News of Wednesday, 5th November 2025
જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની ઉજવણીઃ અન્નકુટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ

રાજકોટઃ શ્રી જય જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આયોજીત આનંદનગર, નિલકંઠ ટોકીઝ સામે, કોઠારીયા રોડ ખાતે વિશ્વવંદનીય સંત શિરોમણી પરમ પૂજય શ્રી જલારામબાપાની રર૬ મી જન્મજયંતિની ઉજવણી ખૂબ આસ્થાભેર ધામધૂમથી ઉજવવામાં આવી હતી. જેમાં બપોરની મહાઆરતીક્રિષ્નાબેન રાજુભાઇ ચોટાઇ (રસીકભાઇ ચેવડાવાળા), દક્ષાબેન કુમારભાઇ અઢીયા (નાથ સ્ટોલવાળા) રેખાબેન ભરતભાઇ નથવાણી, ભરતભાઇ ગોટેચા, (જલારામ વેલ્ડીંગ), કાશ્મીરાબેન નથવાણી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મનીષભાઇ રાડીયા, શાસક પક્ષનેતા લીલુબેન જાદવ હસ્તે કરી, અન્નકુટ દર્શન ખુલ્લા મુકાયા હતા. ખીચડી, કઢી, બેટેટાનું શાક, રોટલા, બુંદી, ગાંઠીયા,છાસ સંભારો, ફાઇમ્સ, બપોરના મહાપ્રસાદમાં રાખેલ હતા. જેનો આશરે બે હજાર લોકોએ લાભ લીધેલ હતો. મહારકતદાન કેમ્પનું આયોજન પણ કરેલ હતું. સાંજે સધ્યાઆરતી જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ), ગુણવંતભાઇ ડેલાવાળા (સરગમ કલબ પ્રમુખ) જયેશભાઇ નથવાણી તથા તમામ ભકતોના હસ્તે થઇ હતી. ભોલેબાબા ગૃપ, કસ્ટભંજક ગૃપ દ્વારા ધુન-ભજનની રમઝટ બોલાવી હતી. અને આશરે પાંચેક હજાર ભાવિક ભકતોઓએ બાપાનો મહાપ્રસાદનો લાભ લીધો હતો. બાપાને અન્નકુટ તથા શ્રી જલારામબાપાના જીવન ચરિત્ર ઉપર બાપાની કેક મુખ્ય આર્કષણ બન્યા હતા. શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ વતી પ્રમુખ લીનાબેન સમીરભાઇ રાજાણી એ સૌનો આભાર વ્યકત કરવામાં આવેલ.
(2:20 PM IST)










