<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ફર્નિચરના ધંધાર્થી માનજીતસિંગના મકાનમાં નામચીન લખન આણી ટોળકી ત્રાટકી : ચોરીનો પ્રયાસ

આર.ટી.ઓની પાછળ આરએમસીના કવાર્ટર પાસે બનાવઃ અવાજ થતા લોકોએ સગીરને દબોચ્‍યો : લખન લખન માલાણી, પ્રિન્‍સ પરમાર અને એક સગીર વિરૂધ્‍ધ પાડોશી હિતેશભાઇની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૫ : માર્કેટીંગ યાર્ડ નજીક આરટીઓ ઓફીસની પાછળ આરએમસીના કવાર્ટર પાસે રહેલા ફર્નિચરના વેપારીના બંધ મકાનને નિશાન બનાવી નામચીન લખન માલાણી તેના બે સાગ્રીતો સાથે મકાનમાં ખાબકી દરવાજાના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યાની ફરીયાદ થઇ છે. અવાજ થતા પાડોશી સહીતના લોકોએ એક સગીરને પકડી લઇ બી ડીવીઝન પોલીસને સોંપ્‍યો હતો.

મળતી વિગત મુજબ આરટીઓની પાછળ આરએમસી હુડકો કવાર્ટર ઇ-૧ માં રહેતા હિતેશભાઇ જીવાભાઇ મકવાણા (ઉ.વ.૩૭) એ બી ડીવીઝન પોલીસ મથકમાં ચુનારાવાડ શેરી નં. ૧/૧૪ માં રહેતો નામચીન લખન બચુ માલાણી, ચુનારાવાડ શેરી નં. ૩ નો પ્રિન્‍સ અશોકભાઇ પરમાર અને ચુનારાવાડમાં રહેતો એક સગીર વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી છે. હિતેશભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે હું ચાંદીકામ કરૂ છું. મારા કવાર્ટર નજીક મિત્ર ધર્મેશભાઇ જોષીનું ડેકોરેશનનું ગોડાઉન છે. ગોડાઉનની બાજુમાં ફર્નિચરના વેપારી મનજીતસિંગ સ્‍વર્ણસીંગ સબરવાલ (ઉ.વ.૬૭) નું મકાન આવેલું છે. તેઓ હાલ મકાનને તાળુ મારી હાલમાં મુંબઇ ગયા છે. ગઇકાલે મોડી રાત્રે હું ઘર નજીક પાનના ગલ્લે માવો ખાઇને પરત ઘરે જતો હતો ત્‍યારે આ મનજીતસિંગના મકાનના અંદરના ભાગે ંકંઇક તોડતા હોઇ તેવો અવાજ આવ્‍યો. મને શંકા જતા મેં થોડે દુર જઇ ફોન કરતા મિત્ર ધર્મેશભાઇ ગયા હતા. બાદ બંનેએ આસપાસના પાડોશીઓને કોઇ અવાજ કર્યા વગર બોલાવી લીધા હતા. બાદ બધાએ નજીક જઇ જોયુ તો મનજીતસિંગના મકાનની ડેલીનું તાળુ લાગેલુ હતું. પરંતુ મુખ્‍ય દરવાજાનું તાળુ તુટેલુ હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો. બાદ મિત્ર ધર્મેશભાઇ ડેલી કુદી અંદર જવાનો પ્રયાસ કરતા હતા તે વખતે અચાનક જ ત્રણ શખ્‍સો ઘરની બહાર નીકળ્‍યા અને આ શખ્‍સો પાસે કોઇ હથીયાર હશે તેવુ વિચારીને અમે પાછા ખસી જતા ત્રણેય ડેલી કુદીને ભાગવા લાગ્‍યા અમે ત્રણેયને પકડવા જતા એક શખ્‍સ ઢસડાઇને પડી જતા અમે દોડીને તેને પકડી લીધો હતો અને બીજા બે શખ્‍સો બાઇક પર ભાગી ગયા હતા. બાદ પકડાયેલા શખ્‍સની પુછપરછ કરતા તે સગીર હોઇ અને ચુનારાવાડમાં રહેતો હોવાનું જણાવ્‍યું હતું. તેની સાથે ચુનારાવાડ શેરી નં૧/૧૪માં રહેતો લખન બચુભાઇ માલાણી અને પ્રિન્‍સ અશોકભાઇ પરમારના નામ આપ્‍યા હતા. બાદ મિત્ર ધર્મેશભાઇએ ૧૧રમાં કોલ કતા પોલીસની ગાડી આવી જતા તે સગીરને સોંપ્‍યો હતો. બાદ મકાન માલીકને ફોન કરી બનાવની જાણ કરતા તે હાલ મુંબઇ હોઇ તેથી પાડોશી હિતેશભાઇ મકવાણાએ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ જે.આર.સોલંકીએ નામચીન લખન માલાણી અને પ્રિન્‍સ પરમારની શોધખોળ હાથ ધરી છે. 

(2:10 PM IST)