<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

મારા સિવાય કોઇને પ્‍લોટ વેંચતો નહિ કહી મનિષભાઇ માંકડીયાને વીસ લાફા મારી કાનનો પરદો ફાડી નાંખ્‍યો

તને ખબર છે કે તારો પ્‍લોટ મારે લેવાનો છે છતાં બીજાને વેંચવાની વાત કેમ કરે છે? : અર્જુન ગુજરીયા અને ત્રણ અજાણ્‍યાએ ઘરમાં ઘુસી ધમાલ મચાવી ખૂનની ધમકી પણ દીધીઃ રવિરત્‍ન પાર્કનો બનાવઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: યુનિવર્સિટી રોડ પર રવિરત્‍ન પાર્ક વિસ્‍તારમાં જમીન-મકાનની દલાલીનું કામકાજ કરતા કડવા પટેલ વેપારી પર પ્‍લોટ વેચવાના મામલે હીચકારો હુમલો થવાની ઘટના સામે આવી છે. વર્ષો જૂના પ્‍લોટના વિવાદને લઈને આરોપી અને તેની સાથેના ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ વેપારીના ઘરમાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં વેપારીને૧૫થી ૨૨ ફડાકા મારવામાં આવતાં તેમનો જમણા કાનનો પડદો તૂટી ગયો છે. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.

યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં રવિરત્‍ન પાર્ક, શેરી નં. ૦૫, સી/૧, બ્‍લોક નં. ૧, ફ્‌લેટ નં. ૧માં રહેતા મનીષભાઈ પરબતભાઈ માંકડીયા (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી બાપા સિતારામ મઢુલી પાસે પરીમલ મેઇન રોડ પર રહેતાં અર્જુન જગુભાઇ ગુજરીયા અને ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મનીષભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા.૧૦/૧૧ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્‍યાના અરસામાં તેઓ પત્‍નિ ઉપાબેન અને પુત્ર દેવભાઈ સાથે ઘરે હાજર હતા. તે સમયે તેમના ઘરની ડોરબેલ વાગતા પત્‍નિએ દરવાજો ખોલ્‍યો હતો. આ વખતે આરોપી અર્જુન ગુજરીયા તેની સાથે ત્રણ અજાણ્‍યા માણસોને લઈને ઘરમાં ઘૂસી આવ્‍યો હતો. અર્જુને સીધા મનીષભાઈના બેડરૂમમાં ઘુસી જઇ બોલાચાલી શરૂ કરી હતી.

ત્‍યારબાદ અર્જુને ધમકી આપતાં  મનીષભાઈને કહ્યું હતું કે તને ખબર છે કે મારે વર્ષ ૨૦૧૨થી તારો પ્‍લોટ લેવાની વાત ચાલે છે, તો તું કેમ પ્‍લોટ બીજાને વેચવાની વાત કરે છે? આ પ્‍લોટ મારા સિવાય કોઈને વેચતો નહીં. મનીષભાઈએ આ પ્‍લોટ તેમનો હોવાથી ગમે તેને વેચવાની વાત કરતાં અર્જુનભાઈ એકદમ ઉશ્‍કેરાઈ ગયા હતા અને મનફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના પાડતા, અર્જુનભાઈએ મનીષભાઈને બંને ગાલમાં આશરે ૧૫ થી ૨૨ જેટલા ફડાકા મારી દીધા હતા. ત્‍યારબાદ અર્જુનભાઈ અને તેની સાથે આવેલા ત્રણેય અજાણ્‍યા શખ્‍સોએ ભેગા મળી મનીષભાઈ તથા તેમને છોડાવવા વચ્‍ચે પડેલા તેમના પત્‍નિ ઉપાબેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઘરમાં દેકારો થતાં આરોપીઓ તેમની કાળા રંગની એન્‍ડેવર કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. જતાં જતાં અર્જુનભાઈએ મનીષભાઈને ધમકી આપી હતી કે જો આ પ્‍લોટ બીજા કોઈને વેચીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ તથા તને જાનથી મારી નાખીશ. હુમલા બાદ મનીષભાઈ અને તેમના પત્‍નિ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખાતે ગયા હતા. જ્‍યાં હાજર ડોક્‍ટરે તપાસ કરતાં મનીષભાઈના જમણા કાનનો પડદો તૂટી ગયો હોવાનું નિદાન કર્યું હતું. પીઆઇ એચ.  એન. પટેલની રાહબરીમાં એએસઆઇ હિતેષભાઇ જે. જોગડાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

 

(2:37 PM IST)