તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
મનપાની બે લીફટ બંધઃ ઉહાપોહ
મેઇન્ટેન્સ કોન્ટ્રાકટ પુર્ણઃ નવી કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયામાં

રાજકોટ તા.૬:મ્યુનિ. કોર્પોરેશનની કચેરી ખાતે દરરોજ હજારો અરજદારો આવતા હોય છે જે પૈકી અમુક દિવ્યાંગ હોવાથી તેમની સુવીધા માટે કચેરી ખાતે બે લીફટ મુકવામાં આવી છે. તેવી જ રીતે આ લીફટનો ઉપયોગ અન્ય અરજદારો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ કરી રહ્યા છે.
દરરોજ લીફટની ખાસ જરુરીયાત હોવા છતાં અધિકારીઓ સમયસર મેઈન્ટેનન્સનું ટેન્ડર કરવાનું ભુલી જતાં આજે સવારથી બન્ને લીફટ બંધ હોવાથી અરજદારોમાં દેકારો બોલી ગયો હતો જેની સામે સમયસર ટેન્ડર ન થતા વૃધ્ધ અરજદારો હાંફતા હાફતા પગથીયા ચડતા જોવા મળ્યા હતાં.
મનપાની કચેરી ખાતે અરજદારોને બન્ને લીફટ છેલ્લા થોડા સમયથી હિસાબ વિભાગન અને ટેકસ વિભાગના પોટલાઓ નીચે ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. નિયમ કરતા વધુ વજન ભરવાના કારણે લીફટ અનેકવખત બંધ થઈ જવાની ઘટના બનેલ તેમાં મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ પુર્ણ થઈ જતાં અને લીફટમાં ટેકનીકલ સહિતના ફોલ્ટ પોટલાઓને કારણે સર્જાતા આજે બન્ને લીફટ કચેરી ખુલતા જ બંધ જોવા મળી હતી. આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે મેઈનટેનન્સનો કોન્ટ્રાકટ દર વર્ષે મુદત પુર્ણ થાય તે પહેલા આપી દેવામાં આવતો હોય છે. તેવી જ રીતે ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરાય છે. પરંતુ આ વખતે રોજીંદી જરૂરીયાત માટેની લીફટના મેઈનટેન્સનું ટેન્ડર કરવાનું અધિકારીઓ ભુલી જતાં અરજદારો પરેશાન થઈ ઉઠ્યા હતાં.
લીફટ બંધ હોવાથી પગથીયા ચડતા અમુક આખા બોલા અરજદારોએ જણાવેલ કે સત્તાધારી પક્ષ પોતાની જવાબદારીના બદલે પક્ષના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયેલ છે. જેની સામે અનેક વિભાગો હાલમાં ઈન્ચાર્જ અધિકારી હેઠળ ચાલતા હોવાથી કામનું ભારણ વધી જતાં લીફટનું ટેન્ડર કરવાનું ભુલી ગયા હોય તેમ લાગી રહ્યું છે.
(4:12 PM IST)










