News of Saturday, 8th November 2025
વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ ટ્રસ્ટમાંથી રાજીનામા અપાયા હોય તો તેની વિગતો જાહેર કરો : કાલે છાત્રાલય ખાતે બેઠક

રાજકોટ તા. ૮ : ગુજરાત વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ રાજકોટના ટ્રસ્ટીઓએ વર્તમાનપત્રોના માધ્યમથી રાજીનામા આપ્યા અંગેની વિગતો જાહેર કરી છે તે સામે જ્ઞાતિ સમાજના આગેવાનોએ આ બાબતે સ્પષ્ટતાની માંગણી ઉઠાવી છે.
માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના આગેવાનોએ સવાલો ઉઠાવતા જણાવ્યુ છે કે ટ્રસ્ટ રજી.નં. એ ૨૨૩૦ અંતર્ગત જો હોદેદારોએ રાજીનામા આપી દીધા હોય તો કોણે કોણે આપ્યા છે અને તે હોદેદારોની નિમણુંક કોણે કરી છે તે નામ જોગ ઉલ્લેખ કરવામાં આવે. કોઇ હોદેદારોએ કોને રાજીનામા સુપ્રત કર્યા તેનો પણ ઉલ્લેખ કરાયો નથી.
ત્યારે આ બધી બાબતોની સ્પષ્ટતા કરવા તા. ૯-૧૧-૨૦૨૫ના રવિવારે સાંજે ૪ કલાકે સીતારામ છાત્રાલય, હરીનગર મેઇન રોડ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવા વિનંતી કરાઇ છે. જે લોકોએ સમાચારપત્રના માધ્યમથી જાહેરાત કરેલ છે તે લોકો સમાજની સભામાં આવીને તમામ હોદેદારોની વિગતો અને વહીવટોની વિગત સમાજ સામે રાખી પારદર્શીતા જાહેર કરે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. જેથી સમાજને સીતારામ છાત્રાલયમાં સારા સંચાલનની જાણ મળી શકે. સમાજના દરેક અગ્રણીઓએ આ મીટીમાં ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીજ્ઞેશભાઇ આત્મારામભાઇ ગોંડલીયા, રમેશભાઇ સરપદડીયા અને યશભાઇ ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:24 PM IST)










