News of Saturday, 8th November 2025
રાજકોટમાં સવારે ઠંડીના ચમકારાઃ ૧૬.૪ ડીગ્રી
સ્વેટર, જાકીટ, ધાબળા કાઢી રાખજો...ઠંડી આવી રહી છે

રાજકોટઃ આ વખતે દિવાળી બાદ કમોસમી વરસાદે માઝા મુકી હતી. ખેતરોમાં પાકનો સોથ વળી ગયો હતો. હવે વાતાવરણ ચોખ્ખુ થયું છે. પહાડી પ્રદેશોમાં બરફવર્ષાના પગલે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતા અઠવાડીયે સૌરાષ્ટ્ર-ગુજરાતમા ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. હાલ સવારનું લઘુતમ તાપમાન જે પ્રર્વતે છે તેમાં ઘટાડો જોવા મળી શકે છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી નોંધાયેલ છે. ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની ગતિ ૬ કિ.મી.ની છે. આમ, વહેલી સવારે ઠંડીના ચમકારાનો અનુવ થઈ રહ્યો છે. ગત ગુરૂવારે લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રી તો ગઈકાલે ૧૮.૫ ડીગ્રી તાપમાન નોંધાયેલ.
આમ, વ્હેલી સવારે અને મોડીરાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. શિયાળાની સિઝનની પ્રથમ ઠંડીનો તીવ્ર ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો જોવા મળશે.
સામાન્યત નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. ડીસેમ્બરના પાછલા દિવસોમાં અને જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં પારો સિંગલ ડીજીટમાં જોવા મળતો હોય છે.
(11:37 AM IST)










