<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

નવાગામ પાસે ૨.૮૮ લાખનો દારૂ ભરેલું છોટાહાથી ઝડપાયું: એલસીબી ઝોન-૧નો કુવાડવા રોડ પર દરોડો: એ.એસ.આઇ. મનરુપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. હિતેશભાઇ પરમાર અને કોન્સ. રવિરાજભાઇ પટગીરની બાતમી, પીએસઆઈ બી.વી. ચુડાસમા અને ટીમની ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં કામગીરી

સિદ્ધાર્થ સોસાયટીના શૈલેષ મૂંધવાની ધરપકડ, કુલ રૂપિયા ૬.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત

 રાજકોટઃ શહેરમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના કડક આદેશ બાદ એલ.સી.બી. ઝોન-૧ ટીમે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. એલ.સી.બી. ટીમે બાતમીના આધારે કુવાડવા રોડ વિસ્તારમાં દરોડો પાડી, ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું છોટાહાથી વાહન ઝડપી પાડ્યું છે. પોલીસે દારૂ અને વાહન મળી કુલ રૂ. ૬,૮૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. એલ.સી.બી. ઝોન-૧ ટીમના પો.સબ ઇન્સપેક્ટર બી.વી. ચુડાસમાની આગેવાની હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ. મનરુપગીરી ગૌસ્વામી, પો.હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર અને પો.કોન્સ. રવિરાજભાઇ પટગીરને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે કુવાડવા રોડ પો.સ્ટે વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા સાત હનુમાન મંદિર સામે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમિયાન, શૈલેષભાઇ ઘુઘાભાઇ મુંધવા (ઉ.વ ૪૨, રહે. સિધ્ધાર્થ સોસાયટી, રાજકોટ) નામનો ઇસમ ટાટા કંપનીના એસ ગોલ્ડ છોટા હાથી (રજી નં GJ 03 BY 0824) વાહન સાથે ત્યાંથી પસાર થતાં તેને અટકાવી ઝડપી પાડ્યો હતો. 

પોલીસે પકડાયેલા છોટાહાથી વાહનની તલાશી લેતા, તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ફોર સેલ ઇન ગોવા લખેલા રોયલ ચેલેન્જ વહીસ્કીના ૧૮૦ એમએલના ૨,૮૮,૦૦૦ના ૯૬૦ ચપલા હતા. દારૂ ટ્રક મળી ૬,૮૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  

પોલીસે આરોપી શૈલેષ મુંધવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરીનો આ ગણનાપાત્ર કેસ શોધી કાઢવાની કામગીરી પો.સબ ઈન્સ. બી.વી.ચુડાસમાની આગેવાની હેઠળ એ.એસ.આઇ મનરૂપગીરી ગૌસ્વામી, પો.હેડ.કોન્સ. હિતેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર અને પો.કોન્સ રવીરાજભાઇ પટગીર સહિતની એલ.સી.બી. ઝોન-૧ ટીમે કરી છે. 

(9:58 PM IST)