<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

૧૭ હજારથી વધુ ખાનગી શાળાઓમાંથી ૨૦૦ શ્રેષ્‍ઠ આચાર્યોને એવોર્ડથી સન્‍માનિત કરાશે

ઓલ ઇન્‍ડિયા પ્રાઇવેટ સ્‍કૂલ એસો. દિલ્‍હી, સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત અને ગાર્ડી વિદ્યાપીઠના સંયુકત ઉપક્રમે : એજ્‍યુકેશન એક્‍સલન્‍સ કોન્‍ફ્‌લેવ અંતર્ગત શૈક્ષણિક તજજ્ઞોની ઉપસ્‍થિતીમાં વિચારોનું આદાન-પ્રદાન તથા શિક્ષણ જગતના પ્રશ્‍નો ઉપર વિચારમંથન સત્રોના આયોજન

રાજકોટ, તા.૮: ઓલ ઇન્‍ડિયા પ્રાઇવેટ સ્‍કૂલ એસો. દિલ્‍હી, સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત અને રાજકોટ સ્‍થિત ગાર્ડી વિદ્યાપીઠના સંયુકત ઉપક્રમે શિક્ષણના માધ્‍યમથી સમાજમાં સકારાત્‍મક પરિવર્તન લાવનાર ગુજરાતભરની સત્તર હજારથી વધુ શાળાઓમાંથી પસંદગી પામેલ ૨૦૦ જેટલા આચાર્યોને સન્‍માનિત કરવાનો ભવ્‍ય સમારોહ આગામી ૨૯ના ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટના કાલાવડ રોડ સ્‍થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આયોજીત થવા જઈ રહ્યો છે. જેમાં રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પુરષોત્તમભાઈ રુપાલાને આમંત્રિત કરવામાં આવશે.

ગુજરાત મહામંડળના અધ્‍યક્ષ ભરતભાઇ ગાજીપરા અને પ્રમુખ જતિનભાઇ ભરાડ જણાવે છે કે શ્રેષ્ઠ આચાર્યોને એવોર્ડથી સન્‍માનિત કરવાનો મુખ્‍ય ઉદ્દેશ તેઓના ઉત્‍કળષ્ટ કાર્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાનની સરાહના કરવાનો છે.

શ્રેષ્ઠ આચાર્યની પસંદગી માટેના માપદંડો અંગે માહિતી આપતા રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્‍યક્ષ તેમજ આ પ્રોજેકટના ચેરમેન ડી. વી. મહેતા અને રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડ જણાવે છે કે આ એવોર્ડ માટે ગુજરાત બોર્ડ (ગુજરાતી - અંગ્રેજી માધ્‍યમ), સી.બી.એસ.ઈ. કે અન્‍ય કોઇપણ બોર્ડના આચાર્યોને નિર્ધારીત કરેલા ૧૦ જેટલા માપદંડો પર તેમની પરખ કરી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવશે.

શ્રેષ્ઠ આચાર્ય પુરસ્‍કાર સમારોહ અને એકેડમિક કોન્‍સ્‍લેવ અંગે માહિતી આપતા સૌરાષ્‍ટ્ર ઝોન પ્રમુખ અજયભાઇ પટેલ અને મહામંત્રી મનહરભાઈ રાઠોડ જણાવે છે કે એજ્‍યુકેશન એક્‍સલન્‍સ કોન્‍ફ્‌લેવ અંતર્ગત શૈક્ષણિક જગતના માંધાતાઓની ઉપસ્‍થિતીમાં વિચારોનું આદાન-પ્રદાન તથા શિક્ષણ જગતના પ્રશ્‍નો ઉપર વિચારમંથન સત્રોના પણ આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમના સફળ આયોજન માટે  ભરતભાઇ ગાજીપરા, પ્રમુખ જતિનભાઇ ભરાડ, સૌરાષ્‍ટ્ર ઝોન પ્રમુખ અજયભાઇ પટેલ, રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્‍યક્ષ તેમજ આ એવોર્ડ કાર્યક્રમના ચેરમેન ડી. વી. મહેતા અને પ્રમુખ અવધેશભાઈ કાનગડના માર્ગદર્શનમાં તમામ ઝોનના પ્રમુખો, મંડળના હોદેદારો, કોર કમિટી અને કારોબારી કમિટી ના તમામ સભ્‍યો તેમજ ગુજરાતના તમામ જીલ્લાઓના મંડળના હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(2:22 PM IST)