<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

હું એલસીબીમાં છું,તારા પર ગુનો છે ટાંટીયા ભાંગી જશે...ફરીથી નકલી પોલીસ બની મિહીરે કુગશીયાએ ૨૦ હજાર પડાવ્‍યા

કોઠારીયા સોલવન્‍ટ બરકતીનગરના ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થી સમીરભાઇ મુલતાની બસ પોર્ટથી રિક્ષામાં બેસી ઘર તરફ જતા'તા ત્‍યારે ઢેબર રોડ નાગરિક બેંક ચોક પાસે રિક્ષામાંથી ઉતારી ટુવ્‍હીલરમાં ફેરવી કેસ પતાવવા પૈસા દેવા પડશે કહી રોકડા લઇ ભાગ્‍યોઃ કલાકોમાં પકડાયો : દોઢમહિના પહેલા જ ઢેબર ચોકમાંથી મોરબીના યુવાનને ડી. સ્‍ટાફના નામે ઉઠાવી જાપટો મારી લૂંટ કરી હતીઃ અગાઉ પાંચ ગુનામાં સંડોવણીઃ પાસામાં પણ જઇ આવ્‍યો છેઃ ભક્‍તિનગર પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે કલાકોમાં પકડી લીધોઃ કિશનભાઇ અને ચિત્રકેતુસિંહની બાતમી

નકલી પોલીસ બની રૂપિયા પડાવનારો મિહીર કુગશીયા

રાજકોટ તા. ૩: શહેરના પોપટપરામાં રહેતો મિહીર નામનો શખ્‍સ વધુ એક વખત નકલી પોલીસ બની તોડ કરતાં ઝડપાઇ ગયો છે. અગાઉ આ પ્રકારના ત્રણ ગુનામાં સંડોવાઇ ચુકેલા મિહીરને દોઢ મહિના પહેલા જ એ-ડિવીઝન પોલીસે નકલી પોલીસ બની પૈસા પડાવવામાં પકડયો હતો. ત્‍યાં હવે તેણે કોઠારીયા સોલવન્‍ટ બરકતીનગરના ટ્રાન્‍સપોર્ટ સંચાલકને ઢેબર રોડ નાગરિક બેંક ચોકમાં રિક્ષામાંથી ઉતારી એલસીબી ક્રાઇમમાં છું, તારા પર કેસ છે કહી ટુવ્‍હીલરમાં બેસાડી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી દઇ અલગ અલગ જગ્‍યાએ ફેરવી કેસની પતાવટના નામે ૨૦ હજાર પડાવી લીધા છે. રવિવારે સાંજે આ બનાવ બનતાં ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન આ નકલી પોલીસને માલવીયાનગર પોલીસે દબોચી લીધો છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે કોઠારીયા સોલવન્‍ટ બરકતીનગર-૩ બાલાજી એપાર્ટમેન્‍ટ સામે રહેતાં સમીરભાઇ ગુણુભાઇ મુલતાની-પીંજારા (ઉ.વ.૪૨) નામના ટ્રાન્‍સપોર્ટ સંચાલકની ફરિયાદ પરથી પોપટપરા રામજી મંદિર પાસે શેરી નં. ૫માં રહેતાં અને અગાઉ પણ નકલી પોલીસ બની તોડ કરનારા મિહીર ભાનુભાઇ કુગશીયા (ઉ.વ.૨૦) સામે ગુનો નોંધ્‍યો છે. દરમિયાન આ શખ્‍સને માલવીયાનગર પોલીસે દબોચી લઇ રોકડ પણ કબ્‍જે કરી છે.

સમીરભાઇ મુલતાની પરિવાર સાથે રહે છે અને શાપર વેરાવળ જીઆઇડીસીમાં હરગંગે વે બ્રીજ પાસે સર્વોદય સોસાયટીમાં  આઇ.જી. રોડવેઝ નામે ટ્રાન્‍સપોર્ટની ઓફિસ ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે રવિવારે સાંજે ચારેક વાગ્‍યે હું અમારા ગામ સુરેન્‍દ્રનગરના કટુડાથી રાજકોટ આવવા માટે એસટી બસમાં બેઠો હતો અને સાંજે સાતેક વાગ્‍યે એસટી બસ પોર્ટ બહાર આવેલી દુકાને જઇ ચા પી ફાકી લીધી હતી. બાદમાં ચાલીને ભુતખાના ચોકમાં પહોંચી ત્‍યાંથી એક રિક્ષામાં બેસી કોઠરીયા સોલવન્‍ટ જવા રવાના થયો હતો.

