News of Thursday, 13th November 2025
લીક થયેલો ગેસનો બાટલો ફાટયોઃ પાનનો દૂકાનદાર યુવાન અને દર્શન કરી ઘરે જઇ રહેલુ દંપતિ ઘાયલ
કાલાવડ રોડ જડ્ડુસથી ભીમરાવ સર્કલ તરફના રસ્તા પર બનાવથી નાસભાગ : દૂકાનવાળા રવિ ગમારાએ કહ્યું ચા બનાવવા માટે બાટલો રાખ્યો હતો, જે લિક થતાં ભડકો થયા બાદ ફાટયો હતોઃ રાજેન્દ્રભાઇ તકવાણી નામના વૃધ્ધ પત્નિ શ્રધ્ધાબેન સાથે હવેલીએથી દર્શન કરી ટુવ્હીલર પર ઘરે જતાં હતાં અને બાટલો ફાટતાં ઘાયલ થયા

ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને જે દૂકાન બહાર બાટલો ફાટયો હતો તે ખોલાવીને અંદર તપાસ શરૂ કરી હતી (તસ્વીરઃ અશોક બગથરીયા) : બાટલો ફાટતાં ઘાયલ થયેલો દૂકાનદાર રવિ ગમારા અને રાહદારી વૃધ્ધ રાજેન્દ્રભાઇ તકવાણી તથા તેમના પત્નિ શ્રધ્ધાબેન તકવાણી સારવાર હેઠળ નજરે પડે છે
રાજકોટ તા. ૧૩: શહરેના કાલાવડ રોડપ ર જડ્ડુસ ફૂડ ફિલ્ડ હોટલ અને ભીમરાવ સર્કલ વચ્ચે એક પાનની દૂકાન ધરાવતાં યુવાની દૂકાન બહાર રખાયેલો ગેસનો બાટલો લીક થતાં ભડકો થતાં આગ બુઝાવ્વા પ્રયાસ કરાયો હતો. દરમિયાન બાટલો ફાટતાં દૂકાનદાર યુવાન અને રસ્તા પરથી ટુવ્હીલર પર પસાર થઇ રહેલું વૃધ્ધ દંપતિ ઘાયલ થઇ જતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. દુકાનદાર યુવાને એવુ રટણ કર્યુ હતું કે પોતાના માટે ચા બનાવતો હતો ત્યારે ગેસનો બાટલો લીક થતાં તે દૂકાન બહાર મુકી દીધો હતો અને બાટલો ફાટયો હતો. અગાઉ ચાનો ધંધો કરતાં હોઇ જેથી બાટલો અહિ રાખ્યાનું કહ્યું હતું. જો કે ખરેખર બાટલો કયા કારણોસર રખાયો હતો? તેની તપાસ પોલીસ અને પુરવઠા વિભાગે હાથ ધરી છે.
પોતાની દૂકાનમાં ગેસનો બાટલો લીક થતાં બાટલો બહાર ફેંકી દેતાં આ બાટલો ફાટતાં આ યુવાન અને ત્યાંથી ટુવ્હીલર પર પસાર થઇ રહેલાં દંપતિને ઇજાઓ થતાં ત્રણેયને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે ઘટના સ્થળે નાસભાગ મચી ગઇ હતી. બનાવ કઇ રીતે બન્યો? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
જાણવા મળ્યા મુજબ નાના મવા રોડ પર કસ્તુરી એવીએરીમાં રહેતાં રાજેન્દ્રભાઇ કાંતિલાલ તકવાણી (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ સવારે ઘરેથી એક્ટીવામાં પોતાના પત્નિ શ્રધ્ધાબેન તકવાણી (ઉ.વ.૬૧)ને બેસાડી કાલાવડ રોડ જડ્ડુસ નજીક આવેલી હવેલીએ દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત સવારે દસેક વાગ્યે ઘરે જતાં હતાં તે વખતે જડ્ડુસથી ભીમરાવ સર્કલ વચ્ચે ગાત્રાળ પાન પાસે પહોંચ્યા ત્યારે દૂકાન નજીક ગેસનો બાટલો બહાર પડયો હોઇ તે ફાટતાં આ પતિ-પત્નિ બંનેને ઇજાઓ થઇ હતી.
આ ઉપરાંત ગાયત્રા પાનવાળા રવિ અશોકભાઇ ગમારા (ઉ.વ.૨૪-રહે. નાના મવા એવરેસ્ટ પાર્ક)ને પણ ઇજા થતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ગસનો ગેસનો બાટલો ફાટવાને કારણે આસપાસમાં નાસભાગ મચી ગઇ હતી. વૃધ્ધ દંપતિ અને દૂકાનદારને મોઢા, માથા પર નાક પર ઇજાઓ થઇ હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાટલો ફાટતાં ઘાયલ થયેલા રાજેન્દ્રભાઇ તકવાણી અગાઉ કાલા કપાસનો વેપાર કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવે છે. તેને સંતાનમાં બે દિકરી છે. પતિ-પત્નિ હવેલીથી દર્શન કરી ઘરે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
દૂકાનદાર રવિ ગમારાના કહેવા મુજબ પોતે પોતાની પાનની દૂકાનમાં ગેસ પર ચા બનાવતો હતો ત્યારે બાટલો લિક થતાં ગભરાઇને બાટલો દૂકાનની બહાર તરફ ફેંકી દીધો હતો. જે ફાટવાને કારણે પોતાને પણ માથામાં ઇજા થઇ હતી. પાનની દૂકાનમાં બાટલો શા માટે રાખ્યો હતો? તે અંગે પુરવઠા વિભાગની ટીમ પણ તપાસ કરવા પહોંચી હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)
(2:48 PM IST)










