થળે લઇ જવાયા હતાં અને રીકન્‍સ્‍ટ્રક્‍શન પંચનામુ કરાયા હતાં. ત્રણેયએ હાથ જોડીને માફી માંગી હતી. આ દ્રશ્‍યો જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.

ગેંગવોરમાં ફાયરીંગ કરી હત્‍યાની કોશિષ કરી શહેરની શાંતિ ભંગ કરનારાઓને કાયદાનું ભાન કરાવવા આ કેસની તપાસ એસઓજીને સોંપાઇ હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી કઇમ ભરત બી. બસીયાની સીધી દેખરેખ હેઠળ તેમજ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર એસઓજીની ટીમોએ દોડધામ શરૂ કરી ગુનો નોંધાયાના કલાકોમાં જ પરીયા ગઢવી ગેંગના ૭ આરોપીઓને દબોચી લીધા હતાં અને તેની આગવી ઢબે પુછતાછ કરી હવા કાઢી નાંખી હતી. આ સાતેયને ઘટના સ્‍થળે લઇ જવાયા ત્‍યારે લંગડાતી ચાલે ચાલતાં દેખાયા હતાં.

ફાયરીંગની ઘટના બાદ ક્રાઈમ બ્રાન્‍ચ અને એસઓજીની ટીમે તુરંત જ પરેશ ઉર્ફ પરીયા ગઢવીની ગેંગના હર્ષદિપસિંહ ઉર્ફે મેટીયો સાત્‍યકિસિંહ ઝાલા (ઉ.વ.૨૨, રહે- મનસુખ છાપીયા ટાઉનશીપ ફ્‌લેટ નં.૫૦૭ પાંચમો માળ મટુકી રેસ્‍ટોરન્‍ટ સામે વાવડી તથા હર્ષશીલ ટાઉનશીપ ડી-૧૦૧ બસ સ્‍ટેશન પાસે રતનપર ગામ, મુળ કોંઢ, ધાંગધ્રા),  જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશભાઇ રાબા (ઉ.વ.૨૫, રહે. કોઠારીયા રોડ આશાપુરાનગર શેરી નં ૧૧), જૈવિક ઉર્ફે મોન્‍ટુ દિલીપ રાજાસરા (ઉ.વ.૩૦, રહે. કોઠારીયા રોડ આશાપુરાનગર શેરી નં.૩), હિંમત ઉર્ફે કાળુ અમુદાન લાંગા (ઉ.વ.૪૦ રહે. હુડકો ચોકડી કોઠારીયા રોડ આશાપુરાનગર મેઇન રોડ શ્રી રામ ફરસાણની બાજુમાં), લક્કીરાજસિંહ પ્રધ્‍યુમનસિંહ ઝાલા  (ઉ.વ.૨૨ રહે. હાલ. આશાપુરાનગર શે.નં. ૯, ફાયર બ્રીગેડ સામે કોઠારીયા રોડ મુળ.ગામ. રાજસીતાપુર, ધ્રાગંધ્રા), મનીષદાન નવલદાન બાદાણી (ઉ.વ. ૩૮, રહે. એ-૨૦૨ અવધ રેસીડેન્‍સી વિનાયક વાટીકા સામે માધાપર ચોકડી પાસે મુળ.ગામ. હડમતીયા) અને પરીમલ ઉર્ફે પરીયો ત્રીભોવનભાઇ સોલંકી (ઉ.વ.૨૩, રહે. અવધના ઢાળ પાસે કાલાવાડ રોડ આંબેડકરનગર આવાસ યોજના કવાર્ટર)ને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. આ સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં છ દિવસના રિમાન્‍ડ મંજુર થતાં છએયની વધુ પુછતાછ શરૂ કરવામાં આવી હતી.

 બીજી તરફ જંગલેશ્વરની મુરગા ગેંગના ત્રણ શખ્‍સો અબ્‍દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુ ઘાડા (ઉ.વ.૪૧,રહે. નિલમ પાર્ક, કોઠારિયા મેઈન રોડ), સોયેબ ઉર્ફે સાહિલ ઉસ્‍માન દિવાન (ઉ.વ.૩૫, જંગલેશ્વર શેરી નં. ૭) અને અમન ઉર્ફે મુરગો અલ્‍તાફ પીપરવાડિયા (ઉ.વ.૧૯,રહે. જંગલેશ્વર શેરી નં.૮)ને પણ પકડી લીધા હતાં. આ ત્રણેયને રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી હતી. જો કે એ પહેલા ત્રણેયને પણ પરીયા ગેંગની જેમ જ એસઓજીએ ખાખીનો અસલી રંગ દેખાડી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. આ ત્રણેયને ઘટના સ્‍થળે લઇ જઇ રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવી પુછતાછ કરવામાં આવી હતી. ત્રણેયએ હાથ જોડીને ભુલ થઇ ગયાનું કહી માફી માંગી હતી. સુત્રધાર તેમજ બાકીના શખ્‍સોની શોધખોળ થઇ રહી છે.

વધુ માહિતી અનુસાર આ ગેંગ વચ્‍ચે જેના કારણે માથાકુટનો સિલસિલો ચાલુ થયો છે એ ગોકુલધામ ક્‍વાર્ટર વિસ્‍તારની રાધીકા ઉર્ફ રાધુની પણ હવે પછી પોલીસ પુછપરછ કરશે. આ રાધુ કઇ ગેંગને મદદ કરી રહી છે? તેનો શું રોલ છે? સહિતની તપાસ કરવામાં આવશે તેવુ જાણવા મળ્‍યું છે. એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્‍દુભા, ફિરોઝભાઇ, હેડકોન્‍સ. મોૈલિકભાઇ, દિગ્‍વીજયસિંહ, હાર્દિકસિંહ સહિતની ટીમ તપાસમાં સામેલ છે. 

(2:58 PM IST)