News of Thursday, 13th November 2025
શહેરમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યાનો ઉકેલ ન આવે તો આમ આદમી પાર્ટી અપનાવશે આંદોલનનો માર્ગ
પોલીસ કમિશનરને દિનેશ જોષી, રાજલબેન ગઢવી, ઇન્દુભા રાઓલ, ગોૈરીબેન પાણખાણીયા, વાલજીભાઇ કણજારીયા, સમજુબેન વીરડીયા, શુભમ જોષી સહિતની વિસ્તૃત રજૂઆત

રાજકોટઃ શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિકસ સમસ્યા સામે ટ્રાફિક બ્રાંચને કાર્યરત કરવા આપ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. લેખીત રજૂઆતમાં જણાવાયું છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને કારણે સાત દિવસમાં સાત નિર્દોષ માનવ જિંદગી માર્ગ અકસ્માતનો ભોગ બનતાં રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા નિષ્ફળ સાબીત થઇ રહી છે. આ સામે આમ આદમી પાર્ટી (આપ)એ ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટ શહેર આપના પ્રમુખ દિનેશ એમ. જોષી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ટ્રાફિક બ્રાન્ચની અણઆવડત અને નિષ્ક્રીયતાને કારણે સમસ્યા વિકટ બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, પોલીસ કમિશનર વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં સર્જાયેલા સાત જીવલેણ અકસ્માત પાછળ સીધી રીતે ટ્રાફિક બ્રાન્ચ જવાબદાર છે.આવેદનમાં પોલીસની કામગીરીની આકરી ટીકા કરવામાં આવી છે. વાહન અકસ્માતમાં સાત દિવસમાં કેટલા મૃત્યુ થયા તેની યાદી આપતા આપએ જણાવ્યું છે કે જે સાત લોકોના મૃત્યુ થયા છે તેમના સ્વજનો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. વધુમાં જણાવાયું છે કે માધાપર ચોકડી, રામાપીર ચોકડી, રૈયા ચોકડી, કે.કે.વી ચોક, સેન્ટ મેરી સ્કૂલ સામેના રાહદારી રસ્તા પર, નાના મવા ચોક અને મવડી ચોકના બ્રીજ નીચે ગેરકાયદે પાર્ક થતાં વાહનોને તાત્કાલિક ટોઇંગ કરવાની માગણી પણ કરવામાં આવી છે. શહેર પ્રમુખ દિનેશ એમ. જોષીએ અંતમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ટ્રાફિક બ્રાન્ચ સમયસર સજાગ નહીં બને અને નક્કર કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે આમ આદમી પાર્ટીને જલદ આંદોલન કરવાની ફરજ પડશે. દિનેશ જોષી સહિતનાએ ‘અકિલા' ખાતે આ રજૂઆત કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(1:49 PM IST)










