તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
મુરગા ગેંગનો વધુ એક સાગ્રીત મુજુડાને એસઓજીએ પિસ્તોલ સાથે પકડયોઃ સુત્રધાર મુરગાએ સાચવવા આપી હતી
પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ અને ટીમની કાર્યવાહીઃ દિગ્વીજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૪: શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચેની વોરમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યા હતાં. પરીયા અને મુરગા ગેંગ વચ્ચેની આ માથાકુટ મામલે નોંધાયેલા ગુનાની તપાસ એસઓજી કરી રહી હોઇ એક પછી એક અગીયાર આરોપીઓને પકડયા અને હથીયારો કબ્જે કર્યા બાદ વધુ એક આરોપીને દેશી પિસ્તોલ સાથે પકડી લેવાયો છે. મુરગા ગેંગના સાગ્રીતને ઝડપી લેવાતા આરોપીનો આંકડો એક ડઝન થયો છે. આ સાગ્રીતને સુત્રધાર મુરગાએ પિસ્તોલ સાચવવા આપી હોઇ બંને સામે અલગથી એક ગુનો દાખલ કરાયો છે.
એસઓજીના હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ અને કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી અતિથી ચોક અર્જુન એપાર્ટમેન્ટના ગેઇટ નજીકથી મુરગા ગેંગના મુજકકીર ઉર્ફે મુજુડો દિલાવર બ્લોચ (ઉ.વ.૨૪, રહે. જંગલેશ્વર શેરી નં.૨૧)ને દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીઝ સાથે ઝડપી લેવાયો છે. પ્રાથમિક પુછપછમાં આરોપી મુજક્કીરે તેને આ પિસ્તોલ સમીર ઉર્ફે મુરગો યાસીન પઠાણ (રહે. એકતા કોલોની, સોરઠિયાવાડી પાસે)એ સાચવવા આપ્યાની કબુલાત આપી હતી. જેના પગલે એસઓજીએ આરોપી સમીર ઉર્ફે મુરગાને વોન્ટેડ દર્શાવ્યો છે. મંગળારોડ પરની વોરમાં પણ મુરગો વોન્ટેડ છે.
અગાઉ પરીયા ગેંગના જીજ્ઞેશ ઉર્ફે ભયલુને એક પિસ્તોલ આપનાર આરોપી સંજયરાજસિંહ ઝાલાને એસઓજીએ એક પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જે ગુનામાં તપાસના અંતે જેલ હવાલે થયા બાદ એસઓજીએ તેનો મંગળા રોડ પરના ફાયરિંગના કેસમાં હથિયાર સપ્લાયર તરીકે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ બી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો મુજુડો અગાઉ ભક્તિનગર પોલીસમાં હત્યાની કોશિષ, રાયોટીંગના બે ગુનામાં પકડાયો હતો.
(3:37 PM IST)










