<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

૨.૯૭ કરોડના એમ્‍બરગ્રીસ સાથે ૩ ઝડપાયા

રાજકોટ એસઓજીએ ગત ૧૦મી ઓક્‍ટોબરે અડધા કરોડની વ્‍હેલ માછલીની ઉલ્‍ટી સાથે એક શખ્‍સ પકડયા વધુ એક કામગીરી : સુરેન્‍દ્રનગરના ત્રણ શખ્‍સ લીમડા ચોક પાસે ગ્રાહક શોધતા હતાં અને એસઓજીની ટીમ આવી ગઇ : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. અમિતભાઇ ટુંડીયા, કોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલ અને રવિરાજભાઇ ધગલની બાતમી

રાજકોટ તા. ૬: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત વ્‍હેલ માછલીની ઉલ્‍ટી (એમ્‍બર ગ્રીસ) સાથે ત્રણ શખ્‍સોને પકડયા છે. ગત ૧૦મી ઓક્‍ટોબરના રોજ શહેર એસઓજીએ અમરેલીના બાબરા પંથકના કરીયાણા ગામના એક ખેત મજૂરને રાજકોટમાંથી અડધા કરોડના એમ્‍બર ગ્રીસ સાથે પકડયો હતો. તેમાં શિહોરના શખ્‍સનું નામ ખુલ્‍યું હતું. દરમિયાન હવે સુરેન્‍દ્રનગરના ત્રણ શખ્‍સોને ૨ કરોડ ૯૭ લાખના એમ્‍બર ગ્રીસ સાથે પકડી લીધા છે. આ ત્રણેય બાબરાના શખ્‍સ પાસેથી વ્‍હેલ માછલીની  ઉલ્‍ટી લઇ રાજકોટમાં વેંચવા આવ્‍યા હતાં. પણ ગ્રાહક મળે એ પહેલા લીમડા ચોક શાષાી મેદાન નજીક તેને એસઓજીની ટીમનો ભેટો થઇ ગયો હતો. આગળની તપાસ માટે ત્રણેયને વન વિભાગને સોંપવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ શહેર એસઓજીની ટીમ વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનીયમનો ભંગ કરનારા શખ્‍સોને શોધવા વોચ રાખી રહ્યો હોઇ આ દરમિયાન શહેર એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્‍સ. અમીતભાઇ ટુંડીયા, કોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલ અને કોન્‍સ. રવિરાજભાઇ વીહાભાઇ ધગલને ચોક્કસ બાતમી મળી હતી કે શાષાી મેદાન લીમડા ચોક નજીક હોટેલ કે રોઝ પાસે ત્રણ શખ્‍સો શંકાસ્‍પદ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી (એમ્‍બર ગ્રીસ)નો જથ્‍થો લઇને વેંચવા માટે આવ્‍યા છે. આથી તુરત જ એસઓજીની ટીમ પહોંચી હતી અને બાતમી મુજબના ત્રણેયને સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેથી વ્‍હેલ માછલીની ઉલ્‍ટી મળી આવી હતી. વન વિભાગના અધિકારીઓને બોલાવી આ પદાર્થની ચકાસણી કરાવ્‍યા બાદ બીએનએસએ-૧૦૬ મુજબ કબ્‍જે કરી વન વિભાગને મુદ્દામાલ સોંપી ત્રણેય શખ્‍સોને પણ વન વિભાગના હવાલે કરાયા હતાં.

પુછપરછમાં આ ત્રણેયએ પોતાના નામ નરેન્‍દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૫૧-રહે. દેવનગર દાડમીલ રોડ, સુરેન્‍દ્રનગર),  આશિષ સુરેશભાઇ ભટ્ટ (ઉ.વ.૪૮-રહે. ૪/૭, વિવકોનંદ સોસાયટી નવા જંકશન રોડ સુરેન્‍દ્રનગર) અને પરેશ ચંદ્રકાંતભાઇ શાહ (ઉ.વ.૬૬-રહે. જય સોસાયટી તારામણી કોમ્‍પલેક્ષ પાછળ રતનપર તા. સુરેન્‍દ્રનગર) જણાવ્‍યા હતાં. ત્રણેય આ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ક્‍યાંથી લાવ્‍યા? તે અંગે પ્રાથમિક પુછતાછ થતાં ત્રણેયએ પોતાને સરધાર નજીક બાબરાનો શખ્‍સ આ પદાર્થ વેંચવા માટે આપી ગયાનું રટણ કર્યુ હતું. ત્રણેય રાજકોટ આવી આ પદાર્થ વેંચવાના હતાં. જો કે ગ્રાહક મળે એ પહેલા એસઓજીની ટીમે પકડી લીધા હતાં.

આ ત્રણેય પાસેથી ૨.૯૬૩ કિલોગ્રામ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી જપ્‍ત કરવામાં આવી છે. જેની આંતરરાષ્‍ટ્રીય બજારમાં કિંમત રૂા. ૨,૯૬,૩૦,૦૦૦ થાય છે. ત્રણેય પાસેથી આ એમ્‍બરગ્રીસ તેમજ ૨૦ હજારના ૪ મોબાઇલ ફોન અને ૮૦ હજારની કાર મળી કુલ રૂા. ૨,૯૭,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. ઝડપાયેલાઓમાં નરેન્‍દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરે છે. આશિષ આઇસીઆઇસીઆઇ બેંકમાં નોકરી કરે છે અને પરેશભાઇ નિવૃત જીવન જીવે છે. વન વિભાગ દ્વારા ત્રણેયની વધુ પુછતાછ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્‍સ. અમિતભાઇ  ખીમજીભાઇ ટુંડીયા, કોન્‍સ. રવિરાજભાઇ વીહાભાઇ ધગલ અને કિશોરભાઇ લક્ષમણભાઇ ઘૂઘલે આ કામગીરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત ૧૦મી ઓક્‍ટોબરે પણ ફિરોઝભાઇ શેખ અને રવિરાજભાઇ ધગલની બાતમી પરથી આજીડેમ ચોકડી નજીકની વિરમ મનજીભાઇ બાવળીયા (ઉ.વ.૨૭-રહે. કરીયાણા ગામ તા. બાબરા જી. અમરેલી)ને અડધા કરોડના એમ્‍બરગ્રીસ સાથે પકડી લેવાયો હતો. ત્‍યારે  શિહોરના જીતુ અને સાયલાના વિનોદના નામ ખુલ્‍યા હતાં. વ્‍હેલ માછલીની ઊલટીનો ઉપયોગ દવાઓ માટે થાય છે તેમજ કોસ્‍મેટિક આઈટમ્‍સ, અત્તર, સ્‍પ્રે પણ બને છે. આ ઉલ્‍ટીની બજાર કિંમત કરોડોમાં હોય છે. (૧૪.૬)

 

 

 

(2:45 PM IST)