<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

મનપાનાં પદાધિકારીઓ-અધિકારીઓ મિટીંગમાં વ્‍યસ્‍તઃ અરજદારો ત્રસ્‍ત

તુષાર સુમેરા, નયનાબેન, નરેન્‍દ્રસિંહ, જયમીન ઠાકર તથા ડો. વકાણી જન્‍મ-મરણ વિભાગમાં કોકદિ' ભુલા પડો..! : ૪પ-૪પ દિવસથી મરણના દાખલા માટે ધરમના ધકકાઃ કર્મચારીઓનું તોછડુ વર્તનઃ શાસકોને હવે હરિરસ ખાટો..?

જન્‍મ-મરણના દાખલા માટે ‘દાખલારૂપ' કામગીરી કયારે ? પદાધિકારીઓ-અધિકારીઓ કચેરીમાં જડતા નથી! : શહેરમાં દરરોજ જન્‍મ-મરણના દાખલા માટે લોકોને મનપાના ધકકા ખાવા પડી રહયા છે. છેલ્લા ઘણાં દિવસથી શહેરીજનો પારાવાર મુશ્‍કેલીની સાથે સમય પણ વેડફાય થઇ રહયો છે. ઉપરોકત તસ્‍વીરમાં મેયર-સ્‍ટે. ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ કોર્પોરેશનના અધિકારીઓની ચેમ્‍બરો ખાલીખમ દર્શાય છે. તેમજ જન્‍મ-મરણ વિભાગના દાખલા માટે પોતાના વારાની રાહમાં મોટી સંખ્‍યામાં અરજદારો દર્શાય છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૬: મ્‍યુ.કોર્પોરેશનના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન-પરેશાન થઇ રહયા છે ત્‍યારે અધિકારી-પદાધિકારી મિટીંગમાં વ્‍યસ્‍ત જોવા મળી રહયા છે.

મહાનગરપાલિકાના જન્‍મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્‍ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે તંત્રએ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી એક સાથે શરૂૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આજે મરણના દાખલા માટે ફાયર વિભાગની ચીઠઠી માંગતાં અરજદારો દોડતા થઈ ગયા છે. આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્યા છે. છતાં પદાધિકારીઓએ એક પણ વખત આ મુદ્દે જન્‍મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્‍ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્‍મ-મરણ વિભાગનો સ્‍ટાફ બની રહ્યો છે.

મનપાના જન્‍મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્‍ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતા લાચાર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.

મહાનગરપાલિકાના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્‍ય કારણ કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી ૨૦૨૦ પછીની એન્‍ટ્રી થઇ શકતી હોય ૨૦૨૦ પહેલાના તમામ ડેટાઓ રાજ્‍ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્‍ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્‍દ્ર સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૫ પછીના તથા રાજ્‍ય સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૦ પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે.

જન્‍મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્‍યારબાદ રાજ્‍ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્‍ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્‍યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્‍યારે કેન્‍દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્‍મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્‍યા હતા. તા.૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ ૨૦૨૦ પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્‍મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં છ માસથી જન્‍મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્‍ય સરકારે શરૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્‍યુ છે. પરંતુ બહાર ગામના અરજદારોની મુશ્‍કેલીઓ ધ્‍યાનમાં લઇ માનવતાના ધોરણે સ્‍ટાફ દ્વારા ત્રણેય પોર્ટલની કામગીરી કરવામાં આવી રહી છે.

(3:19 PM IST)