તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ભાજપના દીર્ઘદ્રષ્ટા, દિગ્ગજ અને વરિષ્ઠ રાજપુરૂષ લાલકૃષ્ણ અડવાણીજીનો ૯૮મો જન્મદિવસ
અડવાણીજીના રાષ્ટ્રસેવાના વારસાને નરેન્દ્રભાઈ યશસ્વિતાથી આગળ ધપાવી રહ્યા છે : રાજુભાઇ ધ્રુવ : સોમનાથ-અયોધ્યા યાત્રાના સર્જક અડવાણીજીના યોગદાન વિના ભાજપની કલ્પના અશક્ય

રાજકોટ : ભારતીય જનતા પક્ષના પાયાના પથ્થર, વરિષ્ઠ રાજપુરુષ અને દેશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના ૯૮મા જન્મદિવસ (જન્મઃ ૮ નવેમ્બર ૧૯૨૭) નિમિત્તે, શ્રી રાજુભાઇ ધ્રુવે તેમને કોટી કોટી વંદન પાઠવ્યા છે. શ્રી ધ્રુવે જણાવ્યું કે, ભાજપની કલ્પના શ્રી લાલકૃષ્ણ અડવાણીજી વગર કરી જ ન શકાય. પક્ષનો પાયો નાખવામાં આ વરિષ્ઠતમ રાજપુરુષનું સર્વશ્રેષ્ઠ અને પાયાનું યોગદાન રહ્યું છે.
રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું હતું કે, ભારતીય રાજનીતિમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ પરિવર્તન લાવનાર સોમનાથ-અયોધ્યા યાત્રાના સર્જક અને સ્વપ્નદ્રષ્ટા શ્રી અડવાણીજી છે. તેમના આ રાષ્ટ્રસેવાના વારસાને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણ યશસ્વિતા અને સફળતા સાથે આગળ વધારી રહ્યા છે.
૧૯૨૭માં અખંડ ભારતના કરાચીમાં જન્મેલા શ્રી અડવાણીજી, ૧૯૪૭માં ભાગલા બાદ પરિવારે મુંબઈ સ્થળાંતર કર્યું. ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે તેમની જાહેર જીવનની શરૂઆત થઈ. ૧૯૫૧માં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને જનસંઘની સ્થાપનામાં સક્રિય ભૂમિકા ભજવી.
રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે, ૧૯૮૦માં મુંબઈ ખાતે ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ અને શ્રી અટલબિહારી વાજપેયીજી પ્રથમ અધ્યક્ષ બન્યા, ત્યારબાદ શ્રી અડવાણીજીએ પક્ષનું સુકાન સંભાળ્યું.
તેમણે શ્રી અડવાણીજીના નેતૃત્વને શ્રેય આપતા કહ્યું કે, ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં માત્ર ૨ બેઠકો મેળવનાર ભાજપને, શ્રી અડવાણીજીના સંગઠન કૌશલ્ય, દીર્ઘદ્રષ્ટિ અને રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન જેવા ઐતિહાસિક નિર્ણયોએ પ્રચંડ બહુમતી સુધી પહોંચાડી. સોમનાથથી અયોધ્યા સુધીની તેમની રથયાત્રાએ દેશની રાજનીતિને નવી દિશા આપી અને સંપૂર્ણ રાષ્ટ્રવાદી વિચારધારાવાળી કેન્દ્ર સરકારનો પાયો નાખ્યો.
શ્રી અડવાણીજીએ તેમની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઈફ' (મેરા દેશ, મેરા જીવન) માં સોમનાથ પ્રત્યેના લગાવનો ઉલ્લેખ કર્યો છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા 'જય સોમનાથ'ની તેમના પર ઊંડી અસર હતી, જેણે રથયાત્રાની પ્રેરણા સોમનાથથી શરૂ કરવાની ભૂમિકા ભજવી.
અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે, શ્રી અડવાણીજી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રવાદી વિચારધારાની આ ઝુંબેશ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ સાથે દેશને શક્તિશાળી બનાવી રહી છે. આવા મહાન સપૂતને તેમના જન્મદિવસે અભિનંદન સહ વંદન
(3:56 PM IST)










