તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
સોનીબજારના વેપારીનું ૧.૩૯ કરોડનું ચાંદી બાપ-દિકરો ‘ખાઇ' ગયા
રાજકોટમાં એક વેપારી જીજ્ઞેશભાઇ અજાણીને છેતરી બંગાળી કારીગર ૧.૫ કરોડનું સોનુ લઇ ભાગી ગયાના બનાવની તપાસ ચાલુ થઇ ત્યાં જ બીજી ઘટના ઘટી : શ્રોફ રોડ ગેલેક્સી ટાઉન હોમ્સમાં રહેતાં જીતેન્દ્રભાઇ જૈન-મારવાડીએ વીસ વર્ષ જુના કારીગર લક્ષ્મીવાડીના હરેશ કારેલીયા અને પુત્ર પ્રશાંત ઉર્ફ પિન્ટુને લક્કી, પટ્ટા, સલમાન લક્કી બનાવવા ૯૦,૬૨૧ ગ્રામ ચાંદી આપ્યું હતું: બંનેએ દાગીના ન બનાવ્યા અને ચાંદી પણ પાછુ ન દીધું: એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૪: શહેરના સોની બજારના વધુ એક વેપારી સાથે મસમોટી ઠગાઇ થઇ છે. ગઇકાલે જ એક બંગાળી કારીગર સોની વેપારીનું ૧ કરોડ ૫ લાખનું સોનુ લઇ રફુચક્કર થઇ ગયાનો બનાવ એ-ડિવીઝનમાં નોંધાયો હતો. આ બનાવની તપાસ શરૂ થઇ ત્યાં વધુ એક વેપારી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં અને પોતાની સાથે લક્ષ્મીવાડીના પિતા-પુત્ર ૧ કરોડ ૩૯ લાખની ઠગાઇ કરી ગયાનું જણાવતાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર અને વેપારી વચ્ચે વીસ વર્ષની ઓળખાણ હોઇ વેપારીએ લક્કી, પટ્ટા, સલમાન લક્કી બનાવવા માટે આ પિતા-પુત્રને ૯૦.૬૨૧ ગ્રામ ફાઇન ચાંદી આપ્યું હતું. જો કે ચાંદી લઇ ગયા બાદ આ બંનેએ દાગીના આપ્યા નહોતાં અને ગાયબ થઇ ગયા હતાં.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ સોનીબજારમાં ચાંદીના દાગીનાનો વેપાર કરતા એક વેપારીએ તેમની સાથે વીસ વર્ષથી વેપારી સંબંધ ધરાવતા પિતા-પુત્ર કારીગરો સામે કુલ રૂપિયા ૧.૩૯ કરોડની કિંમતની ૯૦,૬૨૧ ગ્રામ ફાઇન ચાંદી લઇ જઇ દાગીના બનાવીને નહિ આપી તેમજ ચાંદી પણ પરત ન આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે શ્રોફ રોડ પર ગેલેક્સી ટાઉન હોમ્સ ત્રીજા માળે એ-૩૨માં રહેતાં અને સોની બજાર દરબાર ગઢ ચોક પાસે ડાયમંડ ચેમ્બરમાં પદ્માવતી ટ્રેડર્સ નામે ચાંદીના દાગીના લે-વેંચનો વેપાર કરતાં જીતેન્દ્રભાઈ પુખરાજભાઈ જૈન (ઉ.વ. ૪૩)ની ફરિયાદ પરથી તેમણે લક્ષ્મીવાડી શેરી નં. ૧૭માં રહેતા હરેશભાઇ નટવરલાલ કારેલીયા અને તેના પુત્ર પ્રશાંત ઉર્ફે પીન્ટુ કારેલીયા સામે ગુનો દાખલ કર્યો છે.
