તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
નાના મવા સર્કલ આરએમસી ક્વાર્ટરના રીઢા શખ્સ શાહરૂખને ગાંજા સાથે એસઓજીએ દબોચ્યો
મારામારી, દારૂ, જૂગાર, રાયોટીંગ, હત્યાની કોશિષના ૮ ગુનામાં સંડોવણી : ક્વાર્ટરના જ અસલમ સમાનું નામ ખુલ્યું: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધ્રાંગુની ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રસિંહ જાડેજા અને ફિરોઝભાઇ રાઠોડની બાતમી

રાજકોટ તા. ૫: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને ૬૭,૭૫૦ના ગાંજા સાથે પકડી લીધો છે. નાના મવા આવાસ યોજના ક્વાર્ટરના આ શખ્સે આ ક્વાર્ટરમાં જ રહેતાં અન્ય એક શખ્સનું સપ્લાયર તરીકે નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે. ઝડપાયેલો શખ્સ રાજકોટ, ગોંડલમાં અગાઉ મારામારી, હત્યાની કોશિષ, દારૂ, જૂગાર, રાયોટીંગ સહિત ૮ ગુનામાં સંડોવાઇ ચુક્યો છે. હાલ છુટક મજૂરી કરે છે. તેણે વેંચવા માટે આ ગાંજો લીધાનું રટણ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટીક્સ પદાર્થનું વેંચાણ અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમ આવા કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા અને એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડને બાતમી મળતાં નાના મવા સર્કલ પાસે આવેલા આરએમસી ક્વાર્ટરના ગેઇટ પાસેથી એક શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો હતો. એફએસએલ અધિકારી સમીર જોષીને બોલાવી પદાર્થનું પરિક્ષણ કરાવ્યું હતું. વન કરતાં ૧ કિલો ૩૫૫ ગ્રામ થયો હતો. તેની કિંમત રૂા. ૬૭૭૫૦ ગણી જપ્ત કરી શાહરૂખ કાસમભાઇ જુણાચ (ઉ.વ.૨૯-રહે. નાના મવા સર્કલ આરએમસી ક્વાર્ટર બ્લોક નં. ૧૪, ક્વાર્ટર નં. ૬૭૮)ને પકડી લઇ તાલુકા પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
શાહરૂખની પુછતાછ થતાં તેણે પોતાને આ ગાંજો તેની નજીકના જ આવાસ ક્વાર્ટરમાં રહેતાં અસલમ ભીખુભાઇ સમાએ આપ્યો હોવાનું કબુલતાં અસલમની શોધખોળ થઇ રહી છે. શાહરૂખ આ અગાઉ એ-ડિવીઝનમાં દારૂના બે કેસમાં અને મારામારીના એક કેસમાં તથા તાલુકા પોલીસના મારામારીના એક કેસમાં, ઉપરાંત ગોંડલ સીટીમાં જૂગાર, થોરાળામાં રાયોટીંગ, તાલુકા પોલીસઅને માલવીયાનગરમાં મારામારી, હત્યાની કોશિષના એક-એક મળી કુલ ૮ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો.
તેની પાસેથી ગાંજો, એક્સેસ ટુવ્હીલર, મોબાઇલ ફોન મળી રૂા. ૧,૫૭,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ રહેવરે આ કામગીરી કરી હતી. (૧૪.૭)
(2:32 PM IST)










