તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
વ્યાજખોરોનો આતંકઃ ૧ કરોડ સામે ૧૦ કરોડ માંગતા વિશાલે ઘર છોડયું: તેના તલાટી ભાઇ દિલીપભાઇ વિરડાની હત્યાનો પ્રયાસ
ગાંધીગ્રામ શાષાીનગરમાં રહેતાં વિશાલે પોતાની જ સોસાયટીના વિજય મકવાણા, ભાવેશ મકવાણા પાસેથી નાણા લઇ ૫૫ લાખ ચુકવી દીધા હતાં: હજુ પણ આ લોકો ૨.૩૯ કરોડ માંગી ૪૦ ટકા વ્યાજ લગાવી કુલ દસ કરોડ માંગી સતત ધમકાવતાં હોવાનો આરોપ યુનિવર્સિટી પોલીસે વિશાલભાઇના પિતા વિનુભાઇ વિરડાની ફરિયાદ પરથી શાષાીનગરના વિજય મકવાણા, ભાવેશ મકવાણા સામે ગુનો નોંધ્યોઃ મેટોડા પોલીસે કાલાવડના તલાટી દિલીપભાઇ વિરડાની ફરિયાદ પરથી વિજય મકવાણા અને તેણે હુમલો કરવા મોકલેલા ૩ માણસો સામે ફરિયાદ દાખલ કરી તલાટી કાલાવડથી રાજકોટ આવતાં હતાં ત્યારે વડવાજડી પાસે અજાણ્યાઓએ કાર આંતરી તોડફોડ કરીઃ તારો ભાઇ વિશાલ ક્યાં છે, વિજયભાઇના પૈસા કેમ નથી દેતો? વિજયભાઇએ આજે તને પતાવી દેવાનું કહ્યું છે-તેમ કહી ધોકાવાળી કરીઃ સાથેના રેવન્યુ તલાટી વિપલુભાઇ કાલરીયાને પણ ઇજા વ્યાજની ઉઘરાણી મામલે ત્રણ માણસો મોકલી વિજય મકવાણાએ હુમલો કરાવતાં ગંભીર ઇજા પામનારા કાલાવડના તલાટી દિલીપભાઇ વિનુભાઇ વિરડા સારવાર હેઠળ છે

રાજકોટ તા. ૮: વ્યાજખોરીનો એક ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. ગાંધીગ્રામ શાષાીનગરમાં રહેતાં વિશાલભાઇ વિરડા નામના યુવાને પોતાની સોસાયટીના વિજય અને ભાવેશ મકવાણા પાસેથી ૧ કરોડ વ્યાજે લઇ ૫૫ લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ ૧૦ કરોડની માંગણી કી હેરાન કરાતો હોઇ તે ગભરાઇને ઘર છોડી ગાયબ થઇ ગયો છે. બીજી તરફ વિશાલભાઇના મોટાભાઇ દિલીપભાઇ વિરડા કે જે કાલાવડના તલાટી મંત્રી છે તેને પણ વિજય મકવાણાએ માણસો મોકલી કાલાવડ રોડના વાજડી ગામના ગેઇટ પાસે કાર આંતરી કારમાં તોડફોડ કરાવી ધોકાથી હુમલો કરાવતાં તલાટી દિલીપભાઇના હાથ-પગ ભાંગી ગયા છે. યુનિવર્સિટી અને મેટોડા પોલીસે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શાષાીનગર-૫માં રહેતાં અને સ્લેબ ભરવાનું મજુરી કામ કરતાં વિનુભાઇ મેપાભાઇ વીરડા (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી તેમનીજ સોસાયટીમાં રહેતાં વિજય મકવાણા અને વિજય મકવાણા સામે ગુનો નોંધ્યો છે. ૧ કરોડ વ્યાજે લીધા તેની સામે ૫૫ લાખ વ્યાજ ભર્યુ છતાં હવે ૧૦ કરોડ માંગવામાં આવતાં હોઇ આવી વ્યાજખોરીથી કંટાળીને વિનુભાઇનો નાનો દિકરો વિશાલભાઇ ઘર છોડી જવા મજબૂર થયો છે, તેને પરિવારજનો શોધી રહ્યા છે અન ેપોલીસમાં પણ જાણ કરી છે. તો બીજી તરફ વિનુભાઇના મોટા દિકરા દિલીપભાઇ ઉપર બે દિવસ પહેલા વિજય મકવાણા સહિત ચાર જણાએ કાલાવડ રોડ વડવાજડી રોડ પર વાજડી ગામના ગેઇટ પાસે હુમલો કેમ મારા ભાઇના પૈસા દેતો નથી કહી ધોકાથી બેફામ માર મારતાં હાથ-પગ ભાંગી ગયા છે.
