<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

પરણેલા પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાના પેટમાં પણ ઘા માર્યાઃ બંને ગંભીર

મવડી ચોકડીએ રહેતાં ૩૦ વર્ષના નિકુંજ વેકરીયાને સરધારની હીના બુંડાસણા સાથે પ્રેમ હતોઃ માથાકુટ થતાં નિકુંજે સરધાર જઇ હુમલો કર્યો અને આપઘાતનો પ્રયાસ કર્યોઃ બંને સારવારમાં હુમલો કરનારની પત્‍નિ હાલ રીસામણે

 

 

રાજકોટ તા. ૧૨: મવડી ચોકડી પાસે રહેતાં પરણેલા યુવાનને સરધાર રહેતી કુંવારી યુવતિ સાથે પ્રેમ હોઇ બંને વચ્‍ચે કોઇ બાબતે માથાકુટ થતાં આ યુવાને સરધાર જઇ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડતાં તેણીને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રેમિકાને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યા બાદ આ યુવાને પોતાના પેટમાં, હાથમાં પણ જાતે છરીના ઘા ભોંકી દેતાં તેને પણ ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી ચોકડી પાસે સિતારામ ચોકમાં રહેતાં નિકુંજ અરવિંદભાઇ વેકરીયા (ઉ.વ.૩૦) નામના યુવાને પોતે સવારે અગીયારેક વાગ્‍યે સરધાર ગામમાં ધાણી ચોકમાં હતો ત્‍યારે પોતાની જાતે પોતાના પેટમાં, હાથે, શરીરે છરીના ઘા મારી લેતાં તેને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એચ. જે. સોલંકી સહિતના સ્‍ટાફે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન એવી વિગત ખુલી હતી કે નિકુંજે આપઘાતનો પ્રયાસ કર્યો એ પહેલા તેણે સરધારમાં રહેતી હીના ભરતભાઇ બુંડાસણા (ઉ.વ.૩૦) ઉપર છરીથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેણીને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી  હતી. પ્રેમિકા પર હુમલો કર્યા બાદ નિકુંજે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

નિકુંજ મુળ જામકંડોરણાના રાજપરા ગામનો વતની છે. હાલ તે મવડી ચોકડી સિતારામ ચોકમાં રહે છે. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે, તેને સંતાન નથી. પોતે પ્‍લમ્‍બીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. તેના પિતા ખેતી કરે છે. પોતે એક બહેનથી મોટો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ નિકુંજ પરણેલો છે અને હાલ તેની પત્‍નિ રિસામણે છે. તેને સરધારની હીના સાથે પ્રેમ હતો. લગ્ન અને છુટાછેડા બાબતે કે અન્‍ય કોઇ કારણે પ્રેમિકા હીના સાથે માથાકુટ થતાં નિકુજ છરી લઇને સરધાર ગયો હતો અને ત્‍યાં હીના સાથે ઝઘડો થયા બાદ તેણી ઉપર છરીથી હુમલો કરી બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વધુ વિગતો જાણવા તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

 

(2:56 PM IST)