News of Wednesday, 12th November 2025
ગરૈયા મેડિકલ કોલેજ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માનભેર પ્રવેશ

રાજકોટ : બી. જી. ગરૈયા મેડિકલ કોલેજ ખાતે બીએએમએસ અને બીએચએમએસ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ભવ્ય પ્રવેશ સમારોહ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રમુખ વનરાજભાઇ ગરૈયાના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આયુર્વેદ કોલેજ તથા હોમિયોપેથી કોલેજના પ્રિન્સિપાલોએ સ્વાગત ઉદ્દબોધનમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી જણાવ્યુ કે આયુર્વેદ અને હોમિયોપેથીના આ અભ્યાસક્રમમાં માત્ર જ્ઞાન નહીં, મનુષ્યત્વના મૂલ્યોં શીખવા મળે છે. નવા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાનને માનવસેવામાં રૂપાંતરિત કરવું એજ સાચી સફળતા છે. કોલેજ પ્રમુખ વનરાજભાઇ ગરૈયાએ પોતાના આશીર્વચન દરમિયાન કહેલ કે ગરૈયા જ્ઞાનપીઠ ટ્રસ્ટનું ધ્યેય એ છે કે ગુજરાતમાંથી એવા ડોકટર્સ તૈયાર થાય, જે જ્ઞાન, સેવા અને નૈતિકતા સાથે સમાજના આરોગ્ય સુધારામાં યોગદાન આપેલ. આયુર્વેદ અને હોમિયોપેથી બન્ને ભારતીય ચિકિત્સા પરંપરાના ગૌરવ છે અને વિદ્યાર્થીઓએ આ પરંપરાઓનું માન રાખવુ એ જ સૌથી મોટી જવાબદારી છે. રામભાઇ ગરૈયાએ પ્રાસંગીક વકતવ્યમાં જણાવેલ કે વિદ્યાર્થીઓના જીવનમાં માતા-પિતાનું સ્થાન સર્વોચ્ચ છે. તેમના આશીર્વાદ વિના કોઇ કાર્ય સંપૂર્ણ થતુ નથી. માતા પિતાએ તેમના સંતાનો માટે કરેલા ત્યાગને પણ કયારેય ન ભુલવો જોઇએ. અન્ય મહેમાનો અને શિક્ષક મંડળના સભ્યોએ પણ વિદ્યાર્થીઓને સંદેશ આપેલ. આ તકે સંસ્થાની સિધ્ધિઓ અને શૈક્ષણિક દશા ઉપર પણ પ્રકાશ પાડી જણાવાયુ હતુ કે કોલેજ એનએબીએચ પ્રમાણિત અને કયુસીઆઇ ગ્રેડ એ ધરાવતી સંસ્થા છે. અહીં વિદ્યાર્થીઓને આધુનિક લેબ, હર્બલ ગાર્ડન, ક્લિનિક પ્રેકટીસ સેન્ટર અને સંશોધન લેબ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ટ્રસ્ટી એભલભાઇ ગરૈયાએ જણાવેલ કે ગરૈયા જ્ઞાનપીઠનો ધ્યેય માત્ર શિક્ષણ પુરૂ પાડવાનો નથી. પરંતુ દરેક વિદ્યાર્થીના વ્યક્તિત્વમાં માનવતા, નૈતિકતા અને રાષ્ટ્રીય ભાવના વિકસાવવાનો છે. સમારોહનું સમાપન આશીર્વચન અને રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવી હતી. અંતમાં ટ્રસ્ટના અધ્યક્ષ મંડળ દ્વારા આશીર્વચનો આપવામાં આવ્યા હતા.
(2:32 PM IST)










