તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
પૂરવઠા નિગમમાં ગત માર્ચમાં કોન્ટ્રાકટ પુરા છતા ચલાવાય છે!! જૂનાગઢ-ગીર સોમનાથ સહિત અનેક દુકાનો પર અનાજ પહોચ્યુ નથી
પૂરવઠા નિગમ સામે સસ્તા અનાજના દુકાનદાર એસો.ના ઉપપ્રમુખના ગંભીર આક્ષેપો : દુકાનદારો-ગરીબ કાર્ડ હોલ્ડરોમાં ભારે દેકારોઃ સાંસદ-ધારાસભ્યો અનાજની ગૂણવતા અંગે સવાલો ઉઠાવે છે છતા સુધારો થતો નથી

રાજકોટ, તા. ૧રઃ સસ્તા અનાજ દુકાનદાર એસો.ના ઉપપ્રમુખ શ્રી હિતુભા જાડેજાએ એક નિવેદનમાં ગંભીર આક્ષેપો કરતા ઉમેર્યુ છે કે, ગુજરાત રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમની સતત કહેવાતી લાલિયા વાડી ચાલતી રહી છે આ નિગમ સાથે જોડાયેલી વિવિધ એજન્સીઝ તથા અધિકારીઓ ની સાંઠગાંઠ પણ ચરણ સિમાએ પહોંચી છે ગત માર્ચ માસમાં પુરા થયેલા કોન્ટ્રાક્ટસ હજુ પણ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે ચાલુ માસમાં જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લા ના દુકાનદાર ભાઈઓ તથા રેશનકાર્ડ ધારકો મોઢું વકાસીને બેઠા છે આજે બાર તારીખ થઈ ગઈ હોવા છતા આ બન્ને જીલ્લા સહીત રાજ્ય ના અનેક તાલૂકાઓમાં અનેક દુકાને ગરીબોનું અનાજ પહોંચ્યુ નથી દર માસે કૂંડલીમા ગોળ ભાંગી લેતા અમુક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ ને વાંકુ પડતા વાજબી ભાવના દુકાનદાર ભાઈઓ તથા ગરીબ જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોની ખો નીકળી જશે વિવિધ એજન્સીના કોન્ટ્રાક્ટર્સની તાનાશાહી સામે નિગમ પાસે વૈકલ્પિક વ્યવસ્થા જ હોતી નથી અથવા તો કરવામાં આવતી નથી પરિણામે ગરીબ પ્રજાને તડપવાનો વારો આવે છે.
એક તો જથ્થો સમયસર નહી પહોંચે પછી સર્વર ‘ડાઉન ડાન્સ' કરશે અને ઊપરથી અધિકારીઓ ની વહીવટી સરળતા માટે ડબલ ફિંગર પ્રિન્ટનો કોરડો વિંજાશે એટલે જે ટાર્ગેટેડ લાભાર્થીઓ ના હિતમાં જાહેર વિતરણ વ્યવસ્થા ચાલી રહી છે ધડામ લઈ ને નિચે પડશે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબ અને જરૂરિયાત મંદ લાભાર્થીઓને દર મહિનાની પહેલી તારીખથી અનાજ મળવાપાત્ર હોવા છતાં અને રાજ્યના પુરવઠા નિગમ દ્વારા અનાજ વિતરણની ૪૫ દિવસની સાયકલ ચલાવવામાં આવતી હોવા છતાં એક પણ મહિને એક પણ દુકાનેથી વહેલી તારીખે અનાજનું વિતરણ થઈ શકતું નથી આ પણ એક મોટી નિષ્ફળતા છે જેને ઊચ્ચ અધિકારીઓ તરફ થી નજરઅંદાજ કરવામા આવે છે.
કરોડો રુપીયાનુ આંધણ આ પીડીએસ સિસ્ટમ પાછળ કરવામા આવતુ હોવા છતા દર મહિને લાલીયાવાડી ચાલતી જ રહે છે સપ્લાયરો લેબર કોન્ટ્રાક્ટ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ અને ડીએસડી કોન્ટ્રાક્ટ દ્વારા કંઈક ને કંઈક ખેલ ચાલુ જ હોય છે પુરવઠા નિગમ દ્વારા જે નીતિ નિયમો અને સિસ્ટમ બનાવવામાં આવી છે એનું કયાંય પાલન થતું નથી.
વાજબી ભાવના દુકાનદારો અને જરૂરિયાત મંદ રેશનકાર્ડ ધારકો પર ધોંસ બોલાવતા આ અધિકારીઓ વિવિધ એજન્સીજના કોન્ટ્રાક્ટર પાસે મ્યાઉની મીંદડી બની જાય છે જાણે આ કોન્ટ્રાક્ટર્સ જ સર્વે સર્વા હોય એવો એનો હાવ હોય છે.
પોતાની જ સરકારના સાંસદ ધારાસભ્ય શ્રી દ્વારા અનાજની ગુણવત્તા બાબતે વારંવાર ઉઠાવવામાં આવતા સવાલો છતાં પણ અનાજની ગુણવત્તા અને સમ ભરતીમાં કોઈ સુધારો થતો નથી.
જુદા જુદા કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા ને આજે આઠ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ નવા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા નથી આની પાછળ વિભાગ કે સરકારની મુરાદ હોઈ શકે એ પણ વિચારવા જેવું છે, તેવો સવાલ હિતુભાએ ઉઠાવ્યો છે.
વિવિધ કોન્ટ્રાક્ટર્સ દ્વારા આચરવામા આવતી ક્ષતિઓને પણ વારંવાર નજરઅંદાજ કરી લેવામાં આવે છે કોન્ટ્રાક્ટર્સને તેની ક્ષતિઓ બદલ ફાઈન દંડ કે આકરા પગલા લેવાના બદલે થાબડભાણા કરવામાં આવે છે આ વિવિધ કોન્ટ્રાક્ટર્સ ની આડોળાઇ અમુક અધિકારીઓ દ્વારા પણ ચલાવી લેવામાં આવે છે આજ સુધી આવા કસૂરવાન કોન્ટ્રાક્ટર્સ પર કોરડો વિઝવામાં આવ્યો હોય એવા સમાચાર આવ્યા નથી અને આ કહેવાતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ વચ્ચે ચાલતા ઇલુ ઇલુ ની ગંધ સુધા અખબારોને ન પહોંચે એમ માહિતીઓ છુપાવવામાં આવે છે.
(4:07 PM IST)










