તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
યોગેશ્વર પાર્કમાં નવોઢા કૈલાસબેન પતિ, સાસુ, સસરા, દિયરના ત્રાસથી મરવા મજબૂર થયા હતાં
સાસુ-સસરા દિયર કામ બાબતે ત્રાસ આપી તું ગોધરા જેવી છો, તારા બાપાને કહે ફર્નિચર બનાવડાવી દે, પતિ પણ રાખવી નથી કહી હેરાન કરતો હોવાનો ફરિયાદમાં આરોપ : યુનિવર્સિટી પોલીસે આપઘાત કરનારના ભાઇ ગીરગઢડા રહેતાં રણજીતસિંહ ગોહિલની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૪: યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં રહેતા કૈલાસબેન દિલીપભાઇ સોલંકી (ઉ.વ.૨૮)એ ગયા મહિને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેણીને પતિ, સાસુ, સસરા, સાસુનો ત્રાસ કારણભુત હોઇ તે મરી જવા મજબૂર થયાનું ખુલતાં પોલીસે ગુનો નોંધ્યો છે. લગ્નના છ જ મહિના બાદ તેણીને ત્રાસ શરૂ થઇ ગયો હોવાનો આરોપ મુકાયો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ઉનાના ગીરગઢડા તાબેના પડાપાદર ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં રણજીતસિંહ નાનુભા ગોહિલ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી રાજકોટ યુનિવર્સિટી રોડ યોગેશ્વર પાર્કમાં રહેતાં તેના બનેવી દિલીપ કાળુભાઇ સોલંકી, બહેનના સાસુ અંજુબેન, સસરા કાળુભાઇ સોલંકી અને દિયર ધર્મેશ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રણજીતસિંહે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહી ખેતી કરી ગુજરાન ચલાવુ છું. અમે ત્રણ ભાઇ બહેન છીએ. જેમાં મોટા કૈલાસબેન (ઉ.વ.૨૮)ના લગ્ન રાજકોટના દિલીપ સોલંકી સાથે ૬/૨/૨૫ના રોજ થયા હતાં. લગ્ન જીવનના આઠ જ મહિના દરમિયાન મારી બહેન કૈલાસબેનને છએક મહિના જ સાસરીયાએ સારી રીતે રાખી હતી. લગ્ન બાદ મારી બહેન મારા મમ્મીને ફોન કરી કહેતી હતી કે સાસુ અંજુબેન, દિયર ધર્મેશ કામ બાબતે બોલાચાલી કરે છે, માનસિક ત્રાસ આપે છે. તું ગોધરા જેવી છો, મારા સસરા કહે છે તારા બાપે કંઇ આપયું નથી, ઘરનું ફર્નિચર તારા બાપને કેહેજે કરાવી આપે. મારો પતિ પણ કહેતો કે તું બીસ્તરા પોલટલા બાંધીને ચાલી જા, મારે તને રાખવી નથી. બહેનની આ વાત સાંભળી મારા માતાએ તેણીને સમજાવી હતી અને સંસારમાં થોડુ જતું કરવા સમજ આપી હતી.
બાદમાં તા. ૧૪/૮ના રોજ સાતમ આઠમના તહેવાર પર મારા ભાઇ બહનને તહેવાર કરવા તેડવા ગયા હતાં. ત્યારે બહેન એકલા આવ્યા હતાં, બનેવી આવ્યા નહોતાં. બાદ માવતરે આવી મારી બહેને વાત કરી હતી કે મારા સાસુ, સસરા મારો પતિ ઘરે કંઇ ખાવાની વસ્તુ લાવે કે મને પૈસા આપે તો તેને ગમતું નથી. મને ફોન પણ કરવા દેતા નથી. મારો વાંક ન હોવા છતાં મેણાટોણા મારે છે. મારે ફોન કરવો હોય તો પતિના મોબાઇલમાંથી કરવાનો અને ત્યારે પતિ સામે જ ઉભા રહે છે. આપણા સગા વ્હાલાને પણ તે જેમ તેમ બોલે છે. આ પછી મારા બહેનને તેના સસરા તેડી ગયા હતાં. ૧૩/૧૦ના રોજ મારુ વ્હોટ્સએપ જોતાં બહેન કૈલાસે વિડીયો મોકલ્યો હતો. જેમાં તેણીની સાથે તેના પતિ, સાસુ, સસરા, દિયર બોલાચાલી કરતાં હોય તેવુ સંભળાતું હતું. આ પછી મેં બહેનને ફોન જોડતાં તે બંધ આવવતો હતો. જેથી તેના સસરાને ફોન કરતાં તેણે મારી બહેન સાથે વાત કરાવી હતી.
થોડીવાર વાત કર્યા બાદ બહેને ફોન મુકી દીધો હતો. બાદમાં રાતે અગીયારેક વાગ્યે બહેનના સસરા કાળુભાઇએ ફોન કરી મને કહ્યું હતું કે-તારી બહેને ગળાફાંસો ખાઇ લીધો છે, અમે સિવિલ હોસ્પિટલે લાવ્યા છીએ તમે જલ્દી આવો. આ પછી હું, મારા દાદાનો છોકરો, કાકા, મામા, કાકી, મમ્મી, પપ્પા સહિતના રાજકોટ ૧૪/૧૦ના પહોંચયા હતાં. અહિ હોસ્પિટલે અમને જાણવા મળ્યું હતું કે મારા બહેન ગુજરી ગયા છે. પોસ્ટમોર્ટમ બાદ સસરાના ગામ ઘાંટવડ કોડીનાર ખાતે અંતિમવિધી થઇ હતી. મારી બહેનને લગ્નના છ જ મહિના બાદ પતિ, સાસુ, સસરા, દિયર શારીરિક માનસિક રીતે ટોર્ચર કરતાં હોઇ તેણી મરી જવા મજબૂર થઇ હતી. આથી અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી કર્યુ હતું. તેમ વધુમાં રણજીતસિંહે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:11 PM IST)










