તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
બીએમડબલ્યુ કારની ઠોકરે ટુવ્હીલરનો બૂકડો : મારવાડી કોલેજના છાત્ર અભિષેક નાથાણીનું મોત
કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક રાતે બે વાગ્યે જીવલેણ અકસ્માત : કોઠારીયા રોડ નંદા હોલ પાસે રહેતો વીસ વર્ષનો યુવાન રાતે ઘરે જતો હતો ત્યારે બનાવઃ પિતા-ભાઇને બાલાજી સ્ટીલ ફર્નિચર નામે કારખાનુઃ યુવાન-આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંતઃ તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો

મૃત્યુ પામનાર અભિષેક દેવેન્દ્રભાઇ નાથાણી : બીએમડબલ્યુ કાર બંબાટ સ્પીડથી આવી અને અભિષેક ટુવ્હીલર સાથે ફંગાળોયોઃ સીસીટીવી ફુટેજ વહેતા થયા : કાલાવડ રોડ પર રાતે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં અભિષેક નાથાણી ટુવ્હીલર હંકારીને ટર્ન લેતો હોય છે ત્યારે બીએમડબલ્યુ કાર બંબાટ સ્પીડથી આવે છે અને પળવારમાં અભિષેકને ટુવ્હીલર સાથે ઉલાળી દે છે તેના સીસીટીવી ફૂટેજે વહેતા થયા છે. જે અહિ જોઇ શકાય છે.

ઘટના સ્થળે અકસ્માત સર્જનાર બીએમડબલ્યુ કાર, તેમાં થયેલી નુકસાની, તેની ઠોકરે ચડતાં બૂકડો બોલી ગયેલુ ટુવ્હીલર, ઘટના સ્થળે છાત્રનો નિષ્પ્રાણ દેહ અને કાર્યવાહી કરતી પોલીસ અને એકઠા થયેલા લોકો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૦: શહેરમાં જીવલેણ અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. બેફામ ઝડપે વાહનો હંકારનારા અવાર-નવાર જોખમી બની જાય છે. મોડી રાતેબે વાગ્યા આસપાસ ં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્ટીલ ફર્નિચર કારખાનાના માલિકના મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં ૨૦ વર્ષીય પુત્રનું ટુવ્હીલર સહિત બીએમડબલ્યુ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. અકસ્માત સર્જી કાર મુકી ચાલક નીકળી ગયો હતો. કારમાં પણ આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રાત્રીના બે વાગ્યા આસપાસ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ નજીક માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ નજીક બેફામ ગતિએ આવતી એક બીએમડબલ્યુ નં. જીજે૦૩એનબી-૭૩૦૧ના ચાલકે ટુવ્હીલર નં. જીજે૦૩પીઇ-૯૮૧૨ને ઉલાળી દેતાં ટુવ્હીલર ઉલળી ગયું હતું અને તેના ચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા થતાં મૃત્યુ થઇ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો અને ટુવ્હીલરનો પણ બૂકડો બોલી ગયો હતો.
અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. કાર અંદર દારૂનું બ્લુ રંગનું ચપલુ હોવાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. બનાવની જાણ થતાં ૧૦૮ની ટીમ પહોંચી હતી. તેના તબિબે ટુવ્હીલર ચાલકને મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં હેડકોન્સ. કિશનભાઇ અજાગીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. બનાવની જાણ થતાં મૃતક યુવાનના સગા પરિવારજનો પહોંચી ગયા હતાં. આ યુવાનની ઓળખ થઇ હતી. મૃત્યુ પામનાર યુવાનનું નામ અભિષેક દેવેન્દ્રભાઇ નાથાણી (ઉ.વ.૨૦) હોવાનું ખુલ્યું હતું.
પોલીસે મૃત્યુ પામનાર અભિષેકના મોટા ભાઇ કેવલભાઇ દેવેન્દ્રભાઇ નાથાણી (ઉ.વ.૨૬-રહે. સાઇકૃપા મકાન, અર્જુન પાર્ક સોસાયટી, કોઠારીયા રોડ નંદા હોલ પાસે)ની ફરિયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે રાતે બે વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી. કેવલભાઇએ કહ્યું હતું કે તેમને તેમના ભાઈ અભિષેકના મિત્ર હિરેન રાઠોડનો ફોન આવ્યો હતો કે અભિષેકનો ક્રિસ્ટલ મોલ નજીક અકસ્માત થયો છે. આથી કેવલભાઈ તાત્કાલિક તેમના અન્ય ભાઈ ધ્રુવને સાથે લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જોયું કે તેમનો ભાઈ અભિષેક રોડ પર સૂતેલો હતો અને ૧૦૮ની ટીમ પણ હાજર હતી.
ઘટનાસ્થળે રોડની સાઇડમાં અભિષેકનું એક્સિસ સ્કૂટર ભયંકર રીતે અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલું હતું. રોડની વચ્ચોવચ ઊભેલી બીએમડબલ્યુ કાર નં. જીજે૦૩એનપી ૭૩૦૧ના આગળના ભાગે બોનેટ અને બમ્પરને પણ ભારે નુકસાન થયું હતું. કેવલભાઇ નાથાણીએ ફરિયાદમાંજણાવ્યું છે કે બીએમડબલ્યુ કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, અભિષેકના સ્કૂટરને ટક્કર મારી તેને ઉડાડી દીધો હતો, જેના કારણે અભિષેકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ૧૦૮ના ઇએમટી સૌરભભાઈ દ્વારા અભિષેકને મળત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસે ફરિયાદના આધારે બેફામ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને માનવ વધ કરવાનો ગુનો નોંધી બીએમડબલ્યુ કારના ચાલકને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. મૃત્યુ પામનાર અભિષેકના પિતા-ભાઇને કોઠારીયા રોડ પર બાલાજી નામે સ્ટીલ ફર્નિચરનું કારખાનુ છે. તે બે ભાઇમાં નાનો હતો અને મારવાડી કોલેજમાં એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. રવિવારની રજા હોઇ બહાર ગયો હતો અને રાતે ઘરે પરત જતી વખતે કાળ ભેટી ગયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી નાથાણી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૮)
(3:00 PM IST)