વિનુભાઇ મેપાભાઈ વિરડા (ઉ.વ. ૬૦)એ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના નાના પુત્ર વિશાલભાઈએ તેમની જ સોસાયટીમાં રહેતા વિજય મકવાણા અને ભાવેશ મકવાણા પાસેથી આશરે રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ) જેટલી રકમ વ્યાજે લીધી હતી. આ બંન્ને આરોપીઓ રામાપીર ચોકડી ખાતે ‘જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામની ઓફિસ ચલાવે છે. વિશાલભાઈએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ઘર છોડી દીધું હતું અને એક ચીઠ્ઠી મૂકી હતી. આ ચીઠ્ઠી તા. ૦૬/૧૧/૨૦૨૫ના રોજ પરિવારને મળી હતી, જેમાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. ચીઠ્ઠી મુજબ, વિશાલે વ્યાજ પેટે રૂપિયા ૫૫,૦૦,૦૦૦ (પંચાવન લાખ) જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓ ૪૦ ટકા લેખે અધધ વ્યાજના દરનો આગ્રહ રાખીને હજુ પણ વ્યાજના રૂપિયા ૨,૩૯,૦૦,૦૦૦/- (બે કરોડ ઓગણચાલીસ લાખ)ની માંગણી કરી રહ્યા છે.
આ ઉપરાંત મુળ રકમ અને વ્યાજ સહિત આરોપીઓ વિશાલભાઈ પાસે કુલ અંદાજે રૂપિયા ૧૦,૦૦,૦૦,૦૦૦ (દસ કરોડ) જેટલી તોતિંગ રકમની માગણી કરી રહ્યા હતા. વિશાલભાઈએ ચીઠ્ઠીમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘર છોડી રહ્યા છે અને જો તેઓ પોતાનું બધું વેચી નાખે તો પણ આટલી રકમ ચૂકવી શકે તેમ નથી.
આરોપી વિજય મકવાણા ફરિયાદી વિનુભાઈના ઘરે આવીને સીધી ઉઘરાણી કરતો હતો અને જો તેમનો દીકરો વ્યાજ સહિતના પૈસા નહીં આપે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે તેનો ભાઈ ભાવેશ મકવાણા ફરિયાદીના મોટા પુત્ર દિલીપભાઈને ફોન કરીને પૈસા માટે દબાણ કરતો હતો. અંતે કંટાળીને વિનુભાઇ વિરડાએ બે કરોડ ઓગણચાલીસ લાખની વ્યાજની રકમની માંગણી કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિજય મકવાણા તથા ભાવેશ મકવાણા વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ વી. ડી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી એક ફરિયાદ મેટોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. જેમાં વિનુભાઇ વિરડાના મોટા દિકરા દિલીપભાઇ વિનુભાઇ વિરડા (ઉ.વ.૩૬) ઉપર કાલાવડ રોડના વાજડી પાસે ત્રણ અજાણ્યાએ કારને આંતરી કાચમાં તોડફોડ કરી તારો ભાઇ વિશાલ ક્યાં છે? વિજયભાઇના પૈસા કેમ દેથો નથી, વિજયભાઇએ કીધુ છે આજે તો તને પતાવી જ દેવાનો છે...તેમ કહી ધોકાથી બેફામ માર મારતાં દિલીપભાઇના હાથ-પગ ભાંગી જતાં સારવાર હેઠળ છે.
