તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 13th November 2025
SIR કામગીરીઃ રાજકોટ શહેર-જીલ્લો રેડ ઝોનમાંથી બહારઃ ૯૮ ટકા
મતદારોને ફોર્મ અપાયાઃ નવેમ્બરની ૧પ-૧૬ તથા રર-ર૩ બૂથ ઉપર ઝુંબેશ તમામ કામગીરી ૪ ડીસેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાશેઃ હવે માત્ર પપ હજાર મતદારોને ફોર્મ દેવાના બાકી

રાજકોટ, તા. ૧૩: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની ચકાસણી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇ અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ ૯૮ ટકા ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ફોર્મ વિતરણની ૧૦૦ ટકા કામગીરી આવતીકાલ સુધીમાં પુરી થઇ જવાનો અંદાજ છે. રાજકોટ જિલ્લામાં ૧૦ લાખ વોટરની મેપીંગની કામગીરી અગાવ જ પૂર્ણ થઇ ગઈ છે.તમામ કામગીરી આગામી ૪ ડિસેમ્બરે પૂર્ણ થઇ જશે, તેમ કલેકટરે પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી.રાજકોટ શહેરમાં આ કામગીરી રેડઝોનમાં હતું. જેના પગલે જીલ્લા કલેકટર ઓમપ્રકાશ તમામ મામલતદારો, પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી આ કામગીરી ઝડપભેર થાય તે માટે તાકીદ કરી હતી. જો કે છેલ્લા બે દિવસમાં આ કામગીરીએ વેગ પકડ્યું છે અને ૯૮ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે હવે ફક્ત ૫૫ હજાર મતદારોને જ ફોર્મ વિતરણ બાકી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં કુલ ૨૨૫૬ બીએલઓ એસઆઇઆરની કામગીરી કરી રહ્યા છે તેમજ ૨૩૩ જેટલા બીએલઓ સુપરવાઈઝરની પણ નિમણુંક કરવામાં આવી છે.દરમિયાન રાજકોટ જિલ્લામાં એસઆઇઆરની કામગીરીએ વેગ પકડ્યો છે ત્યારે આગામી તારીખ ૧૫-૧૬ અને ૨૨-૨૩ નવેમ્બરે જિલ્લાના ૨૨૫૬ બુથ પર તમામ બીએલઓની ખાસ ઝુંબેશ ચાલશે જેમાં અત્યાર સુધીમાં જે પણ મતદારોને ફોર્મ નથી મળ્યા તેઓને સ્થળ પર જ ફોર્મ વિતરણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ મતદારોને મુંઝવતા પ્રશ્નોનું બીએલઓ પોતાના બુથ પર જ સમાધાન કરશે. ચાર દિવસની ખાસ ઝુંબેશમાં તમામ બીએલઓ બુથ પર બેસીને ફોર્મ વિતરણ સહિતની તમામ કામગીરી પુરી કરી દેશે.
(3:14 PM IST)










