તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
મુંબઇ ફેરો કરવા ગયો ત્યાંથી વળતાં દારૂ ૨.૮૮ લાખનો દારૂ ભરી આવ્યો
સિધ્ધાર્થનગરના છોટાહાથીના ચાલક શૈલેષ મુંધવાને ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમે નવાગામ પાસે દબોચ્યો : એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૧૨: શહેરમાં દારૂની ગેરકાયદેસર પ્રવળત્તિઓ પર લગામ કસવાના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના કડક આદેશ બાદ એલ.સી.બી. ઝોન-૧ ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. બાતમીના આધારે કુવાડવા રોડ વિસ્તારમાં દરોડો પાડી, ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું છોટાહાથી વાહન ઝડપી પાડ્યું છે. પોલીસે દારૂ અને વાહન મળી કુલ રૂ. ૬,૮૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. ડ્રાઇવર તરીકે છોટાહાથી વાહનના ફેરા કરતો રાજકોટનો આ શખ્સ મુંબાઇ ફેરો કરવા ગયો હોઇ વળતાં ત્યાંથી વેંચવા માટે દારૂનો જથ્થો ભરી લાવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ પોલીસ સબ ઇન્સ. બી.વી. ચુડાસમાની આગેવાની હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. હિતેશભાઇ પરમાર અને કોન્સ. રવિરાજભાઇ પટગીરને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા સાત હનુમાન મંદિર સામે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસની વોચ દરમિયાન શૈલેષ ઘુઘાભાઇ મુંધવા (ઉ.વ ૪૨, રહે. સિધ્ધાર્થ સોસાયટી, રાજકોટ) નામનો શખ્સ ટાટા કંપનીના એસ ગોલ્ડ છોટાહાથી વાહન નં. જીજે૦૩૦૮૨૪ લઇને આવતાં તેને આંતરી લેવાયો હતો.
પોલીસે પકડાયેલા છોટાહાથી વાહનની તલાશી લેતા, તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ફોર સેલ ઇન ગોવા લખેલા રોયલ ચેલેન્જ વહીસ્કીના ૧૮૦ એમએલના ૨,૮૮,૦૦૦ના ૯૬૦ ચપલા હતા. દારૂ ટ્રક મળી ૬,૮૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગુનો નોંધી શૈલેષની ધરપકડ કરી હતી. ડીસીપી હેતલ પટેલ રાહબરીમાં પીએસઆઇ બી.વી.ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. હિતેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર અને કોન્સ રવીરાજભાઇ પટગીર સહિતે આ કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસમાં શૈલેષે કબુલ્યું છે કે છોટાહાથીમાં માલસામાનનો ફેરો કરવા તે મુંબઇ તરફ ગયો હોઇ વળતા ત્યાંથી દારૂનો જથ્થો વેંચવા માટે ભરી લાવ્યો હતો. રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(4:07 PM IST)