જીતેન્દ્રભાઈએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા વીસ વર્ષથી હરેશભાઈ અને પ્રશાંતભાઈને ચાંદીના ઘરેણાં બનાવવા માટે મજૂરીકામ અર્થે ચાંદી આપતા હતા. જીતેન્દ્રભાઈએ આરોપી પિતા-પુત્રને જુદી-જુદી તારીખો પર ત્રણ તબક્કામાં કુલ ૯૦,૬૨૧ ગ્રામ ફાઇન ચાંદી લકકી, પટ્ટા અને સલમાન લકકી જેવા દાગીના બનાવવા માટે આપી હતી. આ સોંપવામાં આવેલી ચાંદીની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧,૩૯,૩૧,૫૦૦ જેટલી થાય છે. જો કે ચાંદી લઇ ગયા પછી હરેશભાઇ અને તેના દિકરાએ એક મહિનાના સમયગાળામાં દાગીના બનાવીને પરત આપી દેવાનું વચન આપ્યું હોવા છતાં મહિનો વીતી ગયા પછી પણ દાગીના પાછા આપ્યા નહોતાં.
આથી વેપારી જીતેન્દ્રભાઇએ ફોન દ્વારા દાગીના પરત કરવાની વાત કરી, ત્યારે આરોપીઓએ વારંવાર બહાના બતાવવાનું ચાલુ કર્યુ હતું. સમય જતાં ે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને આજદિન સુધી ચાંદી કે તેમાંથી બનેલા દાગીના કે તેના પૈસા પરત કર્યા નહોતાં. અંતે જીતેન્દ્રભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. જીતેન્દ્રભાઈ જૈને આ મામલે આરોપી હરેશભાઇ કારેલીયા અને પ્રશાંત ઉર્ફે પીન્ટુ કારેલીયા વિરૂધ્ધ વિશ્વાસઘાત અને એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પીઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એચ.એન. જેઠવા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ રોડ પરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં વ્રજ શાંતિ ગોલ્ડ પેલેસ કોમ્પ્લેક્સમાં ભગત જ્વેલર્સ નામે દુકાન ધરાવતાં જીજ્ઞેશભાઇ ચનાભાઇ અજાણી (ઉ.વ.૩૯)ને છેતરીને કે ભગવતીપરામાં રહેતો પヘમિ બંગાળનો કારીગર અશોક રૂપચંદ મૈત્ય ૧ કરોડ ૫ લાખનું સોનુ લઇને ભાગી ગયાની ફરિયાદ ગઇકાલે જ એ-ડિવીઝન પોલીસમાં નોંધાતા તપાસ શરૂ થઇ હતી. જીજ્ઞેશભાઇની દૂકાનની બાજુમાં જ બંગાળનો અશોક રૂપચંદ મૈત્ય દુકાન રાખી દાગીના બનાવવાનું કામ કરતો હતો અને બાર વર્ષથી તેની સાથે પરિચય હતો. છેલ્લા છ મહિનાથી જીજ્ઞેશભાઇ તેને સોનું આપતા હતા અને અશોક મૈત્ય દાગીના બનાવી આપતો હતો. જીજ્ઞેશભાઇના કારીગરો પણ અશોકની દુકાનમાં બેસીને કામ કરતા હતા.
દરમિયાન ગત ૨૦ ઓક્ટોબરના સાંજે જીજ્ઞેશભાઇના કારીગર ગુરૂએ ફોન કરીને કહ્યું હતું કે અશોક મૈત્ય દુકાને આવ્યો નથી અને તેના ઘરે તાળા છે. જીજ્ઞેશભાઇ દુકાને ગયા તો ગુરૂએ ૪૪૦ ગ્રામ સોનાના દાગીના આપ્યા હતાં. બાકીના રૂ.૧,૦૫,૬૯,૦૦૦ની કિંમતનું ૯૩૬.૪૦ ગ્રામ સોનું લઇને અશોક નાસી ગયો હોવાનું જણાતાં તેણે અશોકની પત્નિને ફોન કરતાં અશોકે ફોન ઉપાડયોહ તો અને હું કરજમાં આવી ગયો છું થોડા દિવસમાં તમારુ સોનુ આપી દઇશ તેવી વાત કરી હતી. જો કે અશોક પાછો ન આવતાં અને સોનુ પણ ન આપતાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. ત્યાં હવે ૧ કરોડ ૩૯ લાખની ચાંદીની ઠગાઇની બીજી ફરિયાદ દાખલ થઇ છે. (૧૪.૭)
(3:00 PM IST)










