તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
થોરાળા રામનગરનો ઇન્દ્રજીત ટીટીયા વ્યાજખોરીમાં ફસાતાં ફિનાઇલ પીધું: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મકાનનો હપ્તો ભરવા હુડકો પોલીસ ચોકી પાસેઓફિસ ધરાવતાં જેકી ઠક્કર પાસેથી ૨ લાખ લઇ ૩ લાખ ભર્યા છતાં વધુ માંગી ધમકીઃ જેકી, તેના માણસો સંજય અને હાર્દિક વિરૂધ્ધ થોરાળા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૪: વ્યાજખોરીમાં ફસાઇ જતાં નવા થોરાળા રામનગરના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મકાનના હપ્તા ભરવા માટે બે લાખ લઇ તેની સામે ત્રણ લાખ ભરી દીધા હોવા છતાં વધુ રકમ માંગી વ્યાજે આપનાર શખ્સ તેમજ તેના બે માણસો સતત હેરાન કરી ધમકીઓ, ગાળો દઇ પઠાણી ઉઘરાણી કરતાં હોઇ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ નવા થોરાળા રામનગર-૪ બહુચર કૃપા ખાતે રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં બ્રાહ્મણ ઇન્દ્રજીત ઉર્ફ ઇન્દુભાઇ મહેન્દ્રભાઇ ટીટીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે ભાનમાં આવ્યા બાદ પોલીસે પુછતાછ કરતાં વ્યાજખોરીમાં ધમકીઓ મળતી હોવાથી આ પગલુ ભર્યાનું કહેતાં પોલીસે તેની ફરિયાદ પરથી જેકી ઠક્કર, સંજય વ્યાસ અને હાર્દિક છગનભાઇ મોલીયા સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી, ધમકીનો ગુનો નોંધ્યો છે. આ લોકોના સતત ત્રાસથી પઠાણી ઉઘરાણીને કંટાળી જઇ ઇન્દ્રજીતે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઇન્દ્રજીત ઉર્ફ ઇન્દ્રભાઇ ટીટીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારી સાથે પત્નિ અંશુબેન, માતા રાજેશ્વરીબેન, દાદી લાભુબેન અને એક દિકરો તથા એક દિકરી રહે છે. મારા પિતા હયાત નથી. મેં બીએ સુધી અભ્યાસ કર્યો છે. ત્રણેક મહિના પહેલા મારે મકાનનો હપ્તો ભરવો હોઇ મારી પાસે પૈસાની ખેંચ હતી. મને વાત મળી હતી કે જેકી ઠક્કર વ્યાજે રૂપિયા આપે છે. આથી હું અને મારો મિત્ર મહેશ ઉકાભાઇ પાદરીયા હુડકો પોલીસ ચોકી સામે આવેલી જેકી ઠક્કરની આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસે ગયા હતાં. મેં રૂપિયાની વાત કરતાં જેકીએ કેટલા રૂપિયાની જરૂર છે? તેમ પુછતાં મેં કહેલે કે મકાનનો હપ્તો ભરવા પ૦ હજારની જરૂર છે. જેથી જેકીએ ૫૦ હજારનું દર ૧૦ દિવસે રૂા. ૩૦૦૦ વ્યાજ થશે તેમ કહ્યું હતું.
મારે રૂપિયાની ખાસ જરૂર હોઇ જેથી મેં હા પાડી હતી અને ૫૦ હજાર વજે લીધા હતાં. હું આ રકમનું સમયસર વ્યાજ ભરતો હતો અને દર દસ દિવસે રૂા. ૩૦૦૦ વ્યાજ ચુકવી આવતો હતો. દરમિયાન આજથી એકાદ મહિના પહેલા મારે વધુ રૂપિયાની જરૂર પડતાં મેં જેકી પાસે ૧,૫૦,૦૦૦ રૂપિયા માંગતા તેણે આપ્યા હતાં અને કહ્યું હતું કે આગળના ૫૦ હજાર મળી કુલ બે લાખ થયા છે અને હવે તારે દર પંદર દિવસે ૧૦ હજાર આપવા પડશે તેમ કહેતાં મેં હા પાડી હતી. મેં તેને કટકે કટકે રૂા. ૩ લાખ આપી દીધા છે. હવે જેકી ફોન કરીને અને રૂબરૂ આવીને-તારે મને હજી રૂા. ૩,૪૦,૦૦૦ આપવાના બાકી છે તે ક્યારે આપીશ? નહિ આપ તો સારાવટ નહિ રહે તેવી ધમકી આપે છે.
આ ઉપરાં જેકીનો માણસ સંજય વ્યાસ પણ મારી ઘરે આવીને અને ફોન કરીને પૈસાની પઠાણી ઉઘરાણી કરે છે. બીજો માણસ હાર્દિક મોલીયા પણ ફોન કરી ભુંડી ગાળો દઇ ઉઘરાણી કરે છે અને તને ઉપાડી લેતાં વાર નહિ લાગે તેવી ધમકી આપે છે. મેં રૂપિયા ચુકવી દીધા છે છતાં આ લોકો સતત હેરાન કરી પઠાણી ઉઘરાણી કરી ગાળો અને ધમકી આપે છે અને માનસિક ત્રાસ આપે છે. મેં તેને વધારાના રૂપિયા સગવડ થશે ત્યારે આપી દઇશ તેમ કહ્યું છતાં સમજતા નથી. સતત હેરાનગતિથી કંટાળીને મેં મારા ઘરે ફિનસાઇલ પી લીધી હતી. મને સારવાર માટે દાખલ કરાયો હતો. રજા અપાયા બાદ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં ઇન્દ્રજીત ટીટીયાએ કહેતાં પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. એચ. બી. છૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:12 PM IST)










