News of Wednesday, 5th November 2025
શહેરમાં પોલીસની ડ્રાઇવઃ છરી સાથે, નશો કરી નીકળનાર અને દેશી દારૂ સાથે ૩૦ ઝડપાયા
પીસીબીની ટીમે નવા દોઢસો ફુટ રોડ પરથી દેશી દારૂ ભરેલી કારમાંથી ચાલકને દબોચ્યો

રાજકોટ, તા. પઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા આવારા તત્વો અશાંતી સર્જતા હોઇ તેને ડામી દેવા શહેર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહયું છે. આ ડ્રાઇવમાં પોલીસે અલગઅ-અલગ વિસ્તારમાં છરી સાથે સાત, નશો કરી નીકળેલા તેર અને દેશી દારૂ સાથે દસ શખ્સો સામે કાર્યવાહી કરી હતી.
ગત રાત્રે શહેરભરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ડ્રાઇવ દરમિયાન છરી સાથે, દારૂ સાથે અને નશો કરી નીકળેલા ૩૦ શખ્સોને પકડી લેવાયા હતા. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી અને જાતે ટીમો લઇને અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છરી સાથે અને નશો કરી નીકળનારા શખ્સો જેમાં પોલીસે-૭, ગાંધીગ્રામ પોલીસે ૪, બી-ડીવીઝન પોલીસે ૩, એ-ડીવીઝન પોલીસે ર, કુવાડવા રોડ પોલીસે ૧, ભકિતનગર પોલીસે ૪, માલવીયાનગર પોલીસે ૬, યુનિવર્સિટી પોલીસે ર, એરપોર્ટ પોલીસે ૧ અને આજીડેમ પોલીસે ૧ ને પકડી લઇ લીધા હતા.
જયારે પીસીબીના હેડ કોન્સ કિરતસિંહ ઝાલા તથા રાહુલગીરી ગૌસ્વામીને બાતમી મળતા ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.જે. દુણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા તથા ટીમે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર શુભ ચોકડી પાસે દરોડો પાડી રૂા. ૬૦ હજારના ૩૦૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર સાથે રાજુ દડુભાઇ સાડમીયા (રહે. કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે, મુળ ગામ હીંગોળગઢ, તા. વિંછીયા) ને પકડી લઇ દેશી દારૂ અને કાર મળી રૂા. ૩.૧૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
(3:18 PM IST)










