તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
ખેડૂતોની વ્યથા સરકારની સહાય માત્ર બે થેલી . : જુઓ વિડિયો

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે સોમનાથથી શરૂ કરાયેલી કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ટ્રેક્ટર રેલી સ્વરૂપે આગળ વધી રહી છે અને આ યાત્રા રાજકોટમા આજે આવી પહોચી હતી અને બેડી ચોકડી,માધાપર ચોકડી,કેકેવી હોલ સહિત અનેક જગ્યાએ આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનને ૧૦ હજાર કરોડની સહાય જાહેર કરી છે, પરંતુ આ સહાય ખેડૂતો માટે મજાક સમાન હોવાનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે.
ખેડૂતોની વાસ્તવિક વ્યથા ‘‘સરકારની સહાય માત્ર બે થેલી ખાતર જેટલી'' : યાત્રાના રૂટમાં આવતા ગામડાઓમાં કોંગ્રેસના આગેવાનો ખેતરોમાં જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે.ખેડૂતોની વેદના સાંભળતાં જણાય છે કે સરકારે જાહેર કરેલી સહાય અસમાન અને અપૂરી છે.
ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે અમારે વીઘા દીઠ રૂા.૧૫,૦૦૦ જેટલો ખર્ચ થતો હોવા છતાં સરકારે માત્ર રૂા.૩,૦૦૦ ની સહાય જાહેર કરી છે જે બે થેલી DAP ખાતર જેટલી પણ નથી.ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર ખરેખર ખેડૂતોના હિતની વાત કરે છે તો સહાય નહીં, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરે, ત્યારે જ ખરા અર્થમાં રાહત મળશે.
કોંગ્રેસના નેતાઓની સ્પષ્ટ માંગ સહાય નહીં, દેવું માફી જોઈએ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સરકારની સહાયને ‘‘ખેડૂતોની મજાક'' ગણાવી છે.કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા અઠવાડિયામાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ ચાર ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે જે સરકારની ખોટી નીતિઓનો સીધો પરિણામ છે.
સૌરાષ્ટ્રમા થયેલા ખેડૂતોના આપઘાતની વિગતઃ ૧. કરશન વાવનોટિયા (ઉંમર ૩૭ વર્ષ) ગામઃ જામપર,તાલુકોઃ ભાણવડ, જિલ્લોઃ દેવભૂમિ દ્વારકા, ૨. ગફફાર ઉનડ (ઉંમર ૪૯ વર્ષ ગામઃ રેવદતાલુકોઃ ઉના જિલ્લોઃ ગિર સોમનાથ, ૩.દાનાભાઈ જાદવ (ઉંમર ૬૦ વર્ષ) ગામઃ રેવનિવા તાલુકોઃ વિછિયા જિલ્લોઃ રાજકોટ, ૪.દિલીપ વીરડીયા ( ઉંમર :૫૦ વર્ષ ) ગામઃ અરડોય તાલુકોઃ કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ
ઉપરોક્ત તમામ ખેડૂતોના આપઘાત પાછળના મુખ્ય કારણ કમોસમી વરસાદના લીધે આર્થિક રીતે ભાંગી પડતા આ પગલા ભર્યાનુ સામે આવ્યું છે.
બોટાદ ખાતે પહોંચી ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિહ ગોહિલ જ્યારે બોટાદથી સુરેન્દ્રનગર સુધી આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકી તથા પ્રદેશના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને ટ્રેક્ટરો સાથે વિવિધ સ્થળોએ પહોંચીને ખેડતોને મળ્યા હતા અને તેઓની મુશ્કેલીઓ જાણી હતી.દરરોજ જુદા જુદા જિલ્લા માટે કોંગ્રેસના આગેવાનોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે જેથી ખેડૂતો સુધી કોંગ્રેસનો અવાજ સીધો પહોંચી શકે.
આ સમગ્ર ખેડૂત આક્રોશ યાત્રામા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી દેસાઈ, ખેડૂત નેતા પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓએ શરૂઆતથી છે. સુધી મુખ્ય જવાબદારીઓ સાથે દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે.
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ હવે વધુ આક્રમક બનેલી છે.યાત્રાના દરેક તબક્કે ખેડૂતો દ્વારા ગામડાઓમાં ઠેરઠેર સ્વાગત અને સમર્થન મળી રહ્યું છે, જે બતાવે છે કે ખેડૂતોમાં સરકાર સામે ભારે નારાજગી છે.કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે : ‘‘ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ ખેડૂતોને નજીવી સહાય નહીં, દેવા માફી આપો.'' (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:37 PM IST)










