તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
પરસાણાનગર રેલ્વે લાઇનના ગરનાળાથી રોગચાળાના ભય અંગે ડીઆરએમને કોંગ્રેસની ઉગ્ર રજુઆત
સંબંધીત અધિકારીઓને આ પ્રશ્નનું તાત્કાલીક નિરાકરણ લાવવા ડીઆરએમ શ્રી મીનાની સુચના

રાજકોટ, તા., ૧૧: શહેર મધ્યમાંથી પસાર થતા રાજકોટ-સોમનાથ ટ્રેક ઉપર શહેરના વોર્ડ નંબર-૩, પરસાણાનગર-૭ પાસે રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણી આજુબાજુની સોસાયટીઓમાં પાણીની લાઈનમા તેમજ ભુગર્ભ ભળતા રોગચાળો ફેલાઈ રહ્યો છે જેને લઇ આસપાસ વસેલી સોસાયટીના લોકો ત્રસ્ત છે ત્યારે આ અંગે રેલ તંત્ર તાકીદે યોગ્ય કાર્યવાહી કરી પ્રશ્નોનો નિકાલ કરે તેવી રજુઆત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ આજે ડીવીઝનલ રેલ્વે મેનેજર ગીરીરાજકુમાર મીના સમક્ષ કરવામાં આવી હતી. શ્રી મીનાએ આ બારામાં સંબંધીત અધિકારીઓને તાત્કાલીક ધોરણે કામગીરી કરી પ્રશ્નનો નિકાલ કરવા સુચના આપી હતી.
લેખીત રજુઆતમાં જણાવાયું છે કે, શહેરની મધ્યમાંથી પસાર થતા રાજકોટ -સોમનાથ રેલ્વે ટ્રેક જે રાજકોટ શહેર વોર્ડ નં. ૩ ના પરસાણાનગર શેરી નંબર-૭ પાસેથી પસાર થાય છે. આ રેલ્વે ટ્રેકના નાલા નીચે અને રેલ્વે ટ્રેકની આજુબાજુમા બેસુમાર ગંદકી અને ગટરના તેમજ વરસાદી પાણીના ભરાવાના કારણે ખૂબ જ દુર્ગંધ આવે છે. તેમજ આ ગંદુ પાણી આ વિસ્તારના પીવાના પાણીની પાઈપ લાઈનમાં અને ભુગર્ભમાં ઉતરતા અહીં વસવાટ કરતા લોકોના વ્યાપક જનહિતમાં અને આરોગ્ય સામે ગંભીર પ્રકારનો ખતરો ઉભો કરે છે.
આ પ્રશ્નોના નિરાકરણ માટે અમારા દ્વારા રેલ્વે વિભાગના જવાબદાર અધિકારીઓને રજુઆત કરી સ્થાનીક જગ્યાએ વિઝિટ કરાવી સમસ્યાઓથી અવગત પણ કરાવેલ. પરંતુ નિભંર તંત્ર દ્વારા આ સમસ્યાઓનો હજુ સુધી ઉકેલ લાવવામા આવ્યો નથી ત્યારે જવાબદાર વિપક્ષ તરીકે વ્યાપક જનહિતના આરોગ્યને અસર કરતા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા આ સાથે સ્થળ સ્થિતીના ફોટોગ્રાફ સામેલ રાખી આ પ્રશ્નને આપશ્રીને નમ્ર રજુઆત છે. જો તાકીદે કાર્યવાહી નહિ કરવામાં આવે તો અમારો વિસ્તારવાસીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના પુર્વ કોંર્પોરેટર દિલીપભાઇ આસવાણી, અશોકસિ઼હ વાઘેલા, ગૌરવભાઇ પુજારા, જગુભા જાડેજા અને પરસાણાનગરના રહેવાસીઓ ઉપસ્થિત રહયા હતા.
(3:18 PM IST)










