તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
લુખ્ખા તત્વોને ડામવા દરરોજ ડ્રાઇવ યોજાશેઃ ચા-પાનના ગલ્લાઓ પર ખાસ ચેકીંગઃ ડીસીપી બાંગરવા
મોડે સુધી વેપાર ધંધા ચાલુ રહે તેની સામે વાંધો નથી પણ અમુક ગલ્લાઓ પર પડયા પાથર્યા રહેતાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી થશે : ડીસીપી ક્રાઇમ પોતે નાઇટ પેટ્રોલીંગમાં નીકળ્યાઃ છરી સાથે, દારૂ સાથે, દારૂ પીધેલા નીકળનારાઓને દબોચી લેવા ખાસ કાર્યવાહી

શહેરમાં લુખ્ખાગીરીને ડામવા પોલીસ કમર કસી રહી છે. દરમિયાન રાતે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગવા પોતે પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં તે દ્રશ્યો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૪: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા આવારા તત્વો અશાંતી સર્જતા હોઇ તેને ડામી દેવા શહેર પોલીસ મેદાને આવી છે. ખુદ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ટીમ સાથે નાઇટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. મંગળા રોડ પર ગેંગવોર થયા બાદ પોલીસ લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા મેદાને આવી છે. તેમજ શહેરભરમાં દરરોજ સાંજે, રાતે ખાસ ડ્રાઇવ યોજી છરી સાથે, દારૂ સાથે નીકળનારા, દારૂ પીને નીકળનારાઓને પકડી લઇ કાયદાનું ભાન કરાવાઇ રહ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત ગત રાતે પણ છરી સાથે ૧૦, નશો કરેલા ૦૫ અને દેશી દારૂ સાથે ૦૭ને પકડી લેવાયા હતાં. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે-મોડે સુધી વેપાર ધંધા કરવામાં આવે તેની સામે વાંધો ન હોઇ શકે, પરંતુ અમુક ખાસ પોઇન્ટ પર આવેલા ચા-પાનના ગલ્લાઓ પાસે કે આસપાસ આવારા લુખ્ખા તત્વો મોડી રાત સુધી પડયા પાથર્યા રહે છે તેની સામે લાલ આંખ કરવા દરરોજ ડ્રાઇવ યોજી આવા સ્થળોએ ચેકીંગ કરાશે. જ્યાં આ પ્રકારના તત્વો વધુ ભેગા થતાં હોય છે ત્યાંના દૂકાન સંચાલકો, વેપારીઓને પણ સમજ આપવામાં આવી છે.
ગત રાતે શહેરભરના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન છરી સાથે, દારૂ સાથે અને નશો કરી નીકળેલા ૨૨ શખ્સોને પકડી લેવાયા હતાં. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા જાતે ટીમો લઇને નાઇટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં અને અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી અમુક એવા ચા પાનના ગલ્લા કે જ્યાં વધુ પ્રમાણમાં આવારા તત્વો એકઠા થતાં હોવાની ફરિયાદો હતી ત્યાં જઇ તપાસ કરી હતી. તેમજ આવા ગલ્લા સંચાલકોને મહત્વની સુચના આપી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે વેપાર ધંધા મોડે સુધી થાય તેની સામે વાંધો નથી. પણ આવા ગલ્લાઓની આડમાં અમુક આવારાતત્વો ગુનાખોરી આચરતા હોય છે. તેની સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે. અમુક ખાસ પોઇન્ટ પર આવેલા ચા-પાનના ગલ્લાઓ પર ખાસ ચેકીંગ કરાશે અને ડ્રાઇવ દરરોજ રાતે યોજાશે.
દરમિયાન ક્રાઇમ બ્રાંચ દ્વારા લુખ્ખાઓ વિરૂધ્ધની કોઇ ફરિયાદ હોય તો તુરંત જાણ કરવા એક મોબાઇલ નંબર જાહેર કર્યો છે. આ નંબર ઉપર ફરિયાદ કરવા અનુરોધ કરાયો છે. જે લોકો ફરિયાદ કરશે, માહિતી આપશે તેની ઓળખ ગુપ્ત રખાશે તેમ કહેવામાં આવ્યું છે. લોકો લુખ્ખાગીરી બાબતે ફરિયાદ હોય તો ક્રાઇમ બ્રાંચે મોબાઇલ નંબર ૬૩૫૯૬ ૨૯૮૯૬ ઉપર ફોનક કરી શકે છે. ક્રાઇમ બ્રાંચે લોકોને તેમનાં ઘર, ઓફિસ, નોકરી સહિતના સ્થળો આસપાસ ભય ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર ઉપરાંત કોઇપણ પ્રકારની ગેરકાયદે પ્રવળત્તિ કરનાર શખ્સો અંગે જાહેર કરાયેલા વ્હોટ્સએપ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કર્યો છે. માહિતી આપનારનું નામ અને સરનામું સુરક્ષિત રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. આ ઉપરાંત યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
લુખ્ખાગીરી મામલે ક્રાઇમ બ્રાંચના વ્હોટ્સએપ નંબર ૬૩૫૯૬ ૨૯૮૯૬ ઉપર જાણ કરો
(3:25 PM IST)










