News of Saturday, 8th November 2025
રેલનગરમાં કાર પાર્કિંગના વિવાદમાં સમાધાન કરવા ગયેલા રતનપરના સંજય રાઠોડ પર ટોળકીનો હુમલો
અમૃત રેસીડેન્સી-૩માં ભાઇના ઘરે રતનપરથી આવેલા સંજયને ત્રણેક દિવસ પહેલા ભાઇના પડોશી સાથે બોલાચાલી થઇ હતી હુમલાખોર ગોવિંદ ચાવડા, તેના દિકરા જીતુ ચાવડા અને પાંચ અજાણ્યા સામે પ્ર.નગર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યોઃ ગોવિંદની ઓફિસમાંથી દારૂની બે બોટલ મળતાં અલગથી ગુનોઃ ફાયરીંગની વાતે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા ડીસીપી રાકેશ દેસાઇએ કહ્યું-ઘટના સ્થળે તપાસ કરી, ફાયરીંગ થયાના હાલ કોઇ પુરાવા મળી આવ્યા નથી ટોળકીના હુમલામાં ઘાયલ થનાર સંજય રાઠોડ સારવાર હેઠળ નજરે પડે છે

રાજકોટ તા. ૮: શહેરના રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા રતનપર ગામમાં રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા એક વેપારી પર રાત્રે રેલનગર વિસ્તારમાં જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. વાહન ર્પાકિંગ બાબતે થયેલા મનદુઃખના સમાધાન માટે વેપારી આરોપીની ઓફિસે ગયા હતા, જ્યાં ૭ જણાએ મંડળી રચી તેમના પર બેઝબોલના ધોકા અને લાકડીઓ વડે હુમલો કરી મુંઢ ઇજા પહોંચાડી હતી. હુમલાખોર પિતા-પુત્ર પૈકીના પિતાની ઓફિસમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી બે બોટલ દારૂ મળતાં અલગથી ગુનો નોંધાયો હતો.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે હુમલામાં ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા મોરબી રોડ રાજકોટના રતનપર ગામ સાંગાણીનગર મારૂતિ હોસ્ટેલ પાસે રહેતાં અને વાહન લે-વેંચનો ધંધો કરતાં સંજયભાઇ અભયસિંગભાઇ રાઠોડ-બારોટ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી જીતુ ગોવિંદભાઇ ચાવડા, ગોવિંદ ઉગાભાઇ ચાવડા અને પાંચ અજાણ્યા સામે ગેરકાયદે મંડળી રચી ગાળોદઇ મારી નાંખવાની ધમકી દઇ બેઝબોલના ધોકાથી હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદી સંજયભાઈ અભયસિંગભાઈ રાઠોડએ પોલીસ સમક્ષ નોંધાવેલી વિગત મુજબ, આજથી ત્રણ-ચાર દિવસ પહેલા તેમને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા-આહિર અને તેમના પિતા ગોવિંદભાઈ સાથે વાહન ર્પાકિંગ બાબતે બોલાચાલી થઇ હતી, જેનું મનદુઃખ ચાલતું હતું. આ બાબતે સમાધાન કરવા માટે ફરિયાદી શુક્રવારે રાત્રીના આશરે સાડા દશેક વાગ્યે જીતુભાઈની ઓફિસે ગયા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ ઓફિસની બહાર પહોંચ્યા ત્યારે આરોપી જીતુભાઈ ચાવડા અને તેમના પિતા ગોવિંદભાઈ બંને બેઝબોલના ધોકા લઈને ઊભા હતા. તેમની સાથે અન્ય પાંચ અજાણ્યા માણસો પણ હાજર હતા, જેમાંથી ત્રણ પાસે બેઝબોલના ધોકા અને બે પાસે લાકડીઓ હતી.
સંજયભાઈ કંઈ વાત કરે તે પહેલા જીતુભાઈએ તેમને અપશબ્દો કહી ‘તું કોણ છો?' તેમ કહી લાફો મારી દીધો હતો. ત્યારબાદ તમામ સાતેય આરોપીઓએ એકસામટા હુમલો કરી ફરિયાદીને લાકડીઓ અને ધોકા વડે શરીરના વિવિધ ભાગોમાં આડેધડ માર મારવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ‘ઉભો રહે, તને જાનથી મારી નાખવો છે' તેમ કહી ધમકી પણ આપી હતી.
