તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
કોઠારીયા બિલેશ્વર મંદિરમાં લોટી ચડાવતી વખતે પૂજારી રસિકગીરી ગોસાઇનું હૃદય બેસી જતાં મોત
હૃદય ધબકારા ચુકી જવાના પાંચ બનાવમાં ત્રણ યુવાન, એક પ્રોૈઢ, એક વૃધ્ધાના મૃત્યુ : જામનગર રોડ પરસાણાનગરના ૩૬ વર્ષના કૃણાલભાઇ વાઘેલા અને ઘંટેશ્વરના ૩૮ વર્ષના ભાવેશભાઇ ગરચર અને રેલનગરના પાઉભાજીના ધંધાર્થી પ્રફુલભાઇ ગોહેલ અને ચુનારાવાડના પાનુબેન ભાલીયાના પણ હૃદય બંધ પડી જવાથી મૃત્યુઃ પરિવારોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩: હૃદય રોગના હુમલાથી વધુ પાંચ મૃત્યુ થયા છે. જેમાં ત્રણ યુવાન વયના હતાં. કોઠારીયામાં આવેલા બિલેશ્વર મંદિરમાં સેવા પૂજા કરતાં ચાલીસ વર્ર્ષિય પૂજારી યુવાન સવારે મહાદેવને લોટી ચડાવતી વખતે મંદિરમાં જ ઢળી પડતાં મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં પરસાણાનગરમાં ૩૬ વર્ષિય સફાઇ કોન્ટ્રાક્ટર યુવાનનું, ઘંટેશ્વર વર્ધમાન એપાર્ટમેન્ટના ૩૮ વર્ષના યુવાનનું અને રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપના ૫૧ વર્ષના પાઉભાજીના ધંધાર્થીનું પણ હૃદય રોગના હુમલાથી મૃત્યુ થતાં પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. તેમજ ચુનારાવાડના એક વૃધ્ધાનું પણ હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મુળ ગોંડલના વાસાવડના અને દસેક વર્ષથી રાજકોટ કોઠારીયામાં માધવ પાર્કમાં રહેતાં અને ત્યાં જ ઘર નજીક આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતાં રસિકગીરી નારદગીરી ગોસાઇ (ઉ.વ.૪૦) સવારે મંદિરમાં આરતી પુરી થયા બાદ મહાદેવને લોટી ચડાવતા હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સોસાયટીના રહેવાસીઓ, દર્શનાર્થીઓ હાજર હોઇ તુરત તેમના સગાને જાણ કરી હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર રસિકગીરી ગોસાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
બીજા બનાવમાં જામનગર રોડ પરસાણાનગર જ્યોતિ પાર્ક-૨માં રહેતાં કૃણાલભાઇ વલ્લભભાઇ વાઘેલા (ઉ.વ.૩૬) નામના યુવાન રાતે બે વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી છે. પોતે સફાઇ કામના કોન્ટ્રાક્ટ રાખી કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતાં ભાવેશભાઇ ભીખાભાઇ ગરચર (ઉ.વ.૩૮) નામના યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. ભાવેશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
ચોથા બનાવમાં રેલનગર લાલબહાદુર ટાઉનશીપમાં બી-એમ ફલેટ નં.૨૨માં રહેતાં પ્રફુલભાઇ ભગવાનજીભાઇ ગોહેલ (ઉ.વ.૫૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. મૃત્યુ પામનાર પ્રફુલભાઇ રેલનગરમાં આસ્થા ચોકમાં ગણેશ પાઉભાજી નામે ધંધો કરતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
પાંચમા બનાવમાં ચુનારાવાડ અંબિકા સોસાયટીમાં રહેતાં પાનુબેન અરજણભાઇ ભાલીયા (ઉ.વ.૬૨)ને ઘરે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઘટનાઓને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
પાંચયે બનાવોમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે આજીડેમ પોલીસ સ્ટેશન, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને પ્ર.નગર પોલીસ અને થોરાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૭)
(2:28 PM IST)










