News of Friday, 7th November 2025
મનપામાં રાષ્ટ્રગીત વંદે માતરમની ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વકતવ્ય તેમજ સમુહગાન
સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સ્વદેશીના શપથ લેતા પદાધિકારીઓ- અધિકારીઓ

રાજકોટ તા.૭: ભારતના રાષ્ટ્રગીત ‘‘વંદે માતરમ'ની પ્રસિદ્ધ થયા તા.૦૭મી નવેમ્બરની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ગીત ‘‘વંદે માતરમ ૧૫૦'' ઉજવણીના ભાગરૂપે આજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વક્તવ્ય તેમજ ‘‘વંદે માતરમ'' ‘‘રાષ્ટ્ર ગીત''નું સમુહ ગાન કાર્યક્રમ યોજવામાં આવેલ તથા સ્વદેશી શપથ લેવામાં આવેલ.
આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, ‘‘સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્ શસ્યશ્યામલામ્ માતરમ્ વંદે માતરમ''... આ માત્ર શબ્દો નથી, પણ ભારતીયતાનો આત્મા છે. આજે આપણે એ જ અમર રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ''ની રચનાના ૧૫૦મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આ ગીત માત્ર એક ગીત નથી, પરંતુ તે આપણી માતળભૂમિ પ્રત્યેના પ્રેમ, ભક્તિ અને સમર્પણનો પવિત્ર મંત્ર છે.
વંદે માતરમની રચના મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઈ.સ. ૧૮૭૫માં કરી હતી અને તેને તેમની પ્રખ્યાત નવલકથા ‘‘આનંદ મઠ'' (ઈ.સ. ૧૮૮૨)માં સ્થાન આપ્યું હતું. આ ગીત એવા સમયે રચાયુ હતુ, જ્યારે ભારત ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. તે સમયના લોકોને રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રગટાવવા માટે એક શક્તિશાળી પ્રેરણાષાોતની જરૂર હતી. બંગ-ભંગ આંદોલન (૧૯૦૫) દરમિયાન ‘‘વંદે માતરમ'' એક રાષ્ટ્રીય સૂત્ર બની ગયું. બ્રિટિશ હકુમત સામે લડતા દરેક ક્રાંતિકારીની જીભ પર આ જ મંત્ર હતો.
ખુદીરામ બોઝ હોય કે પછી બીજા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ, ફાંસીના માંચડે પણ તેમનો છેલ્લો પોકાર ‘‘વંદે માતરમ'' જ હતો. આ ગીતે લાખો લોકોને બલિદાન આપવાની પ્રેરણા આપી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે વર્ષ ૧૯૫૦માં ‘‘વંદે માતરમ''ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો. ‘‘વંદે માતરમ''માં ભારતની ધરતીને માત્ર ભૂમિ નહીં, પણ માતા તરીકે પૂજવામાં આવી છે.આ ગીતમાં ભારત માતાનું સ્વરૂપ ચીતરવામા આવ્યુ છે.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તથા અધિકારી-કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
(3:04 PM IST)