હુમલા દરમિયાન ફરિયાદી સંજયભાઈ જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટયા હતા અને પોતાના ભાઈ પરેશભાઈના રેલનગર સ્થિત ઘરે પહોંચ્યા હતા. આ હુમલામાં તેમને જમણા ખભા, ડાબા ખભા, ડાબા પગના સાથળ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર મુંઢ ઇજાઓ પહોંચી છે. વળી, હુમલાખોરોએ ફરિયાદી પાસે રહેલા બે મોબાઈલ ફોનને પણ નુકશાન પહોંચાડ્યું હતું. બનાવની જાણ થતાં ફરિયાદીના ભાઈ પરેશભાઈએ ૧૦૮ ને ફોન કરીને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
એસીપી રાધીકા ભારાઇ અને પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં ફરિયાદી સંજયભાઈની ફરિયાદના આધારે એએસઆઇ એસ. વી. જોરાએ જીતુ ગોવિંદભાઈ ચાવડા, તેમના પિતા ગોવિંદભાઈ અને પાંચ અજાણ્યા માણસો સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ ગેરકાયદેસર મંડળી રચવા, હુમલો કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા સહિતના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ આ ઘટનામાં ફાયરીંગ થયાની વાત વહેતી થતાં ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ પણ સ્થળ પર અને હોસ્પિટલે પહોંચ્યા હતાં અને તપાસ કરાવી હતી. જો કે ફાયરીંગ થયાના કોઇ પ્રાથમિક પુરાવા સામે આવ્યા નહોતાં. ડીસીપી રાકેશ દેસાઇએ જણાવ્યું હતું કે પાર્કિંગ મામલે સંજયભાઇના ભાઇને ત્રણ ચાર દિવસ પહેલા માથાકુટ થઇ હતી. તેનું સમાધાન કરવા સંજયભાઇ ગયા ત્યારે આ હુમલો થયો હતો. ફાયરીંગની પુષ્ટી થઇ નથી.
બીજી તરફ ડી. સ્ટાફ પીએસઆઇ જે. બી. રાણીંગા, વનરાજભાઇ બોરીચા, તોૈફિકભાઇ જુણાચ, તોૈફિકભાઇ મંધરા સહિતનાએ રેલનગર અમૃત રેસીડેન્સી-૩ ખાતે મારામારી કરનારા ગોવિંદભાઇ ઉગાભાઇ ચાવડાની તેના ઘર નજીક જ ઓફિસ હોઇ તે ખુલ્લી હોઇ અંદર જઇ તપાસ કરતાં કોઇ હાજર મળ્યું નહોતું. ઓફિસમાં તપાસ કરતાં રોયલ સ્ટેગ વ્હીસ્કીની બે બોટલ મળતાં આ અંગે ગોવિ઼દ ચાવડા વિરૂધ્ધ અલગથી ગુનો નોંધ્યો હતો. ભાગી ગયેલા ગોવિંદ અને તેના દિકરા જીતુની શોધખોળ થઇ રહી છે.
હોસ્પિટલના બિછાનેથી સંજયભાઇએ જણાવ્યું હતું કે અઠવાડીયા પહેલા અમે ઘર પાસે કથા બેસાડી હોઇ ત્યારે મારા ભાઇ સાથે ગોવિંદભાઇ અને તેના દિકરાને પાર્કિંગ મામલે બોલાચાલી થઇ હતી. તેના સમાધાનની વાત કરવા હું જતાં મારા પર ટોળકી રચી હુમલો કરાયો હતો. (૧૪.૮)
જસદણના નાની લાખાવડમાં પતિ સાથે ચડભડ થતાં નવોઢાએ ઝેરી દવા પીધી
પત્નિએ ભોજન બનાવી રાખ્યું હતું પરંતુ પતિ બહાર જમીને આવતાં માથાકુટ થતાં માઠુ લાગ્યું
સીમાબેન ખીમસુરીયાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ
રાજકોટ તા. ૮: જસદણના નાની લાખાવડ ગામે રહેતી સીમાબેન રાજેશ ખીમસુરીયા (ઉ.વ.૨૧)એ સાંજે સાડા આઠેક વાગ્યે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં જસદણ, આટકોટ કે. ડી. પરવાડીયામાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. ઝેરી દવા પી લેનારી સીમાબેનના લગ્ન અગીયાર મહિના પહેલા થયા છે. તેણીનો પતિ છુટક કામ કરે છે. સગાએ કહ્યું હતું કે સાંજે સીમાબેને પતિ માટે રસોઇ બનાવી રાખી હતી. પરંતુ પતિ બહાર કામે ગયો હોઇ ત્યાંથી જમીને ઘરે આવતાં આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં તેણી દવા પી ગઇ હતી. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:56 PM IST)










