તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક સિગ્નલ પર કારની ઠોકરે વિદ્યાર્થીની ધ્રુવી કોટેચાનું મોત, માતાને ગંભીર ઇજા
અકસ્માત સર્જનાર હોન્ડા સિટી કાર એક મહિલા ચલાવી રહી હતી : એસ.એન. કણસાગરા સ્કૂલમાં ધોરણ-૮માં ભણતી ૧૫ વર્ષની ધ્રુવી માતા-પિતાની એકની એક દિકરી હતીઃ જગદીશ મંડપ સર્વિસ પરિવારના માતા-પુત્રીને શુક્વારે અકસ્માત નડયો હતોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: શહરેના યુનિવર્સિટી રોડ પર એસ.એન.કે. સ્કૂલથી થોડે જ દૂર એચપી પેટ્રોલ પંપ નજીક શાંતિ હોસ્પિટલ પાસેના ટ્રાફિક સિગ્નલ પાસે ટુવ્હીરલ સાથે ઉભેલા માતા-પુત્રીને વાહન સહિત મહિલા કારચાલકે ઠોકરે ચડાવતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. પ્રતિષ્ઠીત જગદીશ મંડપ સર્વિસના સંચાલકના પત્નિ અને પુત્રી એવા મા-દિકરીને સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં દિકરીનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ પ્રહલાદ પ્લોટમાં આવેલા જગદીશ મંડપ સર્વિસના સંચાલક દેવાંગભાઈ કોટેચાના પત્નિ દર્શનાબેન કોટેચા (ઉ.વ.૪૫) અને પુત્રી (ઉ.વ.૧૫) કે જે એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને તેડવા માટે ગયા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. દર્શનાબેન ધ્રુવીને સ્કૂટરમાં બેસાડીને સ્કૂલથી થોડે દૂર આવેલા એચે.પી.પેટ્રોલ પંપ આવેલા સિગ્નલ પર સ્કૂટર ધીમુ પાડયું તે વખતે જ પાછળથી આવેલી હોન્ડા સીટી કારની ઠોકરે ચડી જતાં મા-દિકરી બંને દૂર સુધી ફેંકાઇ ગયા હતાં.અકસ્માત બાદ દર્શનાબેન અને ધ્રુવીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્શનાબેનને પાંચ ફ્રેક્ચર અને ધ્રુવીને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. સારવાર દરમિયાન રવિવારે ધ્રુવીનું મોત થતાં કોટેચા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત જે કારથી સર્જાયો એ કાર એક મહિલા ચલાવતી હતી. મૃતક ધ્રુવી દરરોજ સ્કૂલે સ્કૂલવાનમાં જતી હતી પરંતુ શુક્રવારે પરિવારને એક પ્રસંગમાં જવાનું હોવાથી ધ્રુવીના માતા દર્શનાબેન તેને સ્કૂટર લઈને તેડવા માટે ગયા હતાં ત્યારે જ આ બનાવ બન્યો હતો.
અકસ્માત સર્જાયો એ દિવસે જ યુનિવર્સિટી પોલીસે દર્શનાબેન દેવાંગભાઇ કોટેચાની ફરિયાદ પરથી કાર નં. જીજે૦૩જેઆર-૧૪૫૯ની ચાલક મહિલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં વધુ તપાસ એચ. જે. જોગડા ચલાવી રહ્યા છે. (૧૪.૯)
(2:40 PM IST)










