<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

હીરાસર એરપોર્ટના ટેક્‍નીશીયન જયરાજે મુસાફરોના લગેજમાંથી ૨.૩૦ લાખના રોકડ-દાગીના ચોરી લીધા!

લગેજ બેલ્‍ટ પર જાય એ પહેલા એક સ્‍થળે કેમેરા ન હોઇ ત્‍યાં હાથફેરો કરી લેતો હતોઃ એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, રવિરાજભાઇ પટગીરની ટીમે ભેદ ઉકેલી ધરપકડ કરી

રાજકોટ તા. ૪: શહેરના હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટમાં ટેકનીશીયન તરીકે નોકરી કરતો કર્મચારી મુસાફરોના લગેજમાંથી ચોરીઓ કરતો હોવાનું ખુલતાં  ચકચાર મચી ગઇ છે. આ કર્મચારીએ બે  અલગ અલગ મુસાફરોના લગેજ બેલ્‍ટ પર જાય એ પહેલા એક જગ્‍યાએ જ્‍યાં કેમેરા પહોંચતા ન હોઇ ત્‍યાંથી લગેજમાંથી રોકડ, દાગીના ચોરી લીધા હતાં. એલસીબી ઝોન-૧ ટીમે તેને પકડી લઇ રૂા. ૨,૩૦,૦૦૦ની રોકડ-દાગીનાની મત્તા સાથે પકડી લીધો છે.

હીરાસર એરપોર્ટમાં મુસાફરોના લગેજમાંથી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતાં એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી.ચુડાસમા, એરપોર્ટ પીએસઆઇ એસ. એસ. જાડેજા અને ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન એરપોર્ટનો જ ટેક્‍નીશીયન કે જે કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર નોકરી કરે છે તે જયરાજ કથુભાઇ ખાચર (ઉ.વ.૨૮-રહે. નાની મોલડી, તા. ચોટીલા) શંકાના દાયરામાં આવી જતાં તેની યુક્‍તિ પ્રયુક્‍તિથી પુછતાછ કરતાં તેણે ગત ૧૨મી અને ૨૪મી તારીખે બે મુસાફરોના લગેજમાંથી ચોરી કર્યાનું કબુલ્‍યુ઼ હતું. જેમાં એક મુસાફર મુંબઇના અને બીજા ઇન્‍દોરના હતાં.

પોલીસે જયરાજ પાસેથી રૂા. ૭૦ હજારનું સોનાનું બ્રેસલેટ, રૂા. ૨૮ હજારની સોનાની બુટી, રૂા. ૪૨ હજારનું બુટીનું ઝુમ્‍મર અને રૂા. ૯૦ હજાર રોકડા કબ્‍જે કર્યા છે. આ મામલે એરપોર્ટ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. અગાઉ પણ તે સુરેન્‍દ્રનગર બામણબોરમાં વર્ષ ૨૦૧૭માં ધમકી સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, કોન્‍સ. રવિરાજભાઇ પટગીરની ટીમે આ કામગીરી કરી હતી. 

(3:29 PM IST)