આ દરમિયાન આગળ નાગરિક બેંક ચોકમાં પહોંચતા સફેદ રંગના એક્‍સસ પર એક શખ્‍સ આવ્‍યો હતો અને રિક્ષા આડે તેનું વાહન નાંખી રિક્ષા ઉભી રખાવી-હું એલસીબી ક્રાઇમમાં છું કહી મને રિક્ષામાંથી નીચે ઉતારી દઇ રિક્ષાવાળાને તું જવા દે તેમ કહેતાં તે જતો રહ્યો હતો. ત્‍યારબાદ આ શખ્‍સે મને તારા ઉપર કેસ થયો છે, તારા ટાંટીયા ભાંગી જશે અને તું પુરો થઇ જઇશ તેમ કહી મારો મોબાઇલ ફોન અને પાકીટ આપી દેવા કહ્યું હતું. તેમજ તેના વાહનમાં બેસી જવા ધમકાવતાં મને ડર લાગતાં હું તેના ટુવ્‍હીલર પાછળ બેસી ગયો હતો. બાદમાં તે મને ગાયત્રીનગર મેઇન રોડ અને આસપાસના જુદા જુદા રસ્‍તાઓ પર ફેરવી છેલ્લે ઢેબર રોડ સ્‍વામિનારાયણ મંદિર પાસે પાણીના ટાંકા નજીક લાવ્‍યો હતો અને મને ઉતારી દીધો હતો.

આ વખતે મારો ફોન પાછો આપી દીધો હતો અને કહ્યું હતું કે તારે કેસ પતાવવો હોય તો રૂા. ૨૦ હજાર આપવા પડશે. તેમ કહી મારા પર્સમાં રહેલા ૨૦ હજાર તેણે કાઢી લીધા હતાં અને કહ્યું હતું કે કાલે તારે ક્રાઇમ બ્રાંચમાં સહી કરવા આવવું પડશે. આ પછી તે તેનું નંબર વગરનું સફેદ એક્‍સેસ ટુવ્‍હીલર લઇને જતો રહ્યો હતો. બાદમાં મને શંકા ઉપજી હતી કે આ શખ્‍સ પોલીસમાં હોય એવો લાગતો નથી. તપાસ કરતાં આ શખ્‍સ મિહીર કુગશીયા હોવાનું જાણવા મળ્‍યું હતું. જેથી મેં પોલીસને જાણ કરી હતી. તેણે કાળા રંગનું પેન્‍ટ અને ખાખી જેવો શર્ટ આખી બાંહનો પહેરેલો હતો અને પોલીસ કટીંગ જેવા વાળ હતાં. એલસીબી ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી મને રિક્ષામાંથી ઉતારી ધમકી દઇ તેના વાહનમાં બેસાડી અલગ અલગ જગ્‍યાએ ફેરવી છેલ્લે ૨૦ હજાર પડાવી ભાગી ગયો હતો. તેમ વધુમાં સમીરભાઇએ કહેતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં હેડકોન્‍સ. એન. એમ. નિમાવતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના ડી. સ્‍ટાફ એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હેડકોન્‍સ. ચિત્રકેતુસિંહ ઝાલાની બાતમી પરથી મિહીર કુગશીયાને મવડી મેઇન રોડ સ્‍વામિ વિવેકાનંદન બ્રીજી નીચે ભગવાનજીભાઇ ડોક્‍ટરના દવાખાના પાસેથી પકડી લઇ ૨૦ હજારની રોકડ, ૧ લાખનું વાહન, ૨૦ અને ૪૦ હજારના બે મોબાઇલ મળી ૧,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

મિહીર કુગશીયા અગાઉ ૨૦૨૩માં એ-ડિવીઝન, ત્‍યારબાદ ગોંડલ સીટી બી-ડિવીઝનમાં નકલી પોલીસ બનવાના ગુનામાં અને ૨૦૨૪માં બી-ડિવીઝનમાં મારામારી, નિર્લજ્જ હુમલો, એ પછી તાજેતરમાં ફરી એ-ડિવીઝનમાં નકલી પોલીસના ગુનામાં અને ત્‍યારબાદ બી-ડિવીઝનમાં એક ગુનામાં પકડાયો હતો.  અગાઉ સુરત જેલમાં પાસાની હવા પણ ખાઇ ચુક્‍યો છે. ઉલ્લેખનિય છે કે મિહીર કુગશીયાએ તાજેતરમાં સપ્‍ટેમ્‍બર મહિનામાં મોરબીના દક્ષીતભાઇ ઘીયા નામના ૩૫ વર્ષના યુાવનને તે કંપનીના કામે રાજકોટ આવ્‍યો ત્‍યારે બસ સ્‍ટેશન નજીક આરએમસી ચોકમાં બાલાજી નામની લારીએ તે જમવા બેઠો હતો ત્‍યાંથી તેનું ડી. સ્‍ટાફ પોલીસના નામે અપહરણ કરી પેલેસ રોડ પર લઇ જઇ જામપટો મારી મોબાઇલનો પાસવર્ડ માંગી બાર હજાર પડાવી લીધા હતાં અને હવે પછી અહિ દેખાતો નહિ નહિતર મારી મારીને તોડી નાંખશુ કહી ધમકી આપી હતી. ત્‍યારે તેને એ-ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો. આ ગુનામાં છુટયા બાદ ફરીથી તેણે નવો ગુનો પોલીસના નામે આચર્યો છે.

ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. ભક્‍તિનગર પોલીસે કબ્‍જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

(2:20 PM IST)