News of Monday, 3rd November 2025
રાજકોટ શહેર-જીલ્લામાં સસ્તા અનાજના ૧૭પ દૂકાનદારો દ્વારા અનાજ વિતરણનો પ્રારંભઃ ૧૧ માંગણીઓ સ્વીકારાઇ છે

રાજકોટ તા. ૩: રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓને વહેલી તકે રાશન મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહી છે. પ્રવર્તમાન સ્થિતિમાં રાશન કાર્ડ ધારકોની અનુકૂળતા માટે વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ - ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવેલ છે.
બેઠક બાદ દુકાનદારોએ હકારાત્મક અને માનવીય અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ માટે તૈયારી દર્શાવી હતી. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ૧૭૫ જેટલા દુકાનદારો દ્વારા ચલણ જનરેટ કરી દેવામાં આવ્યું છે અને રાશન વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જાહેર હિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોએ ચલણ સંબંધિત કામગીરી કરવા હકારાત્મક વલણ દાખવી રહ્યા છે.
(11:44 AM IST)