આ અંગે મેટોડા પોલીસે હુમલાખોરોને મોકલનારા વિજય નારણભાઇ મકવાણા અને ત્રણ અજાણ્યા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. દિલીપભાઇ વિરડા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે જણાવ્યું છે કે હું પરિવાર સાથે ગાંધીગ્રામ શાષાીનગરમાં રહું છું અને કાલાવડ મામલતદાર કચેરીમાં તલાટી મંત્રી તરીકે નોકરી કરુ છું. હું દરરોજ મારી આઇ-૧૦ કાર જીજે૦૩એનએફ-૦૫૮૫ લઇને રાજકોટથી કાલાવડ અપડાઉન કરતો રહુ છું. રાજકોટના વિપુલભાઇ કાલરીયા જે રેવન્યુ તલાટી હોઇ તે પણ મારી સાથે કારમાં આવ-જા કરે છે. તા. ૬/૯ના સાંજે સવા પાંચ આસપાસ નોકરી પુરી કરી હું અને વિપુલભાઇ કાલરીયા કાર લઇ રાજકોટ આવતા હતાં ત્યારે મેટોડા જીઆઇડીસીથી આગળ વડવાજડી ગામના ગેઇટ નજીક પહોંચતા એક બાઇક મારી કાર આડુ આવી ગયું હતું.
આ દરમિયાન બે અજાણ્યા શખ્સો મારી કાર પાસે આવી ગયા હતાં. બંનના હાથમાં ધોકા હોઇ ડ્રાઇવર સાઇડનો કાચ ધોકા મારી ફોડી નાંખ્યો હતો. બાદમાં આ શખ્સે કહેલુ કે-તારો ભાઇ વિશાલ ક્યાં છે? વિજયભાઇના પૈસા દેતો નથી, જવાબ દેતો નથી. વિજયભાઇએ કીધુ છે આજે તો તને પતાવી જદેવો છે. તેમ કહી મને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. મેં સીટ બેલ્ટ પહેરેલો હોઇ બેલ્ટ ખુલ્યો નહોતો. આ પછી બંને શખ્સે બારીમાંથી ધોકાથી હુમલો કરી મને આડેધડ માથામાં ઘા ફટકારી દીધા હતાં. ત્રીજો શખ્સ પણ ધોકો લઇને આવ્યો હતો અને માર મારવા માંડયો હતો. મારી સાથેના વિપુલભાઇ કાલરીયા વચ્ચે પડતાં તેને પણ હાથમાં ઇજા થઇ હતી.
દકોરો થતાં લોકો ભેગા થઇ જતાં આ શખ્સો ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં મને સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફોન કરતાં મારા પિતા વિનુભાઇ, કાકા બીજલભાઇ સહિતના આવી ગયા હતાં. તબિબે રિપોર્ટ કરતાં મારા ડાબા હાથના બે આંગળાના મુળમાં તથા જમણા હાથના પોંચામાં ફ્રેકચર હોવાનું તેમજ જમણા પગમાં ગોઠણ નીચે ક્રેક થઇ ગયાનો રિપોર્ટ આવ્યો હતો. સારવાર ચાલુ હોઇ ફરિયાદ કરી નહોતી. અમારી જ સોસાયટીમાં રહેતાં વિજય મકવાણા અને ભાવેશ મકવાણા પાસેથી મારા ભાઇ વિશાલે અગાઉ પૈસા લીધા હોઇ હાલ તે પૈસા આપી શકે તેમ ન હોઇ વિજય અવાર-નવાર મારા પિતાને અને મને ફોન કરી હેરાન કરતો હોઇ અને હાલ મારો ભાઇ વિશાલ ઘરે ન હોઇ તે બાબતે ખાર રાખી મને રસ્તામાં આંતરી મારી નાખવાના ઇરાદે વિજય મકવાણાએ ત્રણ માણસો મોકલ્યા હોઇ આ શખ્સોએ મારા પર હુમલો કર્યો હતો અને કારમાં પણ નુકસાન કર્યુ હતું. આ અંગે એએસઆઇ બી. પી. વ્યાસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:53 PM IST)










