<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

માધાપરના રવિ જાખેલીયાને કારથી બાઇક સહિત ઉલાળી મનહરપુર-૧ના સંજયનો હત્‍યાનો પ્રયાસ

ત્રણ મહિના પહેલાની માથાકુટનો ખાર રાખી પહેલા આંતરીને ઉભો રાખી ધમકાવ્‍યો, પછી પીછો કરી ઠોકરે લીધો : ખેતી કરી ગુજરાન ચલાવતાં રવિના બાઇકમાં લિફટ લેનારા મિત્ર મનસુખને પણ ફંગોળાઇ જતાં ઇજાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬: માધાપર રહેતાં યુવાનને તે ઇશ્વરીયા પાર્કની વાડીએથી માધાપર તરફ મોટરસાઇકલ હંકારી જમવા જતો હતો ત્‍યારે રસ્‍તામાં મિત્રએ લિફટ લેતાં બંને મિત્ર  એઇમ્‍સ હોસ્‍પિટલવાળા સર્કલથી આગળ વધતાં મનહરપુર-૧ના શખ્‍સે પુરઝડપે કાર હંકારી બંનેને ઠોકરે લઇ ઉલાળી દઇ હત્‍યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. આ બનાવમાં માધાપરના યુવાનને પાંસળીમાં ફ્રેકચર થયું હતું અને તેના મિત્રને નજીવી ઇજાઓ થઇ હતી. ત્રણ મહિના અગાઉના મનદુઃખનો ખાર રાખી મનહરપુરના શખ્‍સે આજે તો નિવેડો લાવી દેવો છે, તને પુરો કરી નાંખવો છે તેવી ધમકી આપ્‍યા બાદ થોડીવાર લઇ કારથી મોટરસાઇકલને ઉલાળી દીધુ હતું. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે માધાપર ગામ જુના ગેઇટથી અંદર કોળીવાસમાં રહેતાં રવિ રાયલમભાઇ જાખેલીયા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી મનહરપુર-૧ ગામના સંજય રાજુભાઇ જાખેલીયા વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે. રવિ જાખેલીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે અને પરિવાર સાથે રહે છે. તેણે જણાવ્‍યું છે કે હું ઇશ્વરીયા પાર્ક સામે આવેલી લાલાભાઇ ડોડીયાની વાડીએ ત્રણેક વર્ષથી ખેતી કામ કરી ગુજરાન ચલાવુ છું. બુધવારે પાંચમીએ બપોરે હું લાલાભાઇની વાડીએથી  મોટરસાઇકલ હંકારી માધાપર જમવા જવા માટે નીકળ્‍યો હતો. આ વખતે માધાપરવાળા રોડ પર ડાર્ક ગ્રે જેવા કલરની કાર લઇને જામનગર રોડ મનહરપુર-૧નો સંજય જાખેલીયા આવતો હતો.

 સંજયએ મને બૂમ પાડી બોલાવતાં મેં મોટરસાઇકલ ઉભુ રાખતાં સંજયએ-હું તને ઘણા દિવસથી શોધુ જ છું, આજે આપણે અગાઉની માથાકટુનો નિવેડો લાવી દેવો છે, આજે તો તારુ પુરૂ કરી નાખવું છે તેમ કહેતાં મેં તેને હું માથાકુટ કરવા નવરો નથી, મારે તારી સાથે કોઇ લપ કરવી નથી તેમ કહી હું ત્‍યાંથી રવાના થઇ ગયો હતો. બાદમાં એઇમ્‍સ હોસ્‍પિટલવાળા રોડ પર સર્કલ પાસે પહોંચતાં ત્‍યાં મારો મિત્ર મનસુખ ઉભો હોઇ તેણે મને માધાપર ગેઇટ સુધી લઇજવા કહેતાં મેં તેને મારા મોટરસાઇકલમાં બેસાડી લીધો હતો.

અમે બંને સર્કલ ક્રોસ કરી માધાપર તરફ જવા નીકળતાં થોડે આગળ પહોંચા સંજય કાર લઇને ઉભો હતો. તેણે અમને જોતાં જ ફુલ સ્‍પીડથી કાર હંકારી અમારી પાછળ આવી મારા મોટરસાઇકલને પાછળથી ઠોકર મારી મને અને મિત્ર મનસુખને મોટરસાઇકલ સહિત ઉલાળીને પછાડી દીધા હતાં. અમે બંને રોડ પર ઢસડાઇને પડી ગયા હતાં. આ પછી સંજય તેની કાર લઇ જતો રહ્યો હતો. મને વધારે લાગી ગયું હોઇ મિત્ર મનસુખને સામાન્‍ય ઇજા થઇ હોઇ કોઇ રાહદારીની મદદલઇ મનસુખે મને એઇમ્‍સ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. માથામાં, હાથમાં, પડખામાં તથા જમાણા પગે ઇજા થઇ હતી. જમણી બાજુ પાંસળીમાં ફ્રેકચર થયાનો રિપોર્ટ આવ્‍યો હતો.

સંજય સાથે મારે ત્રણ મહિના અગાઉ ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી હું અને મારો મિત્ર મોટરસાઇકલ પર જતાં હતાં ત્‍યારે મને મારી નાખવાના ઇરાદે તેણે કાર પુરઝડપે ચલાવી પાછળથી ભટકાડી અમને બંનેને ઉલાળી દઇ ઇજાઓ પહોંચાડી હતી અને ભાગી ગયો હતો. તેમ વધુમાં રવિએ કહેતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ દિલીપસિંહ જે. જાદવે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે. 

 

(2:41 PM IST